નવજીવન ન્યૂઝ, રાજકોટ : રાજકોટ શહેરમાં ગત રાત્રિના ડિમોલિશનની કામગીરી દરમિયાન એક સાથે ડઝન મંદિરને જમીનદોસ્ત (Temple demolition in Rajkot) કરી દેવાયા છે. રાજકોટના મવડી રોડ પર સ્થાનિકોએ રોડ પર બેસીને મંદિર બચાવવા રામધૂન બોલાવતા 48 કલાકમાં મંદિર નાનું કરવાની બાંહેધરી આપી હતી. ‘મંદિરો પ્રજાને નહીં ભાજપને નડે છે’ તેવો સવાલ સ્થાનિકોએ ઉઠાવ્યો હતો. અડધી રાતે તંત્રએ શરૂ કરેલી કામગીરીને લઈને ઉશ્કેરાયેલા લોકોએ ‘સત્તા ક્યારે જતી રહેશે તે પણ ખબર નહીં પડે’ તેવી ચીમકીઓ ઉચ્ચારી હતી.
રાજકોટ મહાનગપાલિકા દ્વારા ટ્રાફિકને નડતરરૂપ અને રોડ રસ્તા પર આવતા નાના મંદિરો અને હનુમાનજીની ડેરી તોડી પાડવા નિર્ણય લેવામાં આવ્યો હતો. કામગીરી દરમિયાન લોકો સાથે ઘર્ષણ ન થાય તે હેતુથી તંત્ર દ્વારા રાત્રિના સમયે ડિમોલિશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમગ્ર ડિમોલિશનની પ્રક્રિયા રાત્રે દોઢ વાગ્યાથી શરૂ કરી વહેલી સવાર સુધી ચાલી હતી. Rajkot Municipal Corporation ના એસ્ટેટ વિભાગે ફાયરબ્રિગેડ, PGVCL, વિજિલન્સ અને સ્થાનિક પોલીસની મદદ લીધી હતી. એક રાતમાં કુલ 12 જેટલા ધાર્મિક દબાણો તંત્રએ દૂર કર્યા હતા. જે પૈકી રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9 જેટલા મંદિરો તોડી પાડવાનું નક્કી કરાયું હતું.
માલવિયાનગર પોલીસ સ્ટેશનથી તદ્દન નજીક મવડી ચોક પાસે રસ્તા પર કેસરિયા હનુમાન મંદિર આવેલું છે. જેને તોડી પાડવા માટે RMC દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જો કે આ વાતની જાણ થતા સ્થાનિક લોકો અને યુવાનો મોટી સંખ્યામાં મંદિર ખાતે એકત્રિત થઇ ગયા હતા અને રસ્તા પર રામધૂન બોલાવી હતી. સતત ચાર કલાક સુધી મંદિર બહાર બેસી રહ્યાં હતાં. મંદિરથી 500 મીટર દૂર રસ્તામાં દરગાહ આવેલી હોવા છતાં તેને નોટિસ ન આપી હિન્દુ સમાજની લાગણી દુભાય તેવી કામગીરી તંત્ર કરી રહ્યું હોવાના આરોપ સ્થાનિકોએ લગાવ્યા હતા.








