પ્રશાંત દયાળ (શતરંજ-82, નવજીવન ન્યૂઝ): DCP ઇન્દ્રસિંહ જાડેજા, SP વછરાજાનીની જ કારમાં અઘોરીબાબાના આશ્રમ ઉપર આવ્યા હતા. બહાર ભક્તોની મોટી કતારો લાગી હતી, પણ પોલીસની કાર જતાં આશ્રમના સેવકોએ કારને વીઆઇપી ગેટ સુધી જવાનો રસ્તો કરી આપ્યો. ઘણાખરા સેવકો તો વછરાજાનીને ઓળખતા હતા. તે સેવકો વંદન કરી ‘હરિઓમ’ કહેતા અને વછરાજાની પણ સામે હરિઓમ કહેતા હતા. વીઆઈપી ગેટ સુધી કાર ગયા પછી બંને આશ્રમમાં દાખલ થયા. એક સેવક તરત દોડતો આવ્યો અને વછરાજાનીને ‘હરિઓમ’ કહી તેમનું સ્વાગત કર્યું. સેવકે કહ્યું, “સાહેબ, તમે રોજ આવો છો. અમને સારું લાગે છે. તમારા જેવા આટલા મોટા પોલીસ-અધિકારીની બાબા ઉપર શ્રદ્ધા હોય તેનો મને ખૂબ આનંદ છે.” વછરાજાનીએ ચાલતાં ચાલતાં સેવકના ખભે હાથ મૂકતાં એક સ્મિત સાથે જવાબ આપ્યો, “બાબા ઉપર શ્રદ્ધા ના મૂકું તો જઉં ક્યાં?” પછી જાડેજા સામે ઇશારો કરતાં કહ્યું, “આ મારા સાથીમિત્ર છે. મેં તેમને પણ કહ્યું કે એક વખત બાબા ઉપર શ્રદ્ધા રાખી જુઓ. મન કેવું શાંત થઈ જાય છે!”
આશ્રમમાં વચ્ચે એક મોટું હરિયાળું ગ્રાઉન્ડ હતું. લોન ખૂબ સરસ થઈ હતી. લોનની બરોબર વચ્ચે બાબા આરામ ખુરશીમાં બેઠા હતા. ઉપર એક સરસ છત્રી હતી. તેઓ બેઠા હતા ત્યાં બે-ત્રણ ખુરશીઓ હોવા છતાં બે સ્ત્રીઓ તેમનાં ચરણ પાસે જ બેઠી હતી. વછરાજાનીએ અગાઉથી બાબાનો સમય ફોન ઉપર લઈ લીધો હતો. જેવા બધા બાબાની નજીક પહોંચ્યા ત્યારે જ બાબાની નજર તેમની ઉપર પડી. બાબાએ ચરણમાં બેઠેલી સ્ત્રીની પીઠ પર હાથ મૂકતાં કહ્યું , “બેટા, સબ અચ્છા હી હોગા. તેરી ચિંતા અબ હરિઓમ કી હો ગઈ હૈ.” પેલી સ્ત્રીઓ બાબાના પગ દબાવી ચરણસ્પર્શ કરતાં હરિઓમ કહી ત્યાંથી રવાના થઈ. જાડેજાને આ બધું બહુ વિચિત્ર લાગી રહ્યું હતું. કોઈ માણસને કઈ રીતે ઈશ્વરનો દરજ્જો આપતા હશે! જોકે જાડેજા તો ક્યારેય મંદિર પણ જતા ન હતા. છતાં આજે જીવનમાં પરિસ્થિતિ એવી નિર્માણ થઈ હતી. કદાચ તેમની વ્યાકુળતાનો અહીંયાં જવાબ મળી જાય તેવી આશાએ તે અહીંયાં આવ્યા હતા.
બાબાએ વછરાજાનીને જોતાં કહ્યું, “આ ગયા મેરા લાલ. કૈસા હે?” વછરાજાની એકદમ આગળ વધ્યા અને બાબાના પગમાં જઈ બેસી ગયા. જાડેજાને વછરાજાનીનો આ વ્યવહાર પસંદ આવ્યો નહીં. વછરાજાનીએ ઇશારો કરી જાડેજાને બાબાને પગે લાગવાની સૂચના આપી. જાડેજા સહેજ નીચે નમ્યા અને જમણા હાથ દ્વારા બાબાના પગને સ્પર્શ કરી લીધો. વછરાજાની જમીન ઉપર બાબાના પગ પાસે જ બેસી ગયા હતા. જોકે ખુરશી ખાલી હોવા છતાં અને સાહેબ નીચે બેઠા હોવા છતાં જાડેજા કઈ રીતે ખુરશીમાં બેસે તેવો પ્રશ્ન હતો. વછરાજાનીએ જાડેજા તરફ ઇશારો કરતાં કહ્યું, “બાબા, આ મારા મિત્ર જાડેજા છે. બહુ જ બહાદુર અને ગુજરાત પોલીસનું ગૌરવ કહેવાય તેવા અધિકારી છે. પણ બાબા, તમને ખબર છે કે, સારા માણસનો જમાનો નથી. કેટલાક હિંદુ વિરોધીઓ અમારી પાછળ પડી ગયા છે.”
બાબા જાણે ગૂઢવિદ્યા કરતા હોય તેમ આંખો બંધ કરી વછરાજાની જાણે તેમની સાથે સંમત થઈ રહ્યા હતા : “બાબા, તમારાં ચરણોમાં આવ્યો છું ત્યારથી મને ખબર છે. હરિઇચ્છા બળવાન. જે કંઈ થશે તે સારું જ થશે. પણ જાડેજા થોડા ચિંતામાં છે. મને થયું કે તમારા આશીર્વાદ મળી જાય તો તેમની નૈયા પણ સારી રીતે પાર ઊતરશે, એટલે સાથે લઈ આવ્યો છું.” બાબાએ આંખ ઉઘાડી જાડેજા સામે જોયું. જાણે તે જાડેજાના કપાળની રેખાઓ જોઈ રહ્યા હોય! પછી આદેશાત્મક છતાં ધીરા અવાજે કહ્યું, “હાથ દિખા.” વછરાજાનીએ પોતાનો હાથ આગળ કરી જાડેજાને હાથ બતાવવા કહ્યું. જાડેજાએ પોતાનો જમણો હાથ આગળ કરી હસ્તરેખા બાબા જોઈ શકે તેવી મુદ્રામાં ઊભા રહ્યા. બાબા રેખાઓ જોવા લાગ્યા અને મનોમન બબડ્યા : ‘પંચમ સ્થાનમાં રાહુ બેઠો છે. જેની દૃષ્ટિ આઠમા સ્થાન ઉપર ગુરુ ઉપર પડે છે. બુધ નીચનો છે. અરે કાલસર્પ યોગ ભી બન રહા હૈ. જાડેજા સામે જોતાં પૂછ્યું, બેટા, કાલસર્પ યોગ કી વિધિ કરવાયી?” જાડેજાએ વછરાજાની સામે એક નજર નાખી અને બાબા સામે જોતાં કહ્યું, “નહીં બાબા.”
ફરી બાબાએ રેખાઓ જોતાં કહ્યું, “બેટા, સમય સમયનું કામ કરે છે. પણ હવે તું હરિઓમના દરબારમાં આવ્યો છે તો તારું કલ્યાણ કરશે.” બાબાએ બાજુમાં ઊભા રહેલા સેવક તરફ નજર કરી. બસ સેવક બાબાની નજર જોઈ સમજી ગયો. તે દોડતો નજીકમાં આવેલી બાબાની ઍર કંડિશનર કુટીર તરફ ગયો અને તરત પાછો આવી તેણે બાબાના હાથમાં કંઈક મૂક્યું. બાબાએ તે વસ્તુ ઉપર બીજો પંજો મૂકી કંઈક મંત્રોચ્ચાર કર્યો અને તે વસ્તુ જાડેજાને આપતાં કહ્યું, “યે ચોબીસ ઘંટે તેરે પાસ રખના. કોઈ ગલત બાત તેરે સાથ નહીં હોંગી.” વછરાજાનીએ પ્રશ્નાર્થ નજરે બાબા સામે જોતાં બાબાએ કહ્યું, “રક્ષાકવચ છે. બાલ ભી બાંકા નહીં હોંગા.” જાડેજાએ યંત્રને પોતાના કપાળ સાથે સ્પર્શ કરાવી પોતાના ખિસ્સામાં મૂક્યું, જાડેજાને તે જ ક્ષણેથી એવું લાગવા લાગ્યું કે, “હવે સારું જ થશે. હવે તેમનું કોઈ કશું બગાડી શકે તેમ નથી.”
વછરાજાનીએ બાબા સામે હાથ જોડતાં કહ્યું, “બાબા, કોઈ આદેશ હોય તો બતાઓ?” બાબા હસવા લાગ્યા. “ક્યા આદેશ દે?” પછી આકાશ તરફ ઇશારો કરતા કહ્યું, “સભી આદેશ તો વહી કરતા હૈ.” વછરાજાની પગે લાગી ઊભા થયા ત્યારે સેવકે બાબાના કાનમાં કંઈ વાત કરી. બાબાએ તરત વછરાજાની સામે જોતાં કહ્યું, “બેટા, વો ખોડાજી હૈ ના? તૂ તો ઉસકો જાનતા હૈ. તેરા જૈસા હી ભક્ત હૈ, લેકિન થોડા નાદાન હૈ. બહુત બોલતા હૈ.” બાબાએ સેવક અને વછરાજાની સામે એક નજરે જોઈ લીધું : “જરા દેખ લેના ઉસે.” જાડેજાને લાગ્યું કે કંઈક ઇશારામાં વાત થઈ ગઈ. વછરાજાનીએ કહ્યું, “બાબા, તમે ચિંતા ના કરો, હું જોઈ લઈશ.” વછરાજાની અને જાડેજા ફરી ક્રાઇમ-બ્રાન્ચ તરફ આવવા નીકળ્યા ત્યારે રસ્તામાં વછરાજાની બાબાએ કરેલાં કામોની ગાથાઓ જ કહી રહ્યા હતા. જોકે હવે જાડેજા ફરી પાછી કોઈ નવી રમતનો વિચાર કરી રહ્યા હતા. કારણ કે તેમનું મન અને ડર હવે બંને શાંત હતાં.
(ક્રમશ:)








