તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ): હત્યાની એક એવી કહાનીનો પર્દાફાશ થયો છે જેને સાંભળી લાગશે જાણે કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ હોય. પરંતુ આ હકિકતમાં ઘટેલી ક્રાઈમ સ્ટોરી (Crime Story) છે, જેનો પર્દાફાશ ગીર સોમનાથ પોલીસની (Gir Somnath Police)કુનેહના કારણે થયો છે. બાકી પરિવારે તો માની જ લીધું હતું કે, તેમના પરિવારના સભ્યનું મોત અકસ્માતે થયું છે. ત્યાં સુધી કે તેમણે તો મૃતદેહની અંતિમવીધી પણ કરી નાખી હતી. પરંતુ પોલીસ આ અનડિટેક્ટ ફેટલ એટલે કે, વણઉકેલાયેલા અકસ્માતની વાતને ગળે ઉતારવા તૈયાર ન હતી. જેના કારણે ગુપ્તરાહે તપાસનું કામ પોલીસ કર્મચારીઓએ શરુ કર્યું અને ધ્યાનથી સીસીટીવી ફૂટેજના નિરિક્ષણ કરતા આ ફિલ્મી ઢબે થયેલી હત્યા અને હત્યાના કારણનો ચોંકાવનારો પર્દાફાશ થયો. જેમાં પ્રેમમાં અંધ બની હત્યાના કાવતરાં માટે પ્રેમજાળ પાથરનારી યુવતી સહિત 3 આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાળા નજીક ગત 6 સપ્ટેમ્બર શુક્રવારના રોજ સુરેશ જાદવ નામના એક યુવકને અચાનક એક વાહન ઠોકરે લઈ જતું રહે છે, જેના કારણે રસ્તા પર જ સુરેશ જાદવનું મોત થાય છે. આ મામલાની નોંધ પોલીસ સ્ટેશનમાં અનડિટેક્ટ ફેટલ એટલે કે વણઉકેલાયા અકસ્માત તરીકે થાય છે. જેના પગલે આ અકસ્માતમાં કયું વાહન અને કેવી રીતે અકસ્માત સર્જાયો અને વાહન ચાલક ક્યાં નાસી ગયો તેવી તપાસ શરૂ કરવામાં આવી. આ ધટનાને ઉકેલવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજનું પૃથ્થકરણ શરૂ કરવામાં આવ્યું. દરમિયાન એક સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ બોલેરો દેખાતા જ પોલીસે તપાસ એ બોલેરો શોધવાની દિશામાં આગળ વધારતા માલુમ પડ્યું કે, કાર સલીમ નામના એક વ્યક્તિની છે. આમ સલીમ સુધી પહોંચવા પોલીસે ચક્રોગતિમાન કર્યા ત્યારે સલીમનો ફોન નંબર પણ બંધ જણાતા પોલીસને હવે સમજાઈ રહ્યું હતું કે દાળમાં કંઈક કાળું છે. દરમિયાન સીસીટીવી ફૂટેજમાં કોઈ દોડીને જતું હોય તેવુ દૃષ્ય દેખાતા પોલીસને સમજ પડવા લાગી હતી કે, આગળ જતા તો આખી દાળ જ કાળી નીકળવાની છે અને એમ જ થયું પણ ખરું. અકસ્માતની કડીઓ જોડવા મથી રહેલા લોકલ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ સલીમની કુંડળી બનાવવાની શરૂ કરતા ચીત્ર વધારે સ્પષ્ટ દેખાવા લાગ્યું. કારણ કે બોલેરો કાર સલીમની છે અને ચલાવવા માટે કલ્લુને આપી છે, તે મામલામાં ખબર પડી કે કલ્લુનો પરિવાર અને મૃતક સુરેશ જાદવ અગાઉ એક બીજા સામે ફરિયાદો કરી ચૂક્યા છે. આમ આ અંગત અદાવત હોય તેવી પણ બદબૂં ગીર સોમનાથ LCBના અધિકારીઓને આવવા લાગી હતી. આમ તપાસ હવે કલ્લુ નામના વ્યક્તિ તરફ ચાલી જ રહી હતી. પોલીસને સમજાય છે કે, અગાઉ બંને પક્ષે થયેલી ફરિયાદો બાદ કહેવાતા સમાધાન છતાં પણ અદાવત ક્યાંકને ક્યાંક ચાલી રહી હતી. આ દરમિયાન કલ્લુની કુંડળી તૈયાર કરી રહેલા અધિકારીઓને સીસીટીવી ફૂટેજમાં દોડીને જતા વ્યક્તિની પણ ઓળખ મળી ગઈ હતી. આ દોડીને જતો દેખાઈ રહેલો વયક્તિ સમીર હતો અને હવે ક્રાઈમના તમામ આટાપાટા અને તાણાવાણા ઉકેલાવા લાગ્યા છે તેમ પોલીસને લાગતું હતું. આમ હવે કલ્લુ અને સમીરની શોધખોળ શરૂ થઈ પણ આરોપીઓ સગીર ભલે હતા, પણ પોલીસથી છુપાવાનું સારી રીતે જાણતા હતા. તેઓ એક બીજાને વોટ્સએપ સિવાય ફોન નહીં કરવો અન ફોન કર્યા બાદ પણ ઉપયોગમાં લેવાયેલું સીમકાર્ડ ફેંકી દેવાનો નિયમ બનાવી પોલીસ પકડથી બચવાનો પ્રયોગ કરી રહ્યા હતા. પણ આ પ્રયોગ પોલીસના હ્યુમનસોર્સે સફળ થવા ન દેતા આરોપી ગણતરીના કલાકોમાં પોલીસની ઝપટે ચઢવા લાગ્યા હતા. પણ હુકમનો એક્કો તો હજુ બાકી હતો. પોલીસે આરોપીઓની પુછપરછ કરતા આરોપી કબૂલાત આપવા લાગ્યા હતા કે, તેમણે સુરેશની હત્યા કરી કારણ કે કલ્લુની બહેન સાથે અગાઉ તેને પ્રેમ સબંધ હતો. બાદમાં તેમના સબંધો પુરા થઈ ગયા પોલીસ ફરિયાદો સુધી વાત પહોંચી ગઈ. ત્યાં સુધી કે કલ્લુની બહેનના લગ્ન પણ થઈ ગયા હતા છતાં સુરેશ તેને પજવતો હતો. આ વાત બહેને રક્ષાબંધને કરતા કલ્લુએ હત્યાના કાવતરાંને અંજામ આપી દેવાનું નક્કી કર્યું જેના માટે તેને પોતાની મિત્ર ટીનાનો ઉપયોગ કર્યો હતો. ટીના મૂળ ગીર સોમનાથની જ હતી, પરંતુ છેલ્લા એકાદ મહિનાથી તે રાજકોટમાં પી.જી.માં ભાડુ ભરી દિવસો પસાર કરી હતી. નર્સિંગનો અભ્યાસ કરેલી ટીના અને કલ્લુ સંપર્કમાં આવતા બંને વચ્ચે મિત્રા ગાઢ બની હતી. માટે કલ્લુએ તૈયાર કરેલા હત્યાના પ્લાનને અંજામ આપવા માટે ટીનાએ ઈન્સ્ટાગ્રામની મદદથી મૃતક સુરેશનો સંપર્ક શરૂ કર્યો હતો. સુરેશ ઈન્સ્ટાગ્રામમાં મહિલા મિત્ર બનાવવાની લ્હાયમાં ટીનાના પનારે પડ્યો અને બંનેની મુલાકાત ટીનાએ તાલાળા ખાતે નક્કી કરી. આમ મધલાળમાં ફસાયેલો સુરેશ ટીનાને મળવા તાલાળા જવા નિકળ્યો ત્યારે તેના ગામની બહાર જ સમીર કે કલ્લુનો મિત્ર છે તે બાઈક લઈ વોચમાં ગોઠવાય ગયો હતો. જેવો સુરેશ ગામથી નીકળી ઉમરેટીથી તાલાળા તરફ આગળ વધ્યો કે, તરત સમીરે માહિતી આપતા કલ્લુ બોલેરો કાર લઈ પૂરપાટ ઝડપે કાર સુરેશ પર ફેરવી ત્યાંથી છટકી જવા પ્રયાસ કરે છે. પણ તેની બોલેરો કારે ઘટના સ્થળથી થોડે દૂર જ દમ તોડી દેતા તેને બોલેરો છોડી સમીર પાસે રહેલું બાઈક લઈ છટકવું પડ્યું, જે પોલીસને સીસીટીવીમાં શંકાસ્પદ રીતે દોડતો વ્યક્તિ દેખાયો હતો. બાદમાં કલ્લુ તે બાઈક લઈ નાસી જાય છે ત્યારે ટીનાને લઈ સમીર સફેદ ટીશર્ટ પહેરી તૈયાર થઈ બીજા બાઈક પર રાજકોટ જવા ઉપડે છે અને ટીનાને કેકેવી હોલ નજીક ઉતારી ત્રણેય પોલીસ પકડથી બચવા અદૃષ્ય થવા પ્રયાસ કરે છે. પણ છતાં પણ પોલીસ પકડથી આરોપીઓ બચી ન શક્યા અને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ ગીર સોમનાથ પોલીસે નિષ્ફળ બનાવી ત્રણેય આરોપીની ધરપકડ કરી છે. મહત્વની વાત છે કે, આરોપી કલ્લુ અને સમીર બંને સગીર છે અને કેટલીક પારિવારીક બાબતો પણ સંકળાયેલી હોય કલ્લુ, સમીર અને ટીનાના નામ બદલી આ ક્રાઈમ સ્ટોરી આપના સુધી પહોંચાડી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796