Monday, April 20, 2026
HomeGujaratGandhinagarલઈ લો 156નો લ્હાવો ! જંત્રીના ભાવ બમણા થતા ઘરના ઘર લેવાના...

લઈ લો 156નો લ્હાવો ! જંત્રીના ભાવ બમણા થતા ઘરના ઘર લેવાના સપના રોળાશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: રાજ્ય સરકારે જંત્રીના દર 100 ટકા વધારવાનો (Gujarat Jantri Rates Hiked) નિર્ણય કરી લીધો છે. જેના કારણે હવે અફોર્ડેબલ હાઉસિંગના ભાવ પણ દોઢ ગણા વધી જશે. આમ હવે ઘરના ઘર લેવાના સપના સાકાર કરવા મુશ્કેલ બનશે. આ નિર્ણયને પગલે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે કેટલાક લોકો વ્યંગ કરતા આ નિર્યણને ‘156નો પ્રથમ માસ્ટર સ્ટ્રોક’ ગણાવી રહ્યાં છે.

ગુજરાત સરકારે રાજ્યમાં 11 વર્ષ બાદ અચાનક જ જંત્રીના દર વધારી બમણા કરી નાખતા બુમારણ મચી ગઈ છે. રાજયના મહેસૂલ વિભાગે નોટિફિકેશન બહાર પાડી રવિવારથી જ જંત્રીના દરમાં વધારો લાગુ કરવાનું જણાવી દીધું છે. આ નિર્ણયને કારણે સામાન્ય લોકો અને બિલ્ડરોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. સરકારના વિકાસની ગતિને ઝડપી બનાવવાના બહાના હેઠળ થયેલા આ વધારાનો ભાર સામાન્ય લોકોને સહન કરવો પડશે. મહત્વની વાત છે કે છેલ્લા કેટલાક વર્ષોથી આવક વધારવા માટે સરકારમાં ગણગણાટ ચાલતો હતો, જ્યારે હવે ગત વિધાનસભામાં ભાજપને મળેલી જ્વલંત સફળતા બાદ નિર્ણય કરી જંત્રીના ભાવ બમણા કરી દેવાયા છે.

- Advertisement -

સરકારે જંત્રીના ભાવ અચાનક વધારતા હાલ ચાલી રહેલા સોદાઓ અને દસ્તાવેજ રજીસ્ટર માટે ટોકન લઈ બેઠેલા લોકો પણ અસમંજસમાં મુકાયા છે. વળી કેટલાય લોકો તો પૈસાના સાંધા કરીને ઘરના ઘર લેતા હોય તેને હવે દસ્તાવેજ કરવા વધારાના પૈસા અચાનક ક્યાંથી લાવવા તેવા સવાલ મુંઝવી રહ્યાં છે. બિલ્ડરો પણ આ નિર્ણયથી નાખુશ હોય તેઓ પણ આંદોલનના મંડાણ કરવાની ચિમકી ઉચ્ચારતા જોવા મળ્યા છે. પરંતુ હાલ તો જે થઈ ગયું તે થઈ ગયું… હવે અટવાયેલા દસ્તાવેજ અને ટોકન આપી નક્કી થયેલા સોદા કેમ પાર પાડવા તે સવાલ સામાન્ય લોકો માટે મહત્વનો બની ગયો છે.

રાજ્ય સરકારને આ નિર્ણયથી 7 હજાર કરોડની અંદાજી આવક મળી રહે છે. ત્યારે રાજ્ય સરકાર વિકાસની ગતિ વધારવાની વાત કરે છે. પરંતુ સામાન્ય અને ગરીબ લોકોને સપનાનું ઘરનું ઘર કરવાની ગતિ અતિમંદ પડી શકે તેવો આ નિર્ણય છે. સાથે જ કેપિટલ ગેઈન અને પ્રોપર્ટી ટેક્સમાં પણ જંત્રીના દર વધારાની અસર જોવા મળશે.

Tag: Gujarat Jantri Rates Hiked by Revenue Department

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular