પ્રશાંત દયાળ (ડાઈંગ ડેક્લેરેશનઃ અંતિમ ઘડીની લડત): 2002માં ઈદ્રીશ સૈયદ પોલીસ સબઈન્સપેકટર હતા. ચાર વર્ષ જેલમાં રહ્યા મુંબઈની ખાસ અદાલત તેમને નિદોર્ષ છોડ્યા પણ મુંબઈ હાઈકોર્ટે તેમને અને તેમના સાથી પોલીસ અધિકારીઓને કસુરવાર માની તેમને જેલમાં ગાળેલા ચાર વર્ષને સજા ગણી હતી. પોલીસ ઈન્સપેકટર તરીકે બઢતી મેળવી ચુકેલા ઈદ્રીશ સૈયદ માટે જેલમાંથી છુટી જવું મકસદ ન્હોતો. જેલમાંથી બહાર નિકળ્યા પછી તેમનું મન બેચેન રહેતુ હતું, તેઓ કહેતા કે મેં હિન્દુ મુસ્લિમના ભેદ વગર મારું કામ પ્રમાણિકપણે કર્યું છે. મેં જે કંઈ કર્યું તેનો સાક્ષી મારો અલ્લાહ છે, મને કોર્ટે સજા કરી કસુરવાન માન્યો તે વાત મારાથી સહન થતી નથી કારણ જે ગુનો મેં કર્યો નથી તેની સજા ભોગવી તેનો વાંધો નથી પણ હું ગુનેગાર નથી તે મારે સાબીત કરવુ છે. મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને ઈદ્રીશ સૈયદે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ઈદ્રીશ સૈયદે પોતાના આખરી પત્રમાં લખ્યું હતું હું ડરપોક નથી, હું આત્મહત્યા કરીશ નહીં પણ સુપ્રીમ કોર્ટ મને ન્યાય આપશે ત્યાં સુધી હું જીવીશ કે નહીં મને ખબર નથી.
ઘણા વાંચકોને એવો પ્રશ્ન થયો હતો કે ડાઈંગ ડેકલેરેશન ધારાવાહીક હમણાં અને બીજી વખત કેમ પ્રસિધ્ધ કરી, હાલના સમય સાથે તેને શું નીસ્બત છે, પણ જે વાંચકો જાણતા નથી તેમની જાણકારી માટે આ ધારાવાહીક બીજી વખત પ્રસિધ્ધ થઈ રહી છે. 2019માં જ્યારે ઈદ્રીશ સૈયદે પત્ર લખી પોતાનો પક્ષ રજુ કર્યો હતો ત્યારે આ જ વિગત સાથે આ ધારાવાહીક પ્રસિધ્ધ કરવામાં આવી હતી. સામાન્ય રીતે એવું જ થતું હોય છે કે આપણી સામે જે સત્ય રજુ થાય છે તેને જ આપણે આખરી સત્ય માની લઈએ છીએ, પણ સત્ય સપાટ હોતો નથી તેના અનેક આકારો અને ખુણા હોય છે. બિલ્કીશબાનુ અને તેમના જેવી ઘણી મહિલાઓ સાથે જે કંઈ બન્યું તે માત્ર રાક્ષસી કૃત્ય જ નહીં પણ માફ કરવાને લાયક પણ નથી, પણ આપણી સામે જે આવ્યું તે બિલ્કીશનું સત્ય હતું. આપણે તે સત્યને નકારી શકીએ પણ નહીં કારણ બળાત્કાર અને હત્યા તો થઈ છે પણ સત્યને જે રીતે ભોગ બનનાર અને સીબીઆઈએ કોર્ટમાં રજુ કર્યું ખરેખર તે જ આખરી સત્ય છે ?
2002ના કોમી તોફાનમાં ગુજરાત પોલીસના અનેક પોલીસ અધિકારીઓની વરવી ભૂમિકા પણ હતી તેમને મન માણસ કરતા શાસક નારાજ થાય નહીં તે મહત્વનું હતું પણ પોલીસ અધિકારીઓનો એક વર્ગ એવો હતો કે તેમણે ખાખીને પોતાનો ધર્મ અને ફરજ માની શાસકની નારાજગી વચ્ચે માણસોના જીવ બચાવ્યા હતા. તે પૈકીના ઈદ્રીશ સૈયદ એક અધિકારી હતા. ઈદ્રીશ મુસ્લિમ અધિકારી હતા, જે પ્રકારે કેન્દ્ર સરકારના (ત્યારે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી) ઈશારે સીબીઆઈ કામ કરી રહી હતી તે રીતે ઈદ્રીશ સૈયદ આખી ઘટના માટે નરેન્દ્ર મોદી અને ભાજપના પદાધિકારીના નામ આપી છુટી શકતા હતા, પણ ઈદ્રીશ સૈયદનું કહેવું હતું કે પોલીસ દળમાં હું એક નાનો અધિકારી છું. આ રાજ્ય પ્રેરીત કાવતરું હોય તો પણ મને તેની ખબર ના હોય. બીજુ કે મને મારા કોઈ અધિકારીએ નિષ્ક્રીય થઈ જવાનો આદેશ આપ્યો ન હતો. મેં ખટારા જેવા વાહનો અને ત્રણ પોલીસવાળાની સાથે હજારોના ટોળા વચ્ચે મુસ્લિમોને બચાવ્યા છે. જો હું ખોટી જુબાની આપું તો મારો ઈસ્લામ લાજે.
પણ સીબીઆઈની ઈચ્છા બર નહીં આવતા સાચી ખોટી જુબાનીઓને કારણે ઈદ્રીશ સૈયદને સજા થઈ, મુંબઈ કોર્ટે છોડી મુક્યા પછી ઈદ્રીશ સૈયદ આરામથી એક નવી જીંદગી જીવી શકતા હતા, પણ ઈદ્રીશ સૈયદનો જુનાગઢમાં રહેતો દિકરો રિઝવાન કહે છે, પપ્પા આખી ઘટના ભુલી શક્યા નહીં. સુપ્રીમ કોર્ટમાં જવા અને વકિલ રોકવાનો મોટો ખર્ચ આવતો હતો, પણ પપ્પાએ પોતાના પ્રોવીડંડ ફંડના પૈસા આવ્યા હતા તેમાંથી કેસ લડવાની શરૂઆત કરી. તેમને મન તેઓ નિદોર્ષ છે તેવું સુપ્રીમ કોર્ટ પાસેથી સાંભળવું હતું. તેમણે લગભગ 30-35 લાખ રૂપિયા પોતાની બચતમાંથી ખર્ચી કાઢયા પણ સુ્પ્રીમ કોર્ટમાં તેઓ પોતાનો પક્ષ યોગ્ય રીતે મુકી શકયા નહીં. 2020માં કોરાનાના વિકરાળ તોફાનમાં ઈદ્રીશ સૈયદ ઝડપાઈ ગયા. હું લડીશ અને નિદોર્ષ સાબીત થઈશ તેવી તેમની ઈચ્છા વચ્ચે તેઓ પરિવારને મુકી જતાં રહ્યા હતા. જુનાગઢમાં ઈદ્રીશ સૈયદના પત્ની, તેમનો દિકરો રિઝવાન અને દીકરી તત્વીન રહે છે. તત્વીન કહે છે પપ્પા તો હવે નથી પણ તેમની લડાઈ અંગે કોઈકે તો લખ્યું તેનું સારુ લાગે છે. ઈદ્રીશ સૈયદને એ પણ અફસોસ આખી જીંદગી રહ્યો કે, મારા સહિત અન્ય નિર્દોષો કે જેમને સજા થઈ તેના રંજ કરતાં તેમને મન ખરા દોષિતો ક્યારેય હાથમાં આવ્યા જ નહીં તેનો હતો.
(આખરી)