નવજીવન ન્યૂઝ. ભાવનગર: ચકચારી ડમીકાંડ (Dummy kand)ની તપાસ મામલે મોટા સમાચાર મળી રહ્યા છે. યુવરાજસિંહ (Yuvrajsinh Jadeja)ના તોડકાંડ મામલાની તપાસ દરમિયાન ભાવનગર પોલીસે (Bhavnagar Police) વધુ 5 આરોપીની ધરપકડ કરી છે. જેમાં એક તલાટી કમ મંત્રીના પદ પર નોકરી કરતો આરોપી પણ પોલીસની ઝપટે ચઢી ગયો છે. આમ હવે કુલ આરોપીનો આંક 44 પર પહોંચ્યો છે. જેમાં 10 આરોપી સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
રાજ્યમાં ચકચારી ડમીકાંડનો અને બોગસ ઉમેદવારોની ભરતીનો મામલો સામે આવતા લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે. ત્યારે આ મામલે ભાવનગર પોલીસે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે શરૂઆતમાં 36 આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી મુખ્ય ભેજાબાજ 4 એજન્ટો સહિત 6 આરોપીની ધરપકડ કરી લીધી હતી. બાદમાં વધુ 8 આરોપીની ધરપકડ થતા ધરપકડનો આંક 14 સુધી પહોંચ્યો હતો. ત્યારે હવે પોલીસે 5 આરોપીની ધરપકડ કરતા ધરપકડનો કુલ આંક 19 સુધી પહોંચ્યો છે. મહત્વની વાત છે કે હાલ ઝડપાયેલા 5 આરોપીમાં એક આરોપી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢડા ખાતે તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરી રહ્યો હતો.
પોલીસે ડમીકાંડ મામલે 27 વર્ષીય તલાટી કમ મંત્રી કેરાળા હસમુખ પુનાભાઈ ભટ્ટની પ્રદિપ દવે ઉર્ફે પી.કેની કબૂલાતના આધારે ધરપકડ કરી છે. જેમાં હસમુખ પર આરોપ છે કે તેણે વર્ષ 2022માં SIની પરીક્ષામાં દેવગણાા રહેવાસી અસલી ઉમેદવાર હાર્દિક પંડ્યાના સ્થાને, તેમજ ઉમેદવાર જયેશ કલ્યાણભાઈના સ્થાને ડમી ઉમેદવાર તરીકે બેસી પરીક્ષા આપી હતી. આ બાબતે પોલીસે પુછપરછ કરતા આરોપી હસમુખ ભટ્ટે પણ તે વાતની કબૂલાત આપી હોવાનું પોલીસ જણાવી રહી છે.
સાથે જ ભાવનગર પોલીસે તળાજાના ગઢડાના 25 વર્ષીય જયદિપ બાબભાઈ ભેડાની પણ ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી જયદિપે વર્ષ 2022માં MPHWની ભરતી પરીક્ષામાં કૌશિકકુમાર મહાશંકર જાનીના સ્થાને ડમી ઉમેદવાર તરીકે બેસી પરીક્ષા આપી હતી. જે પરીક્ષાની હોલ ટિકીટમાં ફોટા સાથે છેડછાડ કરી નકલી હોલ ટિકીટ પણ બનાવવામાં આવી હતી. જે હોલ ટિકીટ પણ પોલીસના હાથ લાગી હોવાના અહેવાલ છે.
તે જ પ્રકારે ઉમરાળાના વડોદ ગામના 19 વર્ષીય દેવાંગ યોગેશભાઈ રામાનુજની પણ પોલીસે ધરપકડ કરી છે. જેમાં દેવાંગ પર આરોપ છે કે ગ્રામ પંચાયતની પરીક્ષામાં પોતાના સ્થાને ડમી ઉમેદવાર બેસાડવા માટે ફોટો એડિટ કરી લગાવી દીધો હતો. આ રશીદ પણ પોલીસને આરોપી શરદ પનોતના કબ્જામાંથી મળી આવતા મામલાનો ખુલાસો થયો હતો.
ઉપરાંત યુવરાજસિંહ જિતેન્દ્રસિંહ પરમાર ઉંમર વર્ષ 23ની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુવરાજસિંહ શિહોરના ઉસરડ ગામનો રહેવાસી હોવાની માહિતી મળી રહી છે. તેના પર આરોપ છે કે તેણે વર્ષ 2022માં MPHWની પરીક્ષામાં પોતાની જગ્યાએ ડમી ઉમેદવાર બેસાડવા માટે ફોટો સાથે છેડછાડ કરી હોલ ટિકીટમાં લગાવ્યો હતો. જે હોલ ટિકીટ પણ પોલીસને મળી આવી છે અને તેના આધારે યુવરાજસિંહની ધરપકડ થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ડમીકાંડમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ડમી ઉમેદવાર તરીકે બેસતા આરોપી જાની હિરેનકુમાર રવીશંકર ઉંમર વર્ષ 21ની ધરપકડ કરવામાં આવી છે. હિરેન પર આરોપ છે કે તેણે વર્ષ 2022માં ધોરણ 10ની પરીક્ષામાં બોટાદ ખાતે નિમ્બાક નિકુંજના સ્થાને જ્યારે ધોરણ 12માં બોરિચા નિર્મળ નામના વિદ્યાર્થીના સાત પેપર અને મેર દિલાવર નામના વિદ્યાર્થીના ધોરણ 10ના વિજ્ઞાન અને ગણીતના પેપર ડમી ઉમેદવાર તરીકે હાજર થઈ આપ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પોલીસે કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમીમાંથી પી.એસ.આઈ.ની ટ્રેનિંગ લઈ રહેલા સંજય પંડ્યાની ધરપકડ કરી હતી. ત્યારે વધુ એક સરકારી નોકરી મેળવી ચુકેલા તલાટી કમ મંત્રી હસમુખ પુનાભાઈ ભટ્ટની પોલીસે ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે તમામ આરોપી વિરૂધ્ધ કલમ 406, 409, 419, 420, 465, 467, 468, 471, 120(બી), 34 અને આઈ.ટી. એક્ટની કલમ 66 (ડી) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ડમીકાંડનો રેલો હજુ પણ લંબાઈ તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796