Violent protest by students at Lovely Professional University in Punjab : પંજાબના જલંધરમાં આવેલી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) માં વિદ્યાર્થીઓએ ભારે હંગામો મચાવી તોફોડ કરી છે. શનિવારે મોડી રાત્રે બે હજાર વિદ્યાર્થીઓએ કથિત દુષ્કર્મ બાદ વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હોવાના આરોપો સાથે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં તોડફોડ કરી, આગચંપી કરી અને હાઈવે પર ચક્કાજામ સર્જ્યો હતો. યુનિવર્સિટી પ્રશાસને દુષ્કર્મના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. બીજી તરફ ડીઆઈજી નવિન સિંગલા (Naveen Singla DIG) એ જણાવ્યું છે કે, દુષ્કર્મની ફરિયાદ લેવામાં આવી રહી છે.
યુનિવર્સિટીમાં વિરોધ-પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હોવાનો આરોપ લગાવ્યો છે. રેપની ઘટના બાદ યુનિવર્સિટીના સત્તાધીશોએ તે વિદ્યાર્થીનીને તેના ઘરે મોકલી દીધી છે અને તેણીએ આપઘાત કર્યો છે. આ મામલામાં સામેલ આરોપીઓને સત્તાધીશો બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે વિદ્યાર્થીઓએ આ અંગે સવાલ ઉઠાવ્યો તો સિક્યુરિટી ગાર્ડે અયોગ્ય વર્તન દાખવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ ઉશ્કેરાયા હતા અને યુનિવર્સિટીમાં તોડફોડ શરૂ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો આવતા મામલો શાંત પડ્યો હતો, પરંતુ વિરોધ-પ્રદર્શનના કારણે જલંધર નેશનલ હાઇવે (Jalandhar National Highway) પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
ત્રણ દિવસ અગાઉ થયેલા દુષ્કર્મના કેસમાં કોઈ કાર્યવાહી નહીં થઈ હોવાની રજૂઆત વિદ્યાર્થીઓએ પોલીસ સમક્ષ કરી છે. આ મામલે ડીઆઈજી નવિન સિંગલાએ નિવેદન મળી ગયું છે અને ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હોવાનું જણાવ્યું છે. દોષિતોને ઝડપી લેવા માટે એક ટીમની રચના પણ કરવામાં આવશે.








