Monday, May 25, 2026
HomeNationalટ્વિશા શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, મીડિયા ટ્રાયલ નહીં કરવા સૂચના;...

ટ્વિશા શર્મા કેસમાં સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, મીડિયા ટ્રાયલ નહીં કરવા સૂચના; CBI તપાસ સંભાળશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણીઓ સામે આવી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે મામલાની તપાસ પૂર્ણ થાય તે પહેલાં કોઈપણ પ્રકારની ઉતાવળી નિવેદનબાજી ન થવી જોઈએ અને નિષ્પક્ષ તપાસ અત્યંત જરૂરી છે. કોર્ટે બંને પક્ષોને મીડિયા સમક્ષ નિવેદનો આપવાથી દૂર રહેવા પણ સૂચના આપી છે. સાથે જ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે CBI આ કેસની તપાસ પોતાના હાથમાં લેશે, જેને કોર્ટે રેકોર્ડ પર લીધી છે.

આ કેસમાં સુપ્રીમ કોર્ટ, મધ્ય પ્રદેશ હાઈકોર્ટ અને ભોપાલની સ્થાનિક અદાલતમાં પણ કાર્યવાહી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સ્વપ્રેરિત રીતે નોંધ લઈને સુનાવણી હાથ ધરી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વિપુલ એમ. પંચોલીની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે.

- Advertisement -

સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે જણાવ્યું હતું કે ટ્વિશાનો બીજો પોસ્ટમોર્ટમ અને અંતિમ સંસ્કાર પૂર્ણ થઈ ચૂક્યા છે. કોર્ટે કેસને હેન્ડલ કરવાની પદ્ધતિ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. કોર્ટે મીડિયા માટે પણ ટિપ્પણી કરતાં કહ્યું કે પરિવારજનોના નિવેદનોના આધારે કેસનો નિર્ણય ન કરી દેવામાં આવે. આ મામલે સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ થવી જરૂરી હોવાનું કોર્ટે જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તપાસ પહેલેથી જ ચાલી રહી છે અને હવે CBI તપાસ સંભાળશે તો સંબંધિત પક્ષોએ પોતાનો અભિપ્રાય તપાસ એજન્સી સમક્ષ રજૂ કરવો જોઈએ. કોર્ટે મીડિયા સમક્ષ પણ અપીલ કરી હતી કે પીડિત પરિવાર સુધી જઈ તેમનું દુઃખ વધુ ન વધારવામાં આવે. કોર્ટે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.

મુખ્ય ન્યાયાધીશે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે જે રીતે આ કેસને રજૂ કરવામાં આવી રહ્યો છે, તેનાથી એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે જાણે ન્યાયતંત્ર કેસમાં દખલ કરી રહ્યું હોય. કોર્ટે પ્રશ્ન કર્યો હતો કે આરોપીઓના ઇન્ટરવ્યૂ કેમ કરવામાં આવી રહ્યા છે. સાથે જ કોર્ટે કહ્યું હતું કે તેઓ પોલીસનું મનોબળ તોડવા માંગતા નથી. રાજ્ય સરકાર દ્વારા CBI તપાસની માંગ કરવામાં આવી છે અને કોર્ટ પોતે CBI તપાસનો સીધો આદેશ આપવા માંગતી નથી, પરંતુ જરૂરી છે કે તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે.

- Advertisement -

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતમાં જણાવ્યું હતું કે CBI આ કેસની તપાસ પોતાના હાથમાં લેશે. મુખ્ય ન્યાયાધીશે આશા વ્યક્ત કરી હતી કે CBI તાત્કાલિક તપાસ શરૂ કરશે. કોર્ટે તમામ હિતધારકોને અટકળોથી દૂર રહેવા અને તપાસને યોગ્ય પરિણામ સુધી પહોંચાડવા માટે CBI પર વિશ્વાસ રાખવાની સલાહ આપી હતી.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે સંભવિત સાક્ષીઓ અને આરોપીઓએ મીડિયા સમક્ષ કોઈ નિવેદન ન આપવું જોઈએ અને જે કહેવું હોય તે તપાસ એજન્સી સમક્ષ જ રજૂ કરવું જોઈએ. કોર્ટે મીડિયાને પણ ચેતવણી આપી હતી કે સંભવિત સાક્ષી અથવા આરોપીઓના નિવેદનોને વધુ પ્રસાર ન કરે, કારણ કે તે ટ્રાયલને અસર કરી શકે છે.

કોર્ટે આ બાબતે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું કે ન્યાયતંત્ર કેસને પ્રભાવિત કરી રહ્યું હોવાની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે તેમણે હજુ સુધી કેસના મૂળ મુદ્દા પર કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી અને અગાઉથી કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી.

- Advertisement -

ટ્વિશા શર્માના પરિવારજનોએ માનસિક સતામણી, દહેજની માંગ અને સમગ્ર મામલાને દબાવી દેવાના આક્ષેપો કર્યા છે. આ સંદર્ભમાં મુખ્ય ન્યાયાધીશે રજિસ્ટ્રી પાસેથી રિપોર્ટ પણ માંગ્યો હતો. મીડિયા અહેવાલોમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રજિસ્ટ્રી દ્વારા નોંધ મુખ્ય ન્યાયાધીશ સમક્ષ મૂકવામાં આવી હતી, જેના આધારે સ્વપ્રેરિત નોંધ લઈને બેન્ચ રચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ કેસમાં CBI તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા અદાલતમાં હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં CBI આજે કેસ નોંધે તેવી શક્યતા છે અને DoPT તરફથી નોટિફિકેશન મળતાં જ સત્તાવાર કાર્યવાહી શરૂ થઈ શકે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular