નવજીવન ન્યૂઝ, અમદાવાદ : પૂર્વ અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન (Ramol Police Station) ની હદમાં એક યુવકે હાથની નસ કાપી નાંખી આપઘાત કરી લીધો છે. રામોલ વન્ડર પોઈન્ટ પાછળથી મળી આવેલા યુવકના મૃતદેહ પાસેથી કાચનો એક ટૂકડો મળી આવ્યો છે. જેના આધારે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે, કોઈ અગમ્ય કારણોસર યુવકે આપઘાત (Youth commits suicide in Ahmedabad) કર્યો હોય. રામોલ પોલીસને મૃતદેહ પાસેથી પર્સ અને મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે. જો કે, મોબાઈલ ફોનમાં પાસવર્ડ લૉક હોવાથી કોલ ડિટેલ્સની માહિતી મળી શકી નથી.
રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ વી. ડી. મોરી (PI V D Mori) એ જણાવ્યું છે કે, આપઘાત કરનાર યુવકનું નામ ઘનશ્યામ પ્રજાપતિ (ઉ. 34) છે. આપઘાત કરવા માટે યુવકે કાચના ટૂકડાનો ઉપયોગ કર્યો હોવાની શક્યતા છે. ગત મોડી રાતે આ ઘટના ઘટી હતી અને ભારે રક્તસ્ત્રાવના કારણે યુવાનનું મોત નિપજ્યું છે. આ મામલે પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ આરંભી છે.








