Thursday, September 24, 2026
HomeNationalજ્ઞાનેશ કુમારની ધરપકડ કાયદાકીય રીતે કેમ શક્ય નથી? જાણો

જ્ઞાનેશ કુમારની ધરપકડ કાયદાકીય રીતે કેમ શક્ય નથી? જાણો

- Advertisement -

Gyanesh Kumar Arrest is possible? see the law: સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક સાથે જોડાયેલા 2023ના કાયદાને પડકારતી અરજીઓ CJI પાસે મોકલી છે. આ કાયદામાં મુખ્ય ચૂંટણી કમિશનરને કયા પ્રકારની કાનૂની સુરક્ષા આપવામાં આવી છે અને તેના કારણે ધરપકડનો મુદ્દો કેમ ચર્ચામાં આવ્યો છે, તે અંગે જાણીએ.

23 સપ્ટેમ્બરની સવારે સામે આવેલા એક મોટા ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ બાદ ચૂંટણી પંચને લઈને રાજકીય વર્તુળોથી લઈને સોશિયલ મીડિયા સુધી ચર્ચા તેજ બની હતી. Indian Expressના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ઉપરાંત અન્ય બે ચૂંટણી કમિશનરોએ ચૂંટણી પંચના કેટલાક નિર્ણયો અંગે સત્તાવાર રીતે વાંધો નોંધાવ્યો હતો. આ નિર્ણયો તેમની જાણકારી વિના લેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. 10 મહિનામાં આવા 14 વાંધા નોંધાવવામાં આવ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું હતું.

- Advertisement -

ચૂંટણી પંચમાં કુલ ત્રણ ચૂંટણી કમિશનર હોય છે અને નિર્ણયો બહુમતીના આધારે લેવામાં આવે છે. આ મામલે બે ચૂંટણી કમિશનર અસહમત હોવાનું સામે આવ્યા બાદ નિર્ણયો કેવી રીતે લેવામાં આવ્યા અને આવા નિર્ણયો કાયદેસર છે કે નહીં, તેવા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ મુદ્દે વિપક્ષ તરફથી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની ધરપકડની માંગ પણ કરવામાં આવી હતી. જોકે, સવાલ એ છે કે વર્તમાન કાયદા હેઠળ આવી ધરપકડ કાયદાકીય રીતે શક્ય છે કે નહીં?

2023માં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂકને લઈને કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. નવા કાયદાનું નામ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવા શરતો અને કાર્યકાળ) અધિનિયમ, 2023 છે. સંસદમાંથી પસાર થયો ત્યારે પણ આ કાયદો ચર્ચામાં રહ્યો હતો. હવે ચૂંટણી પંચ સાથે જોડાયેલા તાજેતરના અહેવાલો બાદ ફરી એકવાર આ કાયદો ચર્ચામાં આવ્યો છે.

આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટની બે જજોની બેન્ચે બુધવારે આ કાયદાને પડકારતી અરજીઓ CJI પાસે મોકલી હતી, જેથી ઓછામાં ઓછા પાંચ જજોની બંધારણીય બેન્ચની રચના અંગે વિચારણા થઈ શકે.

- Advertisement -

2023ના કાયદા હેઠળ ચૂંટણી કમિશનરોની નિમણૂક માટેની પ્રક્રિયામાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI)ને સામેલ કરવામાં આવ્યા નથી. અગાઉ ચૂંટણી કમિશનરની પસંદગી કરનારી પેનલમાં વડાપ્રધાન, CJI અને વિપક્ષના નેતા સામેલ હતા. 2023ના કાયદામાં CJIના સ્થાને વડાપ્રધાન દ્વારા નામાંકિત કેન્દ્રીય કેબિનેટ મંત્રીને સામેલ કરવામાં આવ્યા હતા. જેના કારણે પસંદગી પેનલમાં સરકાર તરફી બહુમતી હોવાના સવાલો વિપક્ષે ઉઠાવ્યા હતા.

આ કાયદામાં વર્તમાન તેમજ પૂર્વ ચૂંટણી કમિશનરોને કાનૂની સુરક્ષા આપતી જોગવાઈ પણ છે. કાયદા અનુસાર, ચૂંટણી કમિશનરો દ્વારા તેમની સત્તાવાર ફરજ અથવા સત્તાવાર કામગીરી દરમિયાન કરવામાં આવેલા કોઈપણ કાર્ય અથવા આપવામાં આવેલા નિવેદન અંગે તેમની સામે ક્રિમિનલ કાર્યવાહી ચલાવી શકાતી નથી.

આ પ્રકારની સુરક્ષા અગાઉના કાયદામાં નહોતી. 1991થી 2023 સુધી ચૂંટણી કમિશનરો સાથે સંબંધિત કાયદામાં આવી સુરક્ષાની જોગવાઈ ન હોવાનું જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, 10 ઓગસ્ટ 2023ના રોજ રાજ્યસભામાં નવું ચૂંટણી કમિશનર બિલ પ્રથમ વખત રજૂ થયું ત્યારે પણ તેમાં આવી ઈમ્યુનિટીનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો.

- Advertisement -

ત્યારબાદ આ જોગવાઈ ઉમેરવામાં આવી હતી. 12 ડિસેમ્બર 2023ના રોજ સરકારે કાયદામાં નવો ક્લોઝ 15A ઉમેરવા માટે સુધારો રજૂ કર્યો હતો, જેને સંસદની મંજૂરી મળી હતી. ત્યારબાદ આ કાનૂની સુરક્ષા 2023ના કાયદાની કલમ 16 બની હતી.

આ જ કલમના કારણે મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા પદ પર રહીને સત્તાવાર ફરજ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો અથવા કરવામાં આવેલી કાર્યવાહી અંગે ક્રિમિનલ કાર્યવાહી અને ધરપકડનો મુદ્દો કાનૂની રીતે અલગ બની જાય છે. તેથી, આપવામાં આવેલી માહિતી મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની સત્તાવાર ફરજ દરમિયાન લેવાયેલા નિર્ણયો અંગે માત્ર તે આધારે તેમની ધરપકડ કરવી વર્તમાન કાયદા હેઠળ શક્ય નથી.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular