Saturday, October 12, 2024
HomeGujaratAhmedabad‘ફાઇવ ડિકેડ્સ ઇન પોલિટિક્સ’ : સર્જિકલ સ્ટ્રાઈક, નિર્ભયા અને ‘સેફ્રોન ટેરિરિઝ્મ’ અંગે...

‘ફાઇવ ડિકેડ્સ ઇન પોલિટિક્સ’ : સર્જિકલ સ્ટ્રાઈક, નિર્ભયા અને ‘સેફ્રોન ટેરિરિઝ્મ’ અંગે પૂર્વ ગૃહમંત્રી

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): “યુપીએના કાળ દરમિયાન નોર્થ બ્લોકમાં ગૃહ મંત્રી તરીકે મારી શૈલી મારાં પૂર્વીઓ કરતાં વેગળી હતી. મેં દ્વાર ઉઘાડાં રાખાવાની નીતિ અપનાવી હતી અને કોઈ પણ મને આવીને મળી શકતા. હું ઉકેલ પણ લાવી શકતો; જેથી દિલ્હીની સત્તાની ગલિયારાઓમાં ગણગણાટ શરૂ થયો હતો કે ગૃહ મંત્રી તરીકે હું સારો છું.

પી. ચિદમ્બરમ્ અતિ બૌદ્ધિક કક્ષાના વ્યક્તિ હતા. તેમનું વલણ આક્રમક રહેતું. તેઓ હંમેશા તેમના સાથીઓ સાથે સારાં સંબંધ બનાવી રાખતા અને સારાં એવાં અધિકારીઓ તેમના પ્રત્યે નિષ્ઠા ધરાવનારા હતા. શિવરાજ પાટીલ પણ સારા વ્યક્તિ હતા, પરંતુ ઘણાંએ તેમની છબિ બગાડવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તેમને ગૃહ મંત્રાલય છોડવું પડ્યું. પ્રણવ મુખરજી જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પી. ચિદમ્બરમ નાણાં મંત્રી બન્યા અને ગૃહ મંત્રીનું પદ ખાલી થયું, જેના કારણે મારી નિમણૂંક થવાની દિશામાં અવસર ઊભો થયો.”

- Advertisement -

આ લખાણ છે પૂર્વ ગૃહ મંત્રી સુશીલકુમાર શિંદેનું (Sushilkumar Shinde)અને તેઓ ગૃહ મંત્રી તરીકે પોતાના અનુભવ લખ્યા છે તે પુસ્તક છે ‘ફાઇવ ડિકેડ્સ ઇન પોલિટિક્સ’(Five Decades in Politics). પુસ્તકના નામ પરથી ખ્યાલ આવી શકે કે તેમાં માત્ર સુશીલકુમાર શિંદેના જીવનનો ગૃહ મંત્રીનો કાળ નથી. પરંતુ અત્યારે પુસ્તકની ચર્ચા થઈ રહી છે તેનું કારણ તેમનો આ કાર્યકાળ જ છે. આ અંગે તેઓ લખે છે કે, “યુપીએ સરકારના સમયગાળા દરમિયાન કેબિનેટમાં મારી કાબેલિયત મુજબ મેં અનુભવ્યું કે કેબિનેટ મંત્રી તરીકે અન્ય કોઈ પણ મંત્રાલય સંભાળવા કરતાં ગૃહ મંત્રીનું પદ એ તદ્દન વેગળી જવાબદારી છે. તેનું કારણ આ વિભાગ જટીલ છે અને તેમાં ઝડપથી નિર્ણય લેવાના થાય છે. કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિને ઝડપથી થાળે પાડવાની હોય છે. તેમાં શાલિનતા દાખવવાનો કોઈ અવસર મળતો નથી, કારણ સ્થિતિ ગતિથી બદલાય છે. તેમાં હમેશ ખડેપગે રહેવું પડે અને કાયદો વ્યવસ્થા જાળવવા લાખો લોકોએ અવિરત કાર્ય કરવાનું થાય છે. જોકે તેમ છતાં ગૃહ મંત્રાલયનું કાર્ય શાંતિભર્યા માહોલમાં થાય છે તે પ્રમાણેની છાપ છે. આગળ વધીને કહેવું હોય તો આ પાડ ન માનનારું કાર્ય છે. કામ પૂરું થાય તેમ છતાં અહીં પ્રશંષા દુર્લભ છે અને અહીં હંમેશા ટીકા થતી રહે છે. વિશેષ કરીને ગૃહ મંત્રાલયનું એક જવાબદારીભર્યું કામ રાજ્ય સાથે સૌહાર્દભર્યા સંબંધો રાખવાનું છે – ખાસ કરીને રાજ્યના મુખ્યમંત્રી અને મુખ્ય સેક્રેટરી સાથે. દાખલા તરીકે પૂર્વીય રાજ્યોમાં અમારા સંબંધ સારાં હતા, જેથી મેઘાલય અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાં કેટલીક ગંભીર સમસ્યાઓનો અમે ઝડપી ઉકેલી શક્યા.”

એક દાયકા પૂર્વે ગૃહ મંત્રી રહેનારા સુશીલકુમાર શિંદેનું નામ જાણે આજે ભૂલાઈ ચૂક્યું છે, પરંતુ છેલ્લી યુપીએ સરકારમાં તેઓ મજબૂત આગેવાન તરીકે ઉભર્યા હતા. ગૃહ મંત્રી જેવું ખાતું તો તેમણે સંભાળ્યું હતું, તદ્ઉપરાંત તેઓ લોકસભામાં ‘લીડર ઑફ હાઉસ’ રહ્યા હતા. તેમના પછી લોકસભામાં આ પદે છેલ્લી ત્રણેય સરકારમાં નરેન્દ્ર મોદી છે. તેમનો રાજકીય પ્રોફાઈલ જોઈએ તો ખ્યાલ આવે તેઓ અનેક પદ પર રહ્યા છે. 1992થી 1998 દરમિયાન તેઓ મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા. તે પછી તેઓ બે ટર્મ સુધી મહારાષ્ટ્રના સોલાપુર બેઠકથી સંસદ તરીકે રહ્યા. 2003માં એક વર્ષ માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. તે પછી તેઓ બે વર્ષ માટે આંધ્ર પ્રદેશના રાજ્યપાલનો પદભાર સંભાળ્યો. આ રીતે તેઓ મહારાષ્ટ્રમાં કૉંગ્રેસના મજબૂત આગેવાન રહ્યા. હાલમાં તેમનાં ત્રણ દીકરીઓમાંથી એક દીકરી પ્રણીતી શિંદે સંસદ તરીકે ચૂંટાઈને આવ્યાં છે. એ સહજ છે કે સુશીલકુમાર શિંદે રાજકીય ગલિયારાઓની અનેક વાતો જાણતા હોય. તેમણે આવી અનેક વાતો પુસ્તકમાં ચર્ચી છે. એક સ્થાને તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે લખે છે : “ઘણી વાર નરેન્દ્ર મોદી વિશેની મારી પ્રથમ છાપ વિશે પૂછવામાં આવે છે. ગૃહ મંત્રી તરીકે, તત્કાલિન ગુજરાત સરકાર સાથે મારો ઝાઝો સંવાદ થયો નથી, જેની આગેવાની નરેન્દ્ર મોદી કરી રહ્યા હતા. 2014માં તેઓ વડા પ્રધાન બન્યા અને 2024 સુધી તેમના કાર્યકાળમાં અર્થતંત્ર પડી ભાંગ્યું, અતિશય બેરોજગારી વધી, બે ધર્મ વચ્ચેનું અંતર વધ્યું. 2014માં તેઓ શિરડીમાં એક ભાષણ દરમિયાન સોલાપુર જેકેટના વખાણ કરી રહ્યા હતા, તે મારા માટે તે આશ્ચર્યભર્યું અને રમૂજી વાત હતી. કદાચ તેમને ખબર નહોતી કે તેઓ જેનો ઉલ્લેખ કરી રહ્યા હતા તે જેકેટ સોલાપુરમાં બનતા નથી.”

આગળ શિંદે સર્જિકલ સ્ટ્રાઇક વિશે લખે છે “2019ના સર્જિકલ સ્ટ્રાઇક વિશે ઘણું બોલાયું-લખાયું છે, જેમાં ઇન્ડિયન એર ફોર્સ લાઇન ઓફ કન્ટ્રોલ વટાવીને પાકિસ્તાનમાં આંતકી કેમ્પનો નાશ કરવા પહોંચ્યું હતું. હું પૂરતા વિશ્વાસ સાથે કહું છું કે યુપીએના કાર્યકાળ દરમિયાન અમે પણ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. હું ગૃહ મંત્રી હતો ત્યારે અમારી સરકારના નિર્ણયથી ચાળીસથી પાંસઠ આંતકી કેમ્પ પર હૂમલો કર્યો હતો. જોકે, અમે તેની કોઈ જાહેરાત કરી નહોતી. સર્જિકલ સ્ટ્રાઈકની વાત ક્યારેય આ રીતે જાહેરમાં ન કરવી જોઈએ, પરંતુ મોદી સરકાર દ્વારા આ ઘટનાનું માર્કેટિંગ કરવામાં આવ્યું અને 2019ના લોકસભાની ચૂંટણીમાં તેનો લાભ ખાટ્યો.”

- Advertisement -

નિર્ભયા કેસ વિશે પણ તેઓ આ પુસ્તકમાં લખે છે : “હું ઈશ્વરમાં માનનારો નથી, પરંતુ નિર્ભયાને જીવન મળે તે માટે મેં પ્રાર્થના કરી હતી. ત્રેવીસ વર્ષની નિર્ભયા સાથે બળાત્કાર સાથે ક્રૂરતા આચરાઈ હતી. 16 ડિસેમ્બર 2012ના આ ઘટનાએ અમને સુન્ન કરી દીધા હતા. અમે શક્ય એટલા પ્રયાસ કર્યા. તપાસમાં ખૂબ મહેનત કરી, ઝડપી કેસ ચાલે અને ગુનેગારોને સખ્ત સજા થાય તે માટે પ્રયાસ કર્યા. અમે ઝડપથી ગુનેગારોને શોધી શક્યા. નિર્ભયાને ઇલાજ માટે સિંગાપોર લઈ જવામાં આવી. પરંતુ ભાગ્યએ કશુંક જુદું વિચાર્યું હતું. તે પછીની 2014ની ચૂંટણીમાં મને હાર મળી. અનામત બેઠકને લઈને કલહ ઊદ્ભવ્યો. મેં નમ્રતાથી મારી હાર સ્વીકારી અને બીજા દિવસથી લોકહિત માટે કામ શરૂ કર્યા. તે પછી 2019ની ચૂંટણી લડવાની મારી કોઈ ઇચ્છા નહોતી, પરંતુ પક્ષને યોગ્ય ઉમેદવાર ન મળ્યો. જોકે હવે રાજકીય સ્થિતિ બદલાઈ ચૂકી હતી અને ભાજપને ભાગલાની રાજનીતિથી ફરી લાભ મળ્યો. મેં રાજકીય સન્યાસની જાહેરાત કરી દીધી. હવે હું ભવિષ્યમાં કોઈ ચૂંટણી લડવા ઇચ્છતો નથી.”

આ ઉપરાંત સુશીલકુમાર શિંદેના સંસ્મરણોમાં જે ચોંકવાનારો ખુલાસો છે તે ‘સેફ્રોન ટેરિરિઝમ’ અંગેનો છે. આ વિશે તેઓ લખે છે : “2013માં જયપુરમાં ‘ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટિ’ની ચિંતન શિબિરમાં આખરી દિવસે મેં સેફ્રોન ટેરિરિઝમ અંગે વાત કરી. મેં કહ્યું કે ગૃહ મંત્રાલયની તપાસમાં એ વાત પ્રકાશમાં આવી છે કે કેવી રીતે ‘સેફ્રોન ઓર્ગેનાઇઝેશન’ આંતક પ્રસરાવવા ટ્રેઇનિંગ કેમ્પ ચલાવી રહ્યા છે.” સુશીલકુમાર શિંદે તે વખતના ગૃહ મંત્રાલયનો અહેવાલ ટાંકીને સમજૌતા એક્સપ્રેસ અને માલેગાંવ ખાતે મક્કા મસ્જિદમાં થયેલા ધડાકા વિશે ભાજપ અને આરએસએસને શંકાના દાયરામાં લાવે છે. તેઓએ જયપુરની ચિંતન શિબિરમાં સરકારને આ વાત ગંભીરતાથી લેવા અને સતર્ક રહેવા જણાવ્યું હતું. ત્યાર બાદ શિંદે તત્કાલિન આઈએએસ અધિકારી આર. કે. સિંઘનો પણ ઉલ્લેખ કરે છે, જેઓએ પણ આ મુદ્દા પર નિવેદન આપીને શિંદેને સુખદ આશ્ચર્ય આપ્યું હતું. જોકે શિંદે અહીંયા આર. કે. સિંઘનો અગાઉની એક ઘટનાનો ઉલ્લેખ કરીને કહે છે કે આર. કે. સિંઘે જ 1990ની રથયાત્રા દરમિયાન બિહારમાંથી લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ કરી હતી. તે પછી આર. કે. સિંઘ એનડીએની સરકારમાં અડવાણી ગૃહ મંત્રી હતા ત્યારે જોઈન્ટ સેક્રેટરીના પદે આવ્યા હતા. શિંદે પોતાના કાર્યકાળને ટાંકીને તે વખતનો આર. કે. સિંઘના વલણ અંગે જણાવે છે કે ત્યારે સિંઘ એવું માનતા હતા કે સમજૌતા એક્સપ્રેસ અને મક્કા મસ્જિદમાં થયેલા બોમ્બ ધડાકામાં આરએસએસની સંડોવણી છે. જોકે પછીથી આર. કે. સિંઘ ભાજપમાં જોડાઈ ગયા અને પછી તેઓ ક્યારેય ‘સેફ્રોન ટેરિરિઝમ’ વિશે બોલ્યા નથી. સુશીલકુમાર શિંદેએ આવી અનેક ઘટનાઓ, વાતોને પોતાના સંસ્મરણોમાં ચર્ચી છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular