Monday, June 8, 2026
HomeGujaratખંભાત ભાજપમાં ભડકો, ત્રણ નારાજ હોદ્દેદારોએ આપ્યાં રાજીનામા

ખંભાત ભાજપમાં ભડકો, ત્રણ નારાજ હોદ્દેદારોએ આપ્યાં રાજીનામા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, આણંદ : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Election) માં ટિકિટ ફાળવણીને લઈને અનેક રાજકીય પક્ષોમાં નારાજગીને લઈને હોદ્દેદારોના રાજીનામા પડ્યાં છે. ચરોતરના આણંદ જિલ્લાના ખંભાત શહેર (Khambhat Anand) માં ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ સામે આવ્યો છે. નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને લઈને ઉભી થયેલી નારાજગીને લઈને ખંભાત શહેર ભાજપ (Khambhat City BJP) ના ત્રણ અગ્રણી હોદ્દેદારોએ સામૂહિક રાજીનામા આપ્યાં છે. ઉપપ્રમુખ વિરલસિંહ ભૂપતસિંહ રાઓલ, યુવા મોરચાના પ્રમુખ જય રાકેશભાઈ રાણા અને મહિલા મોરચાના ઉપપ્રમુખ અમી વિમલભાઈ ભટ્ટે સંગઠન પ્રમુખ તપનભાઈ શુક્લને પોતાના રાજીનામા સોંપી દીધા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા એક સાથે ત્રણ મહત્વના હોદ્દેદારોના રાજીનામા પડતા ખંભાતનું રાજકારણ ગરમાયું છે.

વિરલસિંહ રાઓલે રાજીનામા પત્રમાં આરોપ લગાવ્યો છે કે, વોર્ડ નંબર 5માં રહેતા વ્યક્તિને વોર્ડ નંબર 1માંથી ટિકિટ ફાળવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, વોર્ડ નંબર 1માં સ્થાનિક અને પાયાના કાર્યકરોની અવગણના કરીને અન્ય વ્યક્તિને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જે અન્યાયી છે. આ અન્યાય સામે વિરોધ નોંધાવતા તેમણે ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું (Resignations in BJP) આપી દીધું છે. જ્યારે યુવા મોરચાના પ્રમુખ જય રાકેશભાઈ રાણા અને મહિલા મોરચાના ઉપપ્રમુખ અમીબહેન ભટ્ટે પણ પોતાના રાજીનામા સોશિયલ મીડિયા પર જાહેર કર્યા છે. તેમણે રાજીનામા પાછળ અંગત કારણો અને પક્ષમાં કામ કરવાની અસમર્થતા દર્શાવી છે. પાયાના કાર્યકરોની નારાજગી આગામી ચૂંટણીમાં ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular