નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર દરમિયાન ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચકમક રોજ થતી હોય છે, જોકે આજે ચકમક થઈ તેનું કારણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બન્યા હતા. ગૃહની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસના નેતાઓએ અમિત શાહનો ઉલ્લેખ કરીને તડીપાર હાય હાયના નારા લગાવ્યા હતા. જે પછી ભાજપ દ્વારા આરોપ લગાવાયો હતો કે તે સમયે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈનો સરકારે દુરુપયોગ કર્યો હતો અને તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો જોકે સામે પક્ષે કોંગ્રેસે જવાબ આપ્યો કે અમે નહીં ગુજરાત ભાજપની સરકારની પોલીસે તેમને જેલમાં નાખ્યા હતા.
ગૃહમાં આજે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અમિત ચાવડાએ સવાલ કર્યો હતો અને નિવેદન કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ક્રાંતિકારી નિર્ણયથી હવે ઈન્કમ ટેક્સનો દુરુપયોગ કરી લોકોને ડરાવવા ધમકાવવામાં આવશે. આ પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી જગદીશ પંચાલે કહ્યું કે, ભૂતકાળમાં કેન્દ્રની કોંગ્રેસ સરકારે નરેન્દ્ર મોદીને ભીંસમાં લીધા હતા અને સીબીઆઈનો દુરુપયોગ કરી અમિત શાહને જેલમાં નાખ્યા હતા. બસ પછી તો કોંગ્રેસે ગૃહમાં હંગમો કર્યો અને ઉપનેતા શૈલેષ પરમારે સ્પષ્ટતા કરી કે તમારા ભાજપના મંત્રી વિધાનસભાના ગૃહ અને રેકોર્ડ પર ખોટી વિગતો અને માહિતી આપી રહ્યા છે. ખરેખર જે સીબીઆઈની વાત કરો છો તે સમયે અમિત શાહને જેલમાં નાખનારી ગુજરાતની ભાજપ સરકારની જ પોલીસ હતી. તમારી સરકારની પોલીસે તેમને પણ એન્કાઉન્ટર કેસમાં જેલમાં નાખ્યા છે.
કોંગ્રેસ પક્ષમાંથી આવો સણસણતો જવાબ મળશે તેવી આશા લગભગ ભાજપના નેતાઓને ન્હોતી, આ પછી ગૃહમાં ભારે હંગામો ફરી શરુ થયો. શૈલેષ પરમારે ગૃહમાં કોરોનામાં મૃત્યુ પામેલાઓને સહાય આપવા બાબતે પણ વાત કરી હતી, તેમણે કહ્યું કે ગુજરાત સરકારે કોરોનામાં મૃત્યુ પામનારાઓને સહાય પેટે 1.7 લાખ રૂપિયા ચુકવી છે અને સરકાર સ્વીકારે છે કે કોરોનામાં માત્ર 10116 લોકો જ મોતને ભેટ્યા છે તો પછી 585 કરોડની માગણી કરી 50 હજારની સહાય કેમ દરેકને ચુકવાઈ છે? રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડની સરકારે વડાપ્રધાનને પત્ર લખી 4 લાખ સહાયમાં 1 લાખ રાજ્ય સરકાર અને 3 લાખ કેન્દ્ર સરકાર આપે તેવી માગ કરી હતી તો 27 વર્ષથી સત્તામાં છો તો તમારે 4 લાખ ચુકવવા પાત્ર રકમ માટે કેમ પત્ર લખ્યો નહીં?
![]() |
![]() |
![]() |











