નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ વિધાનસભાના સત્ર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ જ્યાં એક બીજા પર આકરા પ્રહારો કરવામાં કશું બાકી રાખતા નથી ત્યાં એક બીજા પર હળવી ટીખળ પણ થતી રહે છે. આવી જ એક વાત ધારાસભ્ય પ્રતાપ દૂધાતે કરી અને ગૃહમાં બેસેલા લગભગ તમામ હસી પડ્યા હતા. ગૃહમાં ધારાસભ્યોના ખિલખિલાટ હાહા… હીહી…ને પગલે અન્ય મુલાકાતીઓ પણ હસી પડ્યા હતા.
બન્યું એવું કે આજે વિધાનસભાના ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અધવચ્ચે જ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની એન્ટ્રી થઈ હતી. દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાં બેસેલા કોંગ્રેસના પ્રતાપ દૂધાતે ચાલુ ચર્ચા વચ્ચે જ બુમ લગાવી કે, આવો, આવો ભાવી મુખ્યમંત્રી શ્રી આવો… તેમના આ વાક્ય પર કોંગ્રેસ સહિત ભાજપના સભ્યો પણ ખિલખિલાટ હસી પડ્યા હતા. જોકે નીતિન પટેલે પોતાના રમુજ સ્વભાવે આ વાતને હળવેકથી લીધી અને ગૃહમાં તેમણે પોતાની છબી પર આંચ આવે તેવું કશું પણ કર્યું નહીં.
આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 11મીથી બે દિવસ માટેનો ગુજરાત પ્રવાસ છે જેને કારણે શુક્રવારે વિધાનસભા બજેટ સત્ર નહીં મળે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. શુક્રવારે બજેટની એક જ બેઠક હોય છે. નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને પગલે આ દિવસે વિધાનસભા સત્રમાં રજા રાખવામાં આવી છે. જેને પગલે આગામી બેઠક 16 માર્ચે મળશે.
![]() |
![]() |
![]() |











