નવજીવન ન્યૂઝ. અમદાવાદ: તાજેતરમાં AAP નેતા ગોપાલ ઇટાલિયા (Isudan Gadhvi) સામે સુરતમાં એક બદનક્ષીની ફરિયાદ નોંધાઈ હતી, ત્યાર બાદ હવે ગુજરાત આમ આદમી પાર્ટીની (Gujarat AAP) મુશ્કેલીઓમાં વધારો થયો હોય તેમ અમદાવાદમાં ઇસુદાન ગઢવી સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. AAP પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ (Mann Ki Baat)કાર્યક્રમના ખર્ચને લઈ વિવાદીત ટ્વીટ કરી હતી. જે અનુસંધાને ઈસુદાન ગઢવી સામે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Cyber Crime Branch) માં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ નો 100 મો કાર્યક્રમ યોજાયો હતો. જે બાદ ઈસુદાન ગઢવીએ આ કાર્યક્રમના ખર્ચ અંગે એક વિવાદિત ટ્વીટ કરી હતી. તેમણે ટ્વીટમાં લખ્યુ હતું કે, “ ‘મન કી બાત’ કાર્યક્રમનો એક દિવસનો ખર્ચ 8.3 કરોડ રૂપિયા થાય છે. 100 એપિસોડના 830 કરોડ રૂપિયા આપણા ટેક્સના ફૂંકી માર્યા. હવે તો હદ થાય છે. ભાજપના કાર્યકરોએ જાગીને આ અંગે વિરોધ કરવાની જરૂર છે”. જો કે આ ટ્વીટ કર્યા બાદ વિવાદ વકરતા ઈસુદાન ગઢવીએ ગઈકાલે તેમના ટ્વીટર હેન્ડલ પરથી પોતે કરેલી ટ્વીટને હટાવી દીધી હતી.
વાત આટલેથી ન અટકતા PIB ફેક્ટચેક નામના ટ્વીટર એકાઉન્ટે ઈસુદાને રજુ કરેલી આ માહિતી ખોટી હોવાનો દાવો કર્યો હતો. PIB એ ઈસુદાનના આ ટ્વીટને ભ્રામક ગણાવ્યું હતું. PIB ના ફેક્ટચેકના દાવા પ્રમાણે 8.3 કરોડ રૂપિયાનો આંકડો એ ‘મન કી બાત’ કાર્યક્રમના એક એપિસોડ માટેના ખર્ચનો નહીં, પરંતુ અત્યાર સુધીનો ‘મન કી બાત’ના જાહેરાતોનો આંકડો છે.
ત્યારે એક નાગરિકે આપ નેતા ઈસુદાન ગઢવી વિરુદ્ધ આ પોસ્ટને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદીએ ‘મન કી બાત’ ના ખર્ચ મુદ્દે ખોટી માહિતી પોસ્ટ કરી જનતાને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાનો ઈસુદાન ગઢવી પર આરોપ લગાવ્યો છે. જેને લઈ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે મોડીરાત્રે ઈસુદાન ગઢવી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ઘરી છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ આપ નેતા ગોપાલ ઈટાલિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ એક ટિપ્પણી કરી હતી, જેને લઈ સુરતમાં ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ બદનક્ષીની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારે હવે આપ નેતા ઈસુદાન ગઢવી પર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે, ત્યારે ગોપાલ ઈટાલિયાએ એક મીડીયા સાથે વાત કરતા જંતર મંતર પર બેઠેલા કુસ્તીબાજોનો મુદ્દો છંછેડીને “જ્યાં કરવી જોઈએ ત્યાં કાર્યવાહી નથી કરી રહ્યા” તેમ કહીને ખોટા કેસમાં ફસાવવાનો સરકાર પર આરોપ લગાવ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ કાર્યવાહી ક્યાં જઈને અટકશે?








