Thursday, April 16, 2026
HomeGujaratનીલમ જે ફૌજ લડવા માટે તૈયાર નથી તેમના માટે આપણે ઈશુની જેમ મરી...

નીલમ જે ફૌજ લડવા માટે તૈયાર નથી તેમના માટે આપણે ઈશુની જેમ મરી ફીટવાની જરૂર નથી

- Advertisement -

પ્રિય નીલમ

તને પ્રિય તરીકે સંબોધન એટલા માટે કરૂ છુ કારણ  હું કાયમ લડાયક માણસને પ્રેમ કરુ છુ, તારો મારો પરિચય કઈ જાજો નથી. તુ આમરણાંત ઉપવાસ ઉપર હતી હતી અને મારા મિત્ર અને IPS અધિકાીરી ગૌતમ પરમારના આગ્રહને કારણે હું તને મળવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવ્યો. ગૌતમ પરમાર માનતા હતા કે તારે ઉપવાસ કરવા જોઈએ નહીં, મને પણ લાગ્યુ કે તુ પોલીસના જે પગાર વધારા મુદ્દે લડી રહી છે તે મુદ્દો સાચો હોવા છતાં લડાઈની રીત ખોટી છે એટલે જ હું તને મળવા આવ્યો. તે મારી અને ગૌતમ પરમારની વિનંતીને કારણે ઉપવાસ છોડયા. મેં એડીશનલ ડીજીપી અનુપમસિંહ ગૈહલોત અને ગૃહરાજ્ય મંત્રી હર્શ સંઘવી સાથે વાત કરી તેઓ પોલીસના મુદ્દે હકારાત્મક હતા, મોડે-મોડે પણ પોલીસના પ્રશ્નનો ઉકેલ આવ્યો.

- Advertisement -

નીલમ તુ ખુબ રાજી હતી, તુ પેંડા લઈ નવજીવન ટ્રસ્ટ ખાતે આવી, તે મારો આભાર માન્યો પણ મે તો  મારૂ કામ હતું. તારુ અને તારા સાથી મિત્રોની ફરજ મોકુફી રદ થાય તે મુદ્દે તે રજુઆત કરી, મે ખાતરી આપી કે હું વાત કરીશ પણ નવો ભથ્થા મળે તે પહેલા એક નવા પ્રકરણે જન્મ લીધો. પોલીસે પગાર વધારા પહેલા એક બાંહેધરી આપવાની હતી કે અમે ભવીષ્યમાં કોઈ વધારો માંગીશુ નહી. ગુજરાતની પોલીસ ફરી એક વખત નારાજ થઈ કારણ સરકારનો મદ્દો ખોટો છે. પોલીસે પોતાના વોટ્સએપ સ્ટેટસમાં તેનો વિરોધ કર્યો, પોલીસ ઈન્સપેકટરના બીપી વધી ગયા. કારણ તેમને ફરમાન થયુ કે તમારા પોલીસ સ્ટેશનના સ્ટાફના સ્ટેટસ દુર કરવાના આદેશ આપો. ઈન્સપેકટર્સની સ્થિતિ કફોડી હતી, કારણ તેમને પણ ખબર  કે તેઓ તેમના સ્ટાફને ખોટુ દબાણ કરી રહ્યા છે પણ તેમને પણ પોલીસ સ્ટેશનમાં રહેવુ હતું.

નીલમ વાત અહિયાં અટકી નહીં સાંજ પડતા પોલીસ સ્ટાફ ઉપર દબાણ વધ્યુ  અને સ્ટેટસ દૂર કરવાની વાત તો એક બાજુ ઉપર રહી સ્ટાફને બોલાવી દબાણ સાથે એફીડેવીટ કરાવવાની શરૂઆત થઈ કે અમારે વધારે પગાર જોઈતો નથી અને અમે માંગીશુ નહીં. મને ખબર છે આખી ઘટના બહુ નિરાશાજનક અને પીડા આપનારી હતી. મોડી સાંજે મને તારો ફોન આવ્યો કે કહ્યુ સર હવે હદ થાય છે, પોલીસ ઉપર દબાણ કરી તેમની પાસે એફીડેવીટ લેવામાં આવી રહ્યા છે. મેં તને સવાલ કર્યો તો તને શું ફર્ક પડે છે, મારો પ્રશ્ન સાંભળી તને કદાચ આધાત લાગ્યો હશે. તુ કઈ જવાબ આપે તે પહેલા મે તને કહ્યું તારે ઈશુ ખ્રીસ્ત થવાની જરૂર નથી. તે મને કહ્યુ ગુજરાતના ઘણા બધા પોલીસવાળા મને ફોન કરીને કહી રહ્યા છે કે અમને દબાણ કરી અમારી એફીડેવીટ ઉપર સહી લેવામાં આવી રહી છે.

