Monday, April 20, 2026
HomeGeneralઅમદાવાદઃ 'મારે પોલીસ ઓફિસર બનવું છે': ભણતાં ભણતાં માસ્ક વેચતા બાળકે દિવસે...

અમદાવાદઃ ‘મારે પોલીસ ઓફિસર બનવું છે’: ભણતાં ભણતાં માસ્ક વેચતા બાળકે દિવસે જોયેલું સ્વપ્ન

- Advertisement -

મિલન ઠક્કર (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ‘થેન્ક યૂ સર, બાય…’ આ બે શબ્દો કાને અથડાયા જોયું તો લગભગ 10-12 વર્ષનો એક છોકરો નીચે બેઠો હતો અને તેની સામે ઊભેલાં એક કપલની સામે હાથ ઊંચો કરીને ‘આવજો’ કહેવાની મુદ્રામાં હાથ વિંઝતો હતો. એના નાનકડા હોઠનું સ્મિત દૃષ્યને વધું ઉજાસ આપતું હતું. ફૂટપાથ પર માસ્ક વેચવા બેસેલા એ બાળકના હાથમાં બોલપેન, ખોળામાં ચોપડો હતો, જેમાં તે કંઈક લખી રહ્યો હતો, એના મનમાં ભણવાની ધગશને સ્પષ્ટ વાંચી શકાતી હતી, એણે પોલીસ ઓફિસર બનવાનું જાગતી આંખોએ જોયેલું સ્વપ્ન એના શબ્દોમાં વિશ્વાસ સાથે છલકાતું હતું. આ દૃશ્ય મન તરત સ્વિકારે તેવું ન્હોતું કારણ, રાતનો એક વાગ્યો હતો અને એમાંય વળી અમદાવાદનો ‘રોયલ’ એરિયા SG હાઇવે, ઇસ્કોન ચાર રસ્તા, વાઇડ એંગલ સિનેમાની બહાર!


લગભગ બે એક મિનિટ પછી આ કોઈ ચલચિત્ર નહીં પણ સત્ય હકીકત છે તેવું સ્વિકારી શકાયું. એક 10-12 વર્ષનો છોકરો સરકારે બનાવેલી ફૂટપાથ પર, સરકારી લાઈટના અજવાળામાં, સરકારી શાળાના સરકારી શિક્ષકે આપેલું લેશન (હોમવર્ક) કરતો હતો. તેની બાજુમાં “ધોરણ-6 વિજ્ઞાન” ટાઇટલ વાળું એક પુસ્તક હતું અને એની નીચે લગભગ દસેક જેટલાં બીજાં પુસ્તક તથા બાજુમાં લાલ રંગની એક સ્કૂલબેગ હતી. જે બધું કોઈ અજાણી (બીનસરકારી) વ્યક્તિએ તેને અપાવ્યું હતું. પલાંઠી વાળીને બનાવેલા તેના નાનકડા ખોળામાં બરાબર વચ્ચેથી તૂટેલું એક પાટિયું અને પાટિયાં પર મુકેલા ફુલસ્કેપ ચોપડામાં એ બીજાં એક પુસ્તકમાં જોઈ જોઈને કશુંક લખી રહ્યો હતો. એ પુસ્તક હતું ‘હિતોપદેશની કથાઓ’. શનિ-રવિની રજામાં તેમને શાળામાંથી વાંચન-લેખનની પ્રેક્ટિસ માટે વાર્તાઓ લખવાનું હોમવર્ક આપવામાં આવે છે. તેની પલાંઠી કરતાં મોટો લાગતો માસ્કનો એક ઢગલો તેની પલાંઠી આગળ પડ્યો હતો. મેં એની સાથે બેસીને વાત કરવાનો પ્રયત્ન કર્યો.

- Advertisement -



એનું નામ નીકુલ ગોવિંદભાઈ પરમાર છે. સરનામાં વિશે પૂછતાં નીકુલે બંને હાથ વડે ઈશારો કરતાં કહ્યું, રામદેવનગરના ટેકરામાં આવેલા કાચા મકાનોની લાઈનમાં તમે જશો તો વાદળી કલરના બે મકાન આવશે જેમાં આ બાજુનાં ઘરમાં હું રહું છું. એના પરિવાર વિશે જણાવતા નીકુલે કહ્યું કે, પપ્પા પહેલા પેઇન્ટિંગ કરતા હતા. લોકો એમની પાસે દીવાલ, ચાદર, શાલ, કાપડ ઉપર ચિત્રો દોરાવવા આવતા. એમાંથી અમારું ગુજરાન ચાલતું, પણ કોરોના પછી એમને કામ મળવાનું બંધ થઈ ગયું અને મમ્મી-પપ્પા બંને અત્યારે ફુગ્ગા વેચે છે. હું ઘરમાં સૌથી નાનો છું. મારાથી મોટો એક ભાઈ અને ત્રણ બહેનો છે, પણ અત્યારે બીજા નંબરની બહેનની પ્રસુતિ થઈ હોવાથી બધાં મોટી (અસારવા) સિવિલ હોસ્પિટલ ગયાં છે. એટલે કે નીકુલ શનિવારે જ 12 વર્ષની ઉંમરે મામા બન્યો છે.


નીકુલ રોજ સવારે રામદેવનગર સરકારી સ્કૂલમાં ભણવા જાય છે. બપોરે લગભગ 2:00 વાગ્યે SG હાઇવે પર અલગ અલગ હોટેલ, રેસ્ટોરાંની બહાર માસ્ક અને કિચન વેચે છે અને રોજ લગભગ 100-200 રૂપિયાની ‘અકલ્પનીય’ આવક રળે છે. તેનો ભાઈ પણ એ જ કામ કરે છે. તેની સાથે વાત કરતા જાણવા મળ્યું કે, તે મોટો થઈને પોલીસ ઓફિસર બનવા માગે છે. આ ઇચ્છાનું કારણ આપતાં તે કહે છે, “અમારે ત્યાં બધા દારૂ ખૂબ પીવે છે પછી ઘરે આવીને પત્નીને મારઝૂડ કરે છે. હું બધા જ દારૂના અડ્ડા બંધ કરાવીશ અને દારૂ પીનારા, વેચનારાને પકડીને જેલમાં પૂરી દઈશ.”



મેં એને શુભેચ્છા આપી એની કારકિર્દી માટે અને “International Day Of Happiness” માટે કારણ કે, આજે રવિવારે “આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ” ઉજવવામાં આવે છે અને ખરેખર એના ચહેરા પરની ખુશી એના જીવનના તમામ દુઃખ-દર્દને મ્હાત આપતી હતી. એનું કારણ ગમે તે હોય, કદાચ એની અજ્ઞાનતા… સરકારી નોકરીના સમીકરણોની, પોલીસની ભરતીમાં થતાં છબરડાની, સિસ્ટમના આવા અનેક દાવપેચની અજ્ઞાનતા પણ એના માટે ખુશીનું કારણ બની હોય. હવે એ પોલીસ ઓફિસર બને કે ન બને પણ એ અત્યારે જેટલો નિખાલસ માણસ છે એવો જ નિખાલસ કાયમ બની રહે તેવી ઈશ્વરને પ્રાર્થના. તમને પણ “International Happiness Day”ની શુભકામના. ‘થેન્ક યૂ સર, બાય…’

- Advertisement -





- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular