- ભારતે એક દાયકા પછી ૧૦ લાખ ટન જકાતમુક્ત ખાંડ આયાતની પરવાનગી આપતા ભાવ દબાણમાં
- કોમોડીટી ફંડો વધુ પડતા તેજીના બાંધેલા પોટલા હવે ઢીલા પડતા ભાવને નીચે જવાનું દબાણ
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઈઝેશન (આઈએસઓ)એ ૨૦૨૬-૨૭ની જાગતિક ખાંડ મોસમમાં બે લાખ ટન ખાધ રહેવાની આગાહી કરી છે. ૨૦૨૫-૨૬મા ૧૧ લાખ ટનની પુરાંત હતી. પરિણામે ગત સપ્તાહે નાયમેકસ રો સુગર વાયદામાં ભાવ ૧૭ મહિના અને લંડન રીફાઈન્ડ ૩ સપ્તાહની ઉંચાઈએ મુકાયા પછી, બ્રેન્ટ ક્રુડ ઓઇલના ભાવમાં પીછેહઠ જોવાઈ હતી. નાયમેકસ ઓક્ટોબર વાયદો ગુરુવારે એશિયન ઇન્ટ્રાડેમાં ઘટીને ૧૮.૦૬ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) અને લંડન વ્હાઈટ સુગર વાયદો ૫૨૪ ડોલર પ્રતિ ટન મુકાયો હતો. મુંબઈમાં ખાંડના સરેરાશ ક્વિન્ટલ (૧૦૦ કિલો) દીઠ ઘટીને રૂ.૫૨૦૦ બોલાતા છુટકબજારમાં કિલો પેકિંગ દીઠ રૂ. ૫૫થી ૭૦ આસપાસ મુકાતા હતા. ભારત અને બ્રાઝીલમાં ચોમાસાની અસામાન્ય વરસાદ વહેચણીને પગલે જાગતિક ખાંડ ઉત્પાદનના વરતારા પુરાંતથી ખાધમાં આવી ગયા હતા.
ભારત અને બ્રાઝીલની સુગર મિલોએ ખાંડ અને ઇથેનોલ ઉત્પાદનમાં દહીં દૂધમાં પગ રાખવા જતા, બાવાના બેય બગડ્યા હતા. હવામાનના અંતરાયને પગલે શેરડીની કાપણી કાર્યક્રમ પણ અસ્તવ્યસ્ત થઇ ગયો હતો. હવામાનની અલ-નીનો ઘટનાએ જગતભરના ખાંડ ઉત્પાદન ઘટ અને ભાવની તેજીમાં તેલ રેડ્યું હતું. બ્રાઝીલ, ભારત, અને થાઈલેન્ડમાં સુપર અલ-નીનોએ વરસાદ વિતરણ અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. ૮ જુલાઈએ યુએસ ક્લાઈમેટ પ્રીડીકશન સેન્ટરે કહીજ દીધું હતું કે વિસુવૃત્તીય પેશીફિક દેશોમાં અલ-નીનોની અસર છેલ્લા ૭૫ વર્ષમાં નાં જોવાઈ હોય તેવી ખતરનાક હશે.
ભારત સરકારે ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ના માર્યાદિત સમય માટે એક દાયકા કરતા વધુ સમય પછી, જકાતમુક્ત રો સુગર આયાત કરવાની છૂટ આપતા, ભારતમાં આગામી તહેવારોમાં ખાંડના ભાવની તેજીને બ્રેક લાગી હતી. ઇસ્મા (ઇન્ડિયન સુગર એન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચારીંગ એસોસિયેશન)ના તાજા અનુમાન પ્રમાણે ૨૦૨૫-૨૭ની વર્તમાન મોસમમા ભારતમાં ખાંડ ઉત્પાદન ૨૯૦થી ૩૧૦ લાખ ટન થશે. બ્રાઝીલ પછી ભારત, વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ખાંડ ઉત્પાદક દેશ છે. ઈસ્માઈ એવી પણ આગાહી કરી હતી કે ૨૦૨૫-૨૬ની મોસમમાં ભારતે ૮ લાખ ટન ખાંડ નિકાસ કરી હતી. દરમિયાન થાઈલેન્ડનું ૨૦૨૫-૨૭નુ ખાંડ ઉત્પાદન ૧૭ ટકા ઘટીને ૧૦૦ લાખ ટન અંદાજાયું છે. થાઈલેન્ડ જગતમાં બ્રાઝીલ પછી બીજા નંબરના નિકાસકાર તરીકેની ખ્યાતી ધરાવે છે.
જગતના મોટા કોમોડીટી ફંડો, વાયદામાં વધુ પડતા તેજીના પોટલા બાંધીને બેઠા હતા, તેમના પોટલા હવે ખુલવા લાગતા ભાવને નીચે જવાનું દબાણ સર્જાયું છે. બ્રાઝીલમાં જતા ચોમાસે ભારે વરસાદને પગલે શેરડીમાં ફ્રુક્તોસ (યીલ્ડ) ઘટવાનું અને કાપણી ઢીલમાં પડવાનો ભય સર્જાયો છે. ઓગસ્ટ ૨૦૨૬ના પહેલા અર્ધમાસિકમાં વર્ષાનું વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઉત્પાદન ૭.૯ ટકા ઘટીને ૩૩.૧ લાખ ટન આવ્યું હતું, ગતવર્ષે આ ગાળાનું ઉત્પાદન ૪૨.૯ લાખ ટન આવ્યું હતું. આખા વિશ્વને ૯૦ ટકા ખાંડ બ્રાઝીલ પૂરી પાડે છે. ભારતીય હવામાન ખાતાએ કહ્યું હતું કે ૧૫ સપ્ટેમ્બર સુધીમાં દેશભરમાં સંયુક્ત વરસાદ સામાન્ય કરતા ૧૫ ટકાની ઘટ રહી ગઈ છે. અલબત્ત, ૩૦ જુન સુધીમાં ૪૨ ટકાની ખાધ હતી તેમાં અત્યાર સુધીમાં ભરપુર સુધારો થયો છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








