ઓક્ટોબરમાં સોનાની આયાત ૨૦૦ ટકા વધી ૧૪.૭૨ અબજ ડોલર: ચાંદીની ૫૨૯ ટકા વધી ૨.૭૧ અબજ ડોલર
ભારતીય રોકાણકારોને ગોલ્ડ ઈટીએફમાંથી ૬૦ ટકા વળતર: સોનાના ભાવ ૫૫ ટકા અને ચાંદીના ૭૭ ટકા વધ્યા
છેલ્લા એક વર્ષમાં ભારતીય શેરબજારમાંથી રોકાણકારોને નકારાત્મક વળતર ઉપલબ્ધ થયું
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): સોના ચાંદીની ભારતીય આયાતમાં સૈકાઓથી જવેલરી, લગડી અને સિક્કાઓની માંગનું પ્રભુત્વ રહ્યું હતું. પણ ૨૦૨૫મા અત્યાર સુધીમાં ગોલ્ડ સિલ્વર ઇટીએફ અને મ્યુચ્યુઅલ ફંડે આ કીમતી ધાતુની આયાતમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. ભૂરાજકીય સમસ્યા, શેરબજારમાં મોટી ઉથલપાથલ વચ્ચે સોના ચાંદીના ભાવ ૨૦૨૫મા અત્યાર સુધીમાં સોનાના ભાવ પંચાવન ટકા અને ચાંદીના ભાવ ૭૭ ટકા વધ્યા હતા. ગુરુવારે ૪૦૭૨ ડોલર અને ૫૧.૩૪ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) અનુક્રમે વિક્રમ ઉંચાઈએ પહોચાડવામાં ગોલ્ડ સિલ્વર ઇટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ) અને મ્યુચ્યુઅલ ફંડે આગવી ભૂમિકા નિભાવી છે. જાગતિક બજારમાં ભારતના ગોલ્ડ ઈટીએફ ઇન્ફ્લો ઓકટોબર ત્રીજા નંબરની ભૂમિકા નિભાવી હતી. છેલ્લા એક જ વર્ષમાં ભારતીય રોકાણકારોને ગોલ્ડ ઈટીએફમાંથી ૬૦ ટકા જેટલું વળતર પ્રાપ્ત થયું છે. પરિણામે ઓક્ટોબરમાં સોનાની આયાત ગતવર્ષનાં સમાન મહિનાની ૪.૯૨ અબજ ડોલરથી ૧૯૯ ટકા વધીને ૧૪.૭૨ અબજ ડોલરની થઇ હતી. જ્યારે ચાંદીની આયાત ૫૨૯ ટકા વધીને ૨.૭૧ અબજ ડોલરની થઇ હતી.
વાસ્તવમાં સોના ચાંદીના દાગીનાની માંગ આ વર્ષે સારી એવી ઘટી હતી, તો પછી આટલી મોટી આયાત થવાનું કારણ શું? એવો સવાલ જવેલરો અને બુલિયન ડીલરો પૂછી રહ્યા છે. આ સવાલ અમે મોતીલાલ ઓસ્વાલ એસેટ્સ મેનેજમેન્ટ કંપનીના અખિલ ચતુર્વેદીને પૂછ્યો, છેલ્લા બે મહિનામાં ગોલ્ડ ઇટીએફ્નુ વેચાણ ૩૦૦ ટકા વધીને રૂ. ૭૫૦૦ કરોડની ઉંચાઈએ પહોચી ગયું હતું. છેલ્લા એક વર્ષથી ભારતીય શેરબજારમાંથી રોકાણકારોને નકારાત્મક વળતર ઉપલબ્ધ થયું છે, તેથી રોકાણકારોએ તેમનું રોકાણ સોના ચાંદી જેવા કોમોડીટી અસ્કયામત ઈટીએફ અને મ્યુચ્યુઅલ ફંડ તરફ વાળી દીધું હતું.
વિશ્વમાં ચીન પછી બીજા નંબરના સૌથી મોટા સુવર્ણ વપરાશકાર અને ધરખમ ચાંદી આયાતકાર ભારતમાં ગોલ્ડ અને સિલ્વર ઈટીએફ અને મ્યુચ્યુઅલ ફંડ (સામાન્ય રીતે ઈટીએફનાં ફંડ ઓફ ફંડ)માં મૂડીરોકાણનું ચલણ મોટાપાયે વધી ગયું છે. સોનાચાંદીની આયાતનો મહત્તમ હિસ્સો આ બન્ને ઇન્વેસ્ટમેન્ટ ચેનલોમાં થતા રોકાણને ફાળવવામાં આવે છે. આ બન્ને ફાયનાન્સીયલ ઇન્વેસ્ટમેન્ટ ફંડને સીધા ફીઝીકલ સોના ચાંદીથી રક્ષિત કરવામાં આવતા હોય, તેની સીધી આયાતમાં ધરખમ વૃદ્ધિ થઇ હતી.
૨૦૨૫ના બીજા અર્ધવાર્ષિક સમયગાળામાં આવી આયાત વૃદ્ધિને લીધે ભારતની વેપારખાધ ૧થી ૧.૫ અબજ ડોલર વધી હતી. પરિણામે ડોલર સામે રૂપિયાની નબળાઈ વધવાનો ભય પેદા થયો છે. મે ૨૦૨૫મા સોનાની આયાત વર્ષાનું વર્ષ ૨૫ ટકા ઘટીને ૩૦.૫ ટન થઇ હતી, પણ ત્યાર પછી મોસમી માંગને ધ્યાનમાં લેતા ફરી વધવા લાગી હતી. ગોલ્ડ સિલ્વર ઈટીએફમાં નેટ રોકાણ ઇન્ફ્લો વધ્યો. અર્થાત નિપ્પોન, મોતીલાલ જેવા તમામ ઇટીએફ્મા રોકાણકારોનો રસ વધી જતા, નવા યુનિટ ખરીદનારાઓને રક્ષિત કરવા સોના ચાંદીના ફીઝીકલ જથ્થાથી સલામતી બક્ષવી ફરજીયાત છે. સપ્ટેમ્બરમાં પ્રવર્તમાન ભાવે રૂ. ૮૩૬૩ કરોડનાં ૭.૪ ટન સોનાની આયાત કરવામાં આવી હતી. ચાંદીએ રમતિયાળ સટ્ટાકીય નાની કોમોડીટી છે, પણ તેના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળતી હોય છે. સપ્ટેમ્બર ૨૦૨૫માં જ ઈટીએફનાં રીટેલ ફોલિયોમાં ૭૦ લાખ યુનિટની વૃદ્ધિ થઇ હતી. જેમાં એયુએમ (એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ) દ્વારા એચએનઆઈ (હાઈ નેટવર્થ ઈન્ડીવીડ્યુઅલ્સ) અને કંપની ક્ષેત્રનું રોકાણ ૯૦ ટકા જેટલું મોટું હતું.
એમ્ફી (એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડસ ઓફ ઇન્ડિયા)નાં આંકડા સૂચવે છે કે ઓક્ટોબરમાં ગોલ્ડ ઈટીએફ મારફત કુલ રોકાણ, સપ્ટેમ્બરમાં રૂ ૮૩૬૨ કરોડના નવા વિક્રમ પછી, રૂ. ૭૭૪૩ કરોડનું થયું હતું. ૨૦૨૫નાં વર્ષમાં અત્યાર સુધીમાં ગોલ્ડ ઈટીએફમાં કુલ સંયુક્ત રોકાણ રૂ. ૨૭,૫૭૩ કરોડ થયું હતું. વૈશ્વિક સોના ચાંદીમાં તેજીનાં સેન્ટીમેન્ટનો જોવાયેલો જુવાળ, રોકાણકારોમાં જબ્બર આકર્ષણ જમાવવામાં સફળ રહ્યો હતો. જો ભારતના તમામ એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ પ્રવાહનું અવલોકન કરીએ તો સોના ચાંદીના બધાજ પ્રકારના ઈટીએફમાં કુલ રોકાણ ફાળવણી રૂ. ૪૨,૧૧૩ કરોડની થઇ હતી. ભારતમાં થતી ૮૦૦થી ૧૦૦૦ ટન સોનાની વાર્ષિક આયાતમાં ઈટીએફ અને મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો ૧૦ થી ૧૫ ટકા જેટલો હોય છે. જ્યારે ૩થી ૪ હજાર ટન ચાંદીની આયાતમાં આ હિસ્સો ૨૦થી ૨૫ ટકા જેટલો હોય છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








