નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ચૂંટણી પંચ આજે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. આયોગે બપોરે 3 વાગ્યે પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે. એવું માનવામાં આવે છે કે આયોગ બંને રાજ્યોમાં આગામી ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ બંને રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે.
ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂરો થાય છે જ્યારે હિમાચલ પ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષે નવેમ્બરમાં પૂરો થાય છે. 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બંને રાજ્યોમાં જીત મેળવીને સરકાર બનાવી હતી. ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે જ્યારે હિમાચલ પ્રદેશ વિધાનસભામાં 68 બેઠકો છે. 2017માં ગુજરાતમાં 9 અને 14 ડિસેમ્બરે મતદાન થયું હતું, જ્યારે મત ગણતરી 18 ડિસેમ્બરે થઈ હતી. ત્યારબાદ હિમાચલ પ્રદેશમાં 9 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું.
ચીફ ઈલેક્શન કમિશનર રાજીવ કુમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યું હતું કે, ગુજરાતના મતદાતાઓને મતદાન કરવાની અપીલ પણ કરવામાં આવી છે. ગુજરાતમાં દર 1000 પુરુષોની તુલનામાં 934 મહિલાઓ છે. ગુજરાતમાં 11,800 મતદાતાઓ 100 વર્ષની ઉંમરના છે. આ વખતે અમે દિવ્યાંગ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને નવા મતદાતાઓ પર નજર કેન્દ્રિત કરી રહ્યા છીએ.








