Monday, April 20, 2026
HomeGeneralગુજરાત સરકારનો શાળાઓમાં ગીતા ભણાવવાનો નિર્ણય કેટલો યોગ્ય?

ગુજરાત સરકારનો શાળાઓમાં ગીતા ભણાવવાનો નિર્ણય કેટલો યોગ્ય?

- Advertisement -

દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા ગુરુવારે એક નિર્ણય કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વર્ષ 2022-2023થી સરકારી શાળાઓમાં ભગવત્ ગીતા અને તેના અધ્યાય ભણાવવામાં આવશે. ગુજરાત સરકારના આ નિર્ણય બાદ કર્ણાટકની સરકાર પણ આ પદ્ધતિ અમલમાં મૂકવા અંગે વિચારણા કરી રહી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે કે જ્યારે કર્ણાટકમાં જ છેલ્લા ઘણા સમયથી મુસ્લિમ સંપ્રદાયની કેટલીક વિદ્યાર્થીનીઓને શાળા અને કોલેજમાં હિજાબ પહેરતા રોકવામાં આવી રહ્યા છે અને આ અંગે હિન્દૂ સંગઠનો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પહેરવેશને અનુમતિ આપવામાં આવતી નથી.



આ નિર્ણયની સાથે બીજો પણ એક નિર્ણય એ લેવામાં આવ્યો છે કે હવે ધોરણ 1થી જ સરકારી શાળાઓમાં અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. આ નિર્ણય આવકાર્ય છે, પરંતુ ધોરણ 6થી 12 સુધી સરકારી શાળાઓમાં ભગવત ગીતા ભણાવવામાં આવશે તે એક બંધારણીય પ્રશ્ન છે. શાળાઓમાં ગીતા ભણાવવી એ કોઈ એક ધર્મને શાળાના અભ્યાસમાં સમાવવા જેવી વાત છે. ગીતા વિશે કહેવાય છે તેમાં બધા ધર્મની વાત છે પરંતુ આખરે તો ગીતા હિન્દૂ ધર્મનું ધાર્મિક પુસ્તક જ છે.

ધાર્મિક પુસ્તકો ભણાવવા આ શાળાઓ છે જ

- Advertisement -

આપણે ત્યાં લોકશાહીમાં કોઈ પણ સરકાર માટે બધા જ ધર્મો એક સમાન હોય છે. જેથી સરકારી શાળામાં એક જ ધર્મના પુસ્તકનો અભ્યાસએ બંધારણ મુજબ કેટલું યોગ્ય છે. શાળાઓમાં કોઈ પણ ધાર્મિક પુસ્તકોનો અભ્યાસ ન હોવો જોઈએ, કરણ કે સરકારી શાળાઓ બધા ધર્મના વિદ્યાર્થીઓ માટે છે તેવું પણ એક વર્ગ માને છે. ધાર્મિક પુસ્તકો ભણાવવા માટે ખાનગી શાળાઓ છે જ, જેમ કે RSS સંચાલિત શાળાઓ, મદ્રેસા, ખ્રિસ્તી મિશીનરી વગેરે.



કર્ણાટકમાં જ્યારે હિજાબ વિવાદ થયો તે સમયે કર્ણાટક હાઇકોર્ટ દ્વારા આ કેસમાં કહેવામાં આવ્યું હતું કે હિજાબ પહેરવું એ ઇસ્લામમાં આવશ્યક પ્રથા નથી જેના કારણે સરકાર વિદ્યાર્થિનીઓને શાળા અને કોલેજમાં હિજાબ પહેરતા અટકાવી શકે. જેના કારણે કર્ણાટક હાઈકોર્ટે વિદ્યાર્થિનીઓની અરજી ફગાવી કાઢી હતી.

સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ દુષ્યંત દવેએ કહ્યું…

- Advertisement -

આ અંગે સુપ્રીમ કોર્ટના એક સિનિયર એડવોકેટ દુષ્યંત દવેએ એક ખાનગી સમાચાર વેબસાઈટ ધ વાયરને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “૧૯૫૪ના ચુકાદામાં ધર્મની વ્યાખ્યા પણ એટલી બધી વિશાળ અને સર્વગ્રાહી છે કે તેમાં વિવિધ પ્રકારના ખોરાક અને વસ્ત્રોનો સમાવેશ થાય છે, જેને શ્રદ્ધાળુઓ તેમની શ્રદ્ધા માટે આવશ્યક માને છે. તેમનું કહેવું છે કે જો મુસ્લિમ છોકરીઓ હિજાબને પોતાની આસ્થાનું અભિન્ન અંગ માનતી હોય તો તે છે. હિજાબ ૧૯૫૪ ના ચુકાદાની ધર્મની વ્યાખ્યા દ્વારા સ્પષ્ટપણે આવરી લેવામાં આવ્યો છે.”



૧૯૫૪માં શિરૂર મઠ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ધર્મની વ્યાખ્યા મુજબ, ધર્મ એ સિદ્ધાંત કે માન્યતા સિવાય બીજું કશું જ નથી એમ કહેવું યોગ્ય નહીં ગણાય. કોઈ પણ ધર્મ તેના અનુયાયીઓ માટે સ્વીકારવા માટે નૈતિક નિયમોની આચારસંહિતા નક્કી કરી શકે છે. એટલું જ નહીં, તે ધાર્મિક વિધિઓ અને પૂજાની રીતો સૂચવી શકે છે, જેને ધર્મના અભિન્ન અંગ તરીકે ગણવામાં આવે છે અને આ સ્વરૂપો, પાલન, ખોરાક તથા પહેરવેશની બાબતોમાં પણ વિસ્તૃત થઈ શકે છે.”

એડવોકેટ દુષ્યંત દવેએ વધુમાં જણાવ્યું હતું કે. જો એક બિનસાંપ્રદાયિક દેશ ભગવો ધારણ કરેલા એક વ્યક્તિને મુખ્યમંત્રી તરીકે સ્વીકારી શકતો હોય તો વિદ્યાર્થીનીઓ શાળા અને કોલેજમાં હિજાબ પહેરે તો તેમાં ખોટું શું છે.



હિજાબનો મુદ્દો કેમ ઉઠ્યો?

- Advertisement -

2022ની શરૂઆતમાં કર્ણાટકની એક શાળામાં વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરીને શાળામાં આવતા અટકાવવામાં આવ્યા હતા, ત્યાંથી આ વિવાદની શરૂઆત થઈ હતી. કર્ણાટક સરકાર દ્વારા શાળા અને કોલેજમાં ધાર્મિક પહેરવેશ ન પહેરવા અને ચોક્કસ યુનિફોર્મ પહેરવા અંગે નિયમ બનાવવામાં આવ્યો ત્યાર બાદ કેટલાક હિન્દૂ સંગઠનો અને વિદ્યાર્થીઓ દ્વારા કેસરિયો ખેસ પહેરીને હિજાબ પહેરીલી વિદ્યાર્થીનીઓનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે આ મુદ્દો વધુ જ્વલંત બન્યો અને આખા દેશમાં તેની ચર્ચા થઈ. આ વિદ્યાર્થીનીઓ દ્વારા કર્ણાટક હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે હાઇકોર્ટે ફગાવી કાઢી હતી.

અહીંયા અમે નથી હિજાબનું સમર્થન કરી રહ્યા કે નથી ગીતાનો વિરોધ કરી રહ્યા. અહીંયા પ્રશ્ન એક જ છે કે જેટલું વિદ્યાર્થીનીઓનું હિજાબ પહેરવું અયોગ્ય છે તેટલું જ અયોગ્ય શાળામાં ગીતા ભણાવવું. જાપાન જેવા દેશમાં બાળકોને નાનપણથી ટેક્નોલોજીથી માંડી ઘણી જીવન જરૂરી કામગીરીઓના જ્ઞાન અપાય છે. આપણે કઈ દિશામાં આપણો સમાજ લઈ જવો છે તે અહીંથી નક્કી થાય તેમ છે, માટે આ મુદ્દે ઘણી વિચારણા અને ચર્ચા પછી નિર્ણય કરવો વધુ હિતાવહ છે. કારણ બાળકો આવનારું ભારત છે.





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular