નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gujarat Assembly: ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની વાતો વચ્ચે ગુજરાતની શાળાઓની (Gujarat School) દયનીય સ્થિતિ સામે આવી છે. રાજ્યની શાળાઓમાં શિક્ષકોની (Teachers) ઓછી સંખ્યાને લઈ અનેક વખત વિરોધ પક્ષે સવાલ ઉઠાવ્યા છે. ત્યારે હવે તો સરકાર પોતે પણ વિધાનસભામાં (Assembly) સ્વિકારી રહી છે કે રાજ્યની 906 શાળાઓ માત્ર 1 શિક્ષકથી ચાલી રહી છે.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યના સવાલનો જવાબ આપતા શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે (Kuber Dindor) જણાવ્યું હતું કે, રાજ્યમાં ડિસેમ્બર 2022 સુધીમાં સરકારી અને ગ્રાન્ટેડ ગુજરાતી અને ઈંગ્લિશ મીડિયમ સ્કૂલોમાં શિક્ષકોની 29,122 જગ્યા ખાલી છે. જ્યારે પ્રિન્સિપલની 3,552 જગ્યા ખાલી પડેલી છે. શિક્ષકો અને પ્રિન્સિપલની 32,674 ખાલી પડેલી જગ્યામાંથી 20,678 સરકારી સ્કૂલોમાં અને 11,996 ગ્રાન્ટેડ સ્કૂલોમાં છે. સરકારી પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની 17,500થી વધુની જગ્યાઓ ખાલી છે. કચ્છ જિલ્લામાં 1,507, દાહોદમાં 1,152, બનાસકાંઠામાં 869, રાજકોટમાં 724 અને મહિસાગરમાં 692 જગ્યા ખાલી છે.
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 906 શાળાઓમાં માત્ર એક શિક્ષક છે. ખાલી પડેલી જગ્યા નિવૃતી, બદલી તથા વહીવટી કારણે હોવાનો સરકારનો તર્કે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ખાલી પડેલી શિક્ષકો અને પ્રિન્સિપાલની જગ્યાની અસર બાળકોના શિક્ષણમાં પડી રહી છે. કેટલીક શાળામાં એક જ શિક્ષક બધા જ વિષય ભણાવતા હોવાના કારણે અભ્યાસક્રમ પણ પુરો થતો નથી. શિક્ષકોની ભરતી ન થવાના કારણે હજારો બેરોજગાર યુવાનો રાજ્યમાં છે. તાજેતરમાં જ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આપ પાર્ટીએ ગુજરાતની શિક્ષણ નીતિ અંગે સરકાર પર અનેક આક્ષેપો કરીને રાજ્યની વિવિધ શાળાઓ પર જઈને રાજ્યસરકારની પોલ ખોલી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








