૪૦ ફૂટ સાઈઝના કન્ટેનરનો સંકલિત ઇંડેક્સ દર એક વર્ષમાં ૧૦,૩૭૭ ડોલરથી ઘટી ૨૫૯૧ ડોલર
જહાજોનો વ્યાપક પુરવઠો બજાર માથે સવાર બલ્ક જહાજોની નૂર માંગ ધીમી પડી
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ) : હેન્ડી સાઇઝ, નાના માલવાહક જહાજ સિવાયના તમામ તબક્કાના જહાજોનો બનેલો બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ (બીડીઆઈ), કેપસાઇઝ જહાજોની માંગના સહારે છેલ્લા ૧૧ ટ્રેડિંગ સત્રમાં શુક્રવારે બીજી વખત વધ્યો હતો. જાગતિક અર્થતંત્રનો આગેવાન ઇન્ડિકેટર ગણાતો બીડીઆઈ તમામ પ્રકારના માલવાહક જહાજોમાં હળવી માંગના સંકેતો મળતા શુક્રવારે ૩૫ પોઇન્ટના સુધરે ૧,૨૪૨ પોઈન્ટ રહ્યો હતો. સતત ૯ સત્રમાં ઘટેલો આ ઇંડેક્સ ૪ સપ્ટેમ્બરની બોટમે બેસી ગયો હતો. જે ઓગસ્ટ ૨૦૨૨માં નોંધાયેલી વાર્ષિક બોટમ ૯૬૫ પોઈન્ટથી થોડો ઉપર મુકાયો છે.
આ તરફ માલવાહક જહાજી કન્ટેનરોની માંગ પણ સાવ નબળી પડી જવાથી આખા વિશ્વના પોર્ટ પર તેનો માલ ભરાવો થયો છે, આની આસરે ભાવ પર દબાણ વધ્યું છે. કન્ટેનરોના દરોની સૂચિ રાખતા ડ્રેવરીઝ વર્લ્ડ કન્ટેનર ઇંડેક્સ, ૧૭ નવેમ્બરે, ગતવર્ષના સમાનગાળા કરતાં ૭૨ ટકા નીચે ઉતરી ગયો હતો. સપ્ટેમ્બર ૨૦૨૧માં ૪૦ ફૂટ સાઈઝના કન્ટેનરનો સંકલિત ઇંડેક્સ દર ૧૦,૩૭૭ ડોલર હતો તે વર્તમાનમાં ૨૫૯૧ ડોલર છે, આ ઇંડેક્સ દરની પાંચ વર્ષની સરેરાશ ૩૭૬૪ ડોલરની છે.
એક તરફ નવા બનેલા જહાજોનો વ્યાપક પુરવઠો બજાર માથે સવાર થયો છે, ત્યારે બલ્ક જહાજોની નૂર માંગ ધીમી પડી છે અને ઇંડેક્સ અસ્થિર થયો છે. આવી નબળાઈ, આગામી વર્ષના પ્રથમ સપ્તાહ સુધી જળવાઈ રહેવાની શક્યતા છે. કેપસાઇઝ જહાજોના નૂરે બીડીઆઈને ઉપર જવામાં મદદ કરી હતી. કેપસાઈઝ ઇંડેક્સ ૧૬૫ પોઈન્ટ અથવા ૧૩.૫ ટકા ઉછળીને શુક્રવારે ૧૪ નવેમ્બરની ઊંચાઈએ ૧,૩૮૪ પોઈન્ટ રહ્યો હતો. ૧.૫ લાખ ટન કોલસો કે આયર્ન ઓર જેવી ચીજોનું વાહન કરતાં કેપસાઇઝ જહાજનું નૂર દૈનિક સરેરાશ ૧,૩૭૩ ડોલર વધીને ૧૧,૪૭૯ ડોલર બોલાયું હતું.
સુપ્રામેક્સ ઇંડેક્સ સતત બાવીસ સત્રમાં ઘટયા બાદ આજે ૧૧ પોઇન્ટના સુધારે ૧,૧૭૪ પોઈન્ટ રહ્યો હતો. પનામેક્સ ઇંડેક્સ પાંચ સત્રમાં ઘટયા બાદ બે પોઇન્ટના સુધારે ૧,૪૬૬ પોઈન્ટ રહ્યો હતો. ૬૦થી ૭૦ હજાર ટન કોલસો કે અન્ય કાચામાલ અને અનાજનું વાહન કરતાં પનામેકસ જહાજનું સરેરાશ ૧૫ ડોલરના સુધારા સાથે ૧૩,૧૯૫ ડોલર બોલાયું હતું.
દરિયાઈ નૂરના દરો ઓકટોબરથી જ દબાણમાં આવી ગયા હતા. ચીનમાં કોરોના મહામારી વકરવા સાથે, આખા દેશમાં વ્યાવહારિક કામકાજો પર નિયંત્રણો મૂકી દેવામાં આવતા જહાજોનું આવાગમન પણ નિયંત્રિત થઈ ગયું અને જહાજી માંગ ઘટી ગઈ હતી. આખા વિશ્વની બીજા નંબરની ઈકોનોમીમાંથી જથ્થાબંધ માલવાહક જહાજોની માંગ વર્તમાન વર્ષમાં અત્યાર સુધીમાં પાંચ ટકા ઘટી છે, બીજી તરફ વર્તમાન ઝીરો કોવિદ-૧૯ નીતિને લીધે, ચીનમાં જ કોલસાનું ઉત્પાદન વધી ગયું છે, પણ બાંધકામ ઉધ્યોગની સમસ્યા ખૂબ વધી ગઈ છે.
૨૦૨૦ના આરંભે કોવિદ ૧૯ રોગચાળો ફાટી નીકળ્યો ત્યાર પછી અમેરિકા સહિત આખી દુનિયામાં પુરવઠા અછત નિર્માણ થવાથી અસંખ્ય ચીજોના ભાવ આસમાને જવા લાગ્યા અને અર્થતંત્રો નબળાઈ અનુભવવા લાગ્યા હતા. કોરોના રોગચાળાના લીધે ચીનમાં સ્ટીલ ઉત્પાદનમાં જબ્બર પીછેહઠ થયાના અહેવાલે ડેલિયાન આયર્ન ઓર વાયદો સતત ચોથા ટ્રેડિંગ સત્રમાં ઘટ્યો હતો.
(અસ્વીકાર સુચના: commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








