સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની સત્તાઓને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે માત્ર શંકાના આધારે કોઈ વ્યક્તિનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી શકાય નહીં. કોર્ટે કહ્યું કે પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2000ની કલમ 17(1A) હેઠળ બેંક ખાતું ફ્રીઝ કરવા માટે સક્ષમ અધિકારી પાસે “Reasons to Believe” એટલે કે વિશ્વાસ માટેના યોગ્ય અને કાનૂની કારણો હોવા અનિવાર્ય છે.
જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગૂની બેન્ચે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખતાં EDની અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ભલે કલમ 17(1A)માં “Reasons to Believe” શબ્દોનો સ્પષ્ટ ઉલ્લેખ ન હોય, પરંતુ તેને કલમ 17(1)થી અલગ કરીને વાંચી શકાય નહીં. કોર્ટે કહ્યું કે જપ્તી (Seizure) માટે જેમ “Reasons to Believe” જરૂરી છે, તેવી જ રીતે એકાઉન્ટ ફ્રીઝ કરવું પણ જપ્તીનું જ એક વિકલ્પ હોવાથી તેના પર પણ એ જ કાનૂની માપદંડ લાગુ પડશે.
આ મામલો પૂનમ મલિકના બે બેંક ખાતા ફ્રીઝ કરવાના EDના આદેશ સાથે સંબંધિત હતો. પૂનમ મલિક કથિત સ્ટર્લિંગ બાયોટેક બેંક છેતરપિંડી કેસના આરોપી ગગન ધવન સાથે સંકળાયેલા હોવાનું કહેવાતા રણજીત મલિકની પત્ની છે. જોકે, પૂનમ મલિક કે તેમના પતિનું નામ FIR અથવા ECIRમાં નહોતું. તેમ છતાં EDએ પોતાના આદેશમાં માત્ર એટલું જ લખ્યું હતું કે બેંક ખાતામાં મની લોન્ડરિંગની રકમ હોવાની શંકા છે, તેથી ખાતામાંથી ડેબિટ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂકવામાં આવે.
પછી એડજ્યુડિકેટિંગ ઓથોરિટીએ આ આદેશને મંજૂરી આપી હતી, પરંતુ એપિલેટ ટ્રિબ્યુનલએ તેને રદ કર્યો હતો. ત્યારબાદ ED દિલ્હી હાઈકોર્ટ પહોંચી હતી. દિલ્હી હાઈકોર્ટે EDની કાર્યવાહી ગેરકાનૂની ગણાવતા કહ્યું હતું કે કાયદામાં નક્કી કરાયેલી પ્રક્રિયા અને જરૂરી શરતોનું પાલન કર્યા વિના જારી કરાયેલો ફ્રીઝિંગ ઓર્ડર કાનૂની રીતે ટકી શકે નહીં.
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે યોગ્ય આધાર વિના કોઈ વ્યક્તિનું બેંક ખાતું ફ્રીઝ કરવું એ ભારતીય બંધારણના અનુચ્છેદ 300A હેઠળ આપવામાં આવેલા સંપત્તિના અધિકારનું પણ ઉલ્લંઘન છે. હવે સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આ અભિપ્રાયને સમર્થન આપતાં EDની અપીલ ફગાવી દીધી છે.
આ ચુકાદા સાથે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તપાસ એજન્સીઓ પાસે વિશેષ સત્તાઓ હોવા છતાં તેઓ કાયદામાં નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વિના માત્ર શંકાના આધારે કોઈ વ્યક્તિના સંપત્તિ અધિકારોમાં હસ્તક્ષેપ કરી શકશે નહીં.








