નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Gandhinagar News: નિવૃત IPS અધિકારી બી. એસ. જેબલિયાના દિકરા નિરવ જેબલિયાના એક પછી એક કારનામા સામે આવી રહ્યા છે. જેમાં તે પિતાના નામનો દુરુપયોગ કરીને છેતરપિંડી આચરી રહ્યો છે. તેણ નાર્કોટીક્સ કેસમાં પકડાયેલા આરોપીને ગુજરાત હાઈકોર્ટનો નકલી સ્ટે ઓર્ડર બનાવી આપ્યો હતો. જે અંગે હાઈકોર્ટે પોલીસને ફરીયાદ નહીં લેવા અંગે ફટકાર લગાવ્યા બાદ નિરવ વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. તેવામાં સુરતના વિપુલ મેંદપરા નામના વ્યક્તિએ ફરિયાદી દિનેશ રાણાને નિરવ જેબલિયાના વિરૂઘ્ઘ કરેલી અરજી પાછી ખેચી લેવાની ધમકીઅપી રિવોલ્વર બતાવી વેપારીનું અપહરણ કર્યું હોવાની ફરીયાદ ગાંઘીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ, તાજેતરમાં સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત IPS અધિકારીના પુત્ર નીરવ જેબલિયા સામે સોલા હાઇકોર્ટમાં ફરિયાદ નોંધાયા બાદ હવે ફરી નિરવના સાથી દ્વારા ફરિયાદી દિનેશ રાણાનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ ગાંધીનગરના ઇન્ફૉસિટી પોલીસ સ્ટેશનમાં નોંધી છે. વિપુલ મેંદપરા નામના વ્યક્તિએ ફરિયાદીને ફોન કરીને મળવા માટે ઇન્ફોસિટીમાં આવેલા સબવે કેફેમાં બોલાવ્યા હતા, ત્યાર બાદ ગાડીમાં બેસાડીને ગાળો આપી હતી અને નિવૃત્ત IPS અધિકારીનો હવાલો આપીને ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી હતી. આ ઘટના બાદ જ્યારે ફરિયાદી દિનેશ રાણા હિમ્મતનગર જઈ રહ્યા હતા ત્યારે તેમણે વારંવાર ફોન કરીને કોબા નજીક આવેલા એક બંગલામાં ગોંધી રાખવામા આવ્યા હતા. બંગલામાં ગોંધી રાખી રાત્રે વૈષ્ણોદેવી સર્કલની આજુ-બાજુમાં કોઇ ફાર્મમાં જમવા લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ચાર-પાંચ માણસો પણ હતા અને વિપુલે રિવોલ્વર ટેબલ પર મૂકીને ફરિયાદ પાછી નહીં ખેંચે તો મર્ડર કરવાની ધમકીઓ આપી હતી. આ અંગે ફરિયાદીએ ગાંધીનગરના ઇન્ફોસિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઘટના બાબતે ઈન્ફોસીટી પોલીસ ઈન્સપેક્ટર લક્ષ્મણ ઓડેદરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, બે દિવસ અગાઉ રાત્રે સોલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયા બાદ અમે ફરીયાદમાં નોંધાવેલા નંબર પર ફરિયાદી દિનેશ રાણાનો સંપર્ક કરતાં તે નંબર સ્વીચ ઓફ આવી રહ્યો છે. હવે તેમના આપેલા સરનામા પર પોલીસને મોકલવામાં આવશે. ફરીયાદીનો સંપર્ક થયા બાદ ધટના કઈ હદમાં બની હતી તે નક્કી થયા બાદ તેમના નિવેદનના આધારે આગળના કાર્યવાહી કરવામાં આવશે. હાલ કોઈ બીજી તપાસ થઈ નથી.
અગાઉ બનાવ્યો હતો કૃષિ વિભાગનો બોગસ નિમણૂંક હુકમ
નિરવ વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાંચમાં 40 લાખની છેતરપિંડી અને નાયબ નિયામક કૃષિ વિભાગનો બોગસ નિમણૂંક હુકમ બનાવ્યાનો ગુનો નોંધાયો હતો. સરકારી જમીન ભાડા પટ્ટે આપાવવાનું કહી 40 લાખ પડાવી કામ નહીં થતા નિરવ જેબલીયાએ સુરતના બિલ્ડરને ગુજરાત એગ્રો ઇન્ડેસ્ટ્રીઝ કોર્પોરેશનના ઉપાધ્યાક્ષ પદે નિમણૂંક કરાવી છે, તેવો બોગસ લેટર પધરાવ્યો હતો.








