પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય, પરંતુ ક્યાંક તે ભુલ કરે છે અને તે ભુલ જ તેને સળિયા પાછળ ધકેલે છે. મૂળ મહારાષ્ટ્રનો વતની પ્રવિણ કાંબલે વ્યવસાયે વકીલ હતો, પરંતુ તેની ઉપર આસારામ કેસના સાક્ષી અખીલકુમાર ગુપ્તાની હત્યાનો આરોપ લાગતા વર્ષ 2015થી તે ફરાર થઈ ગયો હતો. સાત વર્ષથી પ્રવિણને શોધી રહેલી ગુજરાત પોલીસે એક તબક્કે માની લીધું હતું કે પ્રવિણ મૃત્યુ પામ્યો હશે, પરંતુ ગુજરાત ATSના અધિકારીને જાણકારી મળી કે પ્રવિણ કાંબલે ઉતરાખંડના હરિદ્વારમાં છે. આ માહિતીના આધારે હરિદ્વાર પહોંચીને ગુજરાત ATSએ પ્રવિણ કાંબલેને ઝડપી લીધો. જોકે આશ્ચર્યએ બાબતનું છે કે પ્રવિણને જ્યારે ઝડપ્યો ત્યારે તેણે પોતાનું નવું નામ તો ધારણ કર્યું હતું, પરુંતુ સાત વર્ષથી તે સાધુ બનીને ગંગા કિનારે રહેતો હતો.
આસારામનો જ્યારે દેશમાં દબદબો હતો ત્યારે લાખો ભક્તજનો તો ઠીક પરંતું રાજનેતા અને સરકારી અમલદારો પણ આસારામના આશ્રમમાં દર્શન લેવા આવતા હતા, પરંતું 2013માં આસારામ અને તેના પુત્ર નારાયણસાંઈ સામે બળાત્કારનો ગુનો નોંધાયો ત્યારે તેમનો અશલી ચહેરો સામે આવ્યો હતો. જેલમાં રહેલા આસારામની સામે કોર્ટ કાર્યવાહી શરૂ થઈ ત્યારે આસારામ વિરૂધ્ધ જુબાની આપનારા સાક્ષીઓની એક પછી હત્યા થવા લાગી.

2015માં ઉત્તરપ્રદેશના મુઝફરનગરમાં અખીલકુમાર ગુપ્તાની હત્યા કરવામાં આવી, અખીલ આસારામના આશ્રમમાં રસોઈયા તરીકે નોકરી કરતો હતો અને તેણે કોર્ટમાં આસારામ વિરૂધ્ધ જુબાની આપી હતી. આ મામલે પોલીસે શુટર કાર્તિક હલધર અને નિરજ જાટની ધરપકડ કરી હતી. જ્યારે આ આરોપીઓની ધરપકડ થઈ ત્યારે પોલીસ સામે એક નવુ નામ આવ્યું હતું તે પ્રવિણ કાંબલે હતું. પ્રવિણ કાંબલે મૂળ મહારાષ્ટ્રનો અને વ્યવસાયે વકીલ હતો. તે આસારામથી પ્રભાવીત હતો. રાજસ્થાન જેલમાં રહેલા આસારામને કાયદાકીય મદદ કરવા પ્રવિણ જોધપુર રોકાયો હતો. આસારામે અખીલની હત્યા કરવાની સૂચના પ્રવિણને આપી હતી. પ્રવિણ કાંબલે આ સંદેશો લઈને કાર્તિક હલધરને મળ્યો હતો. કાર્તિક અને નિરજે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.
પ્રવિણ કાંબલેનું નામ પોલીસ સામે આવ્યા પછી પ્રવિણ ફરાર થઈ ગયો હતો. મહારાષ્ટ્રમાં રહેતા પરિવાર સાથે તમામ પ્રકારના સંપર્ક કાપી નાખ્યા હતા. આમ પ્રવિણ ક્યાં છે તેનો કોઈ પત્તો લાગી રહ્યો ન હતો. ગુજરાત ATSના પોલીસ ઈન્સપેક્ટર નિખીલ બ્રહ્મભટ્ટ અને જે. એન. ચાવડાને જાણકારી મળી કે, 2015થી ફરાર પ્રવિણ કાંબલે હરિદ્વારમાં સંતાયો છે. આ માહિતીના આધારે ઈન્સપેક્ટર બ્રહ્મભટ્ટ અને ચાવડા, સબ ઈન્સપેક્ટર સાથે હરિદ્વાર પહોંચ્યા હતા. જ્યારે ATSએ પ્રવિણ શોધી કાઢ્યો ત્યારે આશ્ચર્ય એ બાબતનું હતું કે, પ્રવિણે નામ તો ઠીક પણ વેશ પણ બદલી નાખ્યો હતો. 7 વર્ષથી તે સાધુ થઈ હરિદ્વારના ગંગા કિનારે સાધુ બની જીવન વ્યતિત કરતો હતો. ATSની ટીમ તેને અમદાવાદ લઈ આવી છે. અગાઉ પ્રવિણ સામે સુરતના અડાજણ અને ઉમરા વિસ્તારમાં હત્યાના પ્રયાસના બે ગુના નોંધાયા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796