Friday, May 15, 2026
HomeGujaratGandhinagarગુજરાત સરકારના કેબિનેટમાં નિર્ણયઃ આ મુદ્દાઓ પર કરશે કરકસર, મોદીની મંદીની વોર્નિંગની...

ગુજરાત સરકારના કેબિનેટમાં નિર્ણયઃ આ મુદ્દાઓ પર કરશે કરકસર, મોદીની મંદીની વોર્નિંગની અસર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ ગુજરાત સરકારે સરકારી ખર્ચમાં ઘટાડો કરવા અને કાર્યક્ષમતા વધારવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. 15 મેના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા વિવિધ વિભાગોને જરૂરીયાત મુજબ જ આયોજન કરવા અને બિનજરૂરી ખર્ચ ટાળવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.

સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા જણાવ્યું કે હવે શક્ય હોય તેટલી સરકારી બેઠકો વીડિયો કોલ અથવા ઓનલાઈન માધ્યમથી યોજવામાં આવશે. અન્ય રાજ્યો તેમજ કેન્દ્ર સરકાર દ્વારા યોજાતી બેઠકોમાં પણ ઓનલાઈન હાજરીને પ્રાથમિકતા આપવામાં આવશે.

- Advertisement -

સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે પણ નવી ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે. હવે માત્ર જરૂરી હોય ત્યારે જ સરકારી કામકાજ માટે મુસાફરી કરવાની રહેશે. સરકારી વાહનોના ઉપયોગની પણ સમીક્ષા કરવામાં આવશે અને વહીવટી વિભાગને અધિકારીઓ તથા કર્મચારીઓના વાહનોની વિગતવાર સમીક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, વધારાના સરકારી વાહનો પર નિયંત્રણ માટે પણ નિર્ણય લેવાયો છે. એક સરકારી વાહન સિવાયના અન્ય વાહનોને વેહિકલ પુલમાં જમા કરાવવા સૂચના આપવામાં આવી છે, જેથી વાહનોનો સંયમિત અને અસરકારક ઉપયોગ થઈ શકે.

જાહેર સુવિધાઓને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે મેટ્રો સેવા રાત્રે 11 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. સાથે જ સરકારી કેન્ટીનમાં PNG ગેસ લાઈન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી ઈંધણ ખર્ચમાં ઘટાડો કરી શકાય.

- Advertisement -

સરકારે સામાન્ય જનતાને પણ બિનજરૂરી સંગ્રહખોરી ન કરવા અપીલ કરી છે. જરૂરી ચીજવસ્તુઓનો સમજદારીપૂર્વક અને સંયમિત ઉપયોગ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

સરકારને આશા છે કે આ પગલાંથી સરકારી ખર્ચમાં ઘટાડો થશે, કાર્યક્ષમતા વધશે અને ઉપલબ્ધ સંસાધનોનો વધુ અસરકારક ઉપયોગ શક્ય બનશે.

ઉલ્લેખનીય છે કે મોદીએ હાલમાં જ વર્ષ દરમિયાન કોઈ પણ કાર્યક્રમે સોનું નહીં ખરીદીએ, પેટ્રોલ-ડીઝલ બચાવીએ, વિદેશી મુદ્રા બચાવવા વિદેશ ફરવા ના જવા સહિતના નિર્ણય લોકોને કરવાના કહ્યું હતું. જે પછી તો દેશમાં ધમાચકડી મચી ગઈ છે. રીતસર પેટ્રોલ પંપ પર લાઈન, પેટ્રોલ-ડીઝલ નથી તેવા બોર્ડ લાગવા લાગ્યા છે. મોદીએ આ રીતે મંદીની વોર્નિંગ આપી દીધી હોવાનું પણ તજજ્ઞો માને છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular