Vatva police locate 3 missing children : અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતા બે જોડકા ભાઈ અને તેમનો એક બાળ મિત્ર ઘરેથી ગુમ થયાની જાણ થતાં વટવા પોલીસ ધંધે લાગી હતી. ચાર દિવસની ભારે જહેમત અને CCTV ફૂટેજની મદદથી વટવા પોલીસે ત્રણેય બાળકોને વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી શોધી કાઢી (Vatva police locate missing children with the help of CCTV footage) પરિવારને સોંપ્યા છે. મુંબઈ દર્શન કરવા માટે ત્રણેય બાળકો સાયકલ તેમજ ટ્રેનનો પ્રવાસ ખેડ્યો હતો. 400 રૂપિયા જેવી નજીવી રકમ ઘરેથી લઈને નીકળેલા બાળકોએ મુંબઈમાં મજૂરી કરી 200 રૂપિયા મેળવ્યા હતા.
સાયકલ અને ટ્રેનમાં પ્રવાસ ખેડી મુંબઈ પહોંચ્યા
અમદાવાદના વટવા પોલીસ સ્ટેશન (Vatva Police Station Ahmedabad) ની હદમાં રહેતા બે ટ્વીન્સ બ્રધર એક મિત્રની બર્થ ડે પાર્ટીમાં મુંબઈ જવાનો પ્લાન ઘડી કાઢે છે અને સાથે એક મિત્રને લઈને ગત રવિવારે સાયકલ પર ત્રણ સવારી નીકળી જાય છે. ત્રણ બાળકો ગુમ થયા હોવાની જાહેરાત થતાંની સાથે જ વટવા પોલીસ દોડતી થઈ જાય છે. પોલીસે અનેક સીસીટીવી ફૂટેજ તપાસ હાથ ધરતા ત્રણેય બાળકો સાયકલ લઈને વટવા રેલવે સ્ટેશન પહોંચ્યા હોવાનું અને ત્યાંથી મેમુ ટ્રેનમાં બારેજા પહોંચ્યા હોવાની જાણકારી મળે છે. બારેજા ખાતેથી બાળકો ત્રણ સવારી સાયકલ પર વડોદરા પહોંચે છે અને વડોદરા રેલવે સ્ટેશનથી મુંબઈ જતી ટ્રેનમાં બેસી જાય છે. વટવા પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન ગત 4 અને 5 જૂનની રાતે ત્રણેય બાળકો વડોદરા રેલવે સ્ટેશન ખાતે સૂતેલી હાલતમાં મળી આવતા પોલીસ હાશકારો અનુભવે છે.
રૂપિયા ખૂટી જતાં મંદિર અને મસ્જીદમાં ભોજન કર્યું
હેમખેમ હાથ લાગેલા બાળકોની પૂછપરછમાં વટવા પીઆઈ એ. એ. વછેટા (PI A A Vacheta) ને જાણવા મળે છે કે, મુંબઈ ખાતે રૂપિયા ખૂટી જતાં ત્રણ પૈકી એક બાળકે મજૂરી કરી 200 રૂપિયા કમાયા હતા. રોકડ રકમ શરૂઆતના દિવસોમાં જ વપરાઈ ગઈ હોવાથી ત્રણેય બાળકો મંદિર અને મસ્જીદમાં ભોજન મેળવ્યું હતું.