નીલમ મેં તને પૂછ્યું તુ ઉપાવસ ઉપર ઉતરી ત્યારે કેટલા પોલીસવાળા તારી સાથે ઉપવાસ ઉપર ઉતર્યા હતા. તે મને કોઈ જવાબ આપ્યો નહીં, કારણ તારી પાસે ઉત્તર ન્હોતો. મેં તને કહ્યું જે પોલીસવાળાની સહી લેવામાં આવી રહી છે તેમની અંદર એટલી હિમંત હોવી જોઈએ કે તેઓ સહી કરશે નહીં તેવુ તેમણે પોતાના ઉપરી અધિકારીને કહેવુ જોઈએ, પણ તેવી હિમંત તેમની અંદરથી નથી પણ તે બધા તને ફોન કરી રહ્યા છે. મેં તને કહ્યુ જે ફૌજ લડવા માગતી નથી તેની લડાઈ તારે લડવી જોઈએ નહીં. તારુ ઘર સળગે તો તેઓ તાપણુ કરવા તૈયાર છે, તેઓ તારી સાથે જાહેરમાં લ઼ડવા તૈયાર નથી. તેઓ ખુલીને બોલવા તૈયાર નથી હું એફીડેવીટ કરીશ નહીં, તેવુ કહેવાની નૈતિક હિમંતમાં પણ જેમની અંદરથી નથી તેમની લડાઈ આપણે શુ કામ લડવી જોઈએ.

- Advertisement -

નીલમ તને હું એટલા માટે આવુ વિશ્વાસપુર્વક કહી શકુ છુ કારણ હું આવી લડાઈ લડી ચૂક્યો છુ, હું 2014માં દિવ્ય ભાસ્કરમાં હતો, મારો પગાર સવા લાખ રૂપિયા હતો પણ ભારત સરકારે નક્કી કરેલા પગાર કરતા મારા સાથીઓનો પગાર ઓછો હતો. મારો પગાર તો સરકારના ધોરણો કરતો લગભગ બમણો હતો. તારી પાસે જેમ તારા સાથીઓ આવે છે તેમ મારી પાસે મારા સાથીઓ આવ્યા. મારે આ લડાઈ સાથે કોઈ નીસ્બત ન્હોતી, કારણ હું હાયર સ્કેલમાં હતો, પણ મેં પણ તારી જેમ લાગણીથી વિચાર કર્યો મેં દિવ્ય ભાસ્કરના મેનેજમેન્ટ સામે મારા સાથીઓ માટે મારી રજુઆત કરી. ત્યારે મારી પાછળ એક મોટુ ટોળુ હતું, લગભગ દોઢસો બસોનું, મારી બદલી ઝારખંડ કરી દેવામાં આવી તે દિવસે પણ અમદાવાદના વીજય ચાર રસ્તા પાસે અમે બધા એકત્રીત થયા. બધા મને લડી લેવાની વાત કરી પણ બીજા દિવસે ચિત્ર બદલાઈ ગયુ.

નીલમ મને લડી લઈશુ તેવુ કહેનાર કોઈ મારી સાથે ન્હોતુ. પત્રકાર તેજશ, નિમેશ, જીજ્ઞેશ, અશોકભાઈ  અને લક્ષ્મી  બાદ કરતા બધા મને છોડી જતા રહ્યા હતા મને ત્યારે બહુ ખરાબ લાગ્યુ હતું પછી મારા કચ્છના મિત્રો જયેશ, ઈમરાન, લાલજી, જીજ્ઞા , વિવેક અને સંદીપ અમારી સાથે જોડાયા બાકીના મિત્રો તારની વાડ પાસે બેસી આખો તમાશો જોઈ રહ્યા હતા. આ સ્થિતિ પીડાદાયક હોવાની સાથે દુખદાયક એટલા માટે હતી કે મારા જ મને છોડી જતા રહ્યા હતા. તારી ફરજમોકુફી દરમિયાન તને અર્ધો પગાર પણ મળે છે પણ  અમારો તો આખો પગાર બંધ થઈ ગયો હતો, કોઈની પાસે માંગવાની પણ હિંમત ન્હોતી અમારો કપરો સમય હતો.

નીલમ તારી લડાઈ અને તારી વાત ખોટી નથી, સવાલ માત્ર તને સવાલ પુછનારને કારણે તુ લડાઈમાં કુદી પડીશ નહીં તે જે કર્યુ તે, જેના કારણે જે કઈ વધારો મળવાનો હતો તે મળ્યો તેની તને ક્રેડીટ છે, પણ હવે આવુ કેમ તેવુ પુછનાર અનેક છે પણ તેમની ચીંતા કરીશ નહી કારણ આટલા મહિના તે અર્ધા પગારે કેવી રીતે જીવી, તુ સીંગલ મધર હોવા છતાં તારા બાળકની ફી કેવી રીતે  ભરી તેવુ પુછવાની ફુરસદ કોઈની ન્હોતી. તુ લડીશ નહીં તેવુ પણ કહેતો નથી તારો પ્રશ્ન અને લડાઈ સાચી છે, પણ એવી ફૌજ માટે લડીશ નહીં જે ડરપોક છે. તારી આર્થિક વ્યવસ્થા હોય તો પોલીસને નોકરીની તીલાંજલી આપી બહાર નિકળ, પણ આખા પોલીસ દળની જવાબદારી તારી છે તેવા ભાર સાથે તુ જીવીશ નહીં, કારણ દુનિયા બહુ સ્વાર્થી છે.

- Advertisement -

તારો મિત્ર અને શુભચ્છેક

પ્રશાંત દયાળ

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular