Sunday, September 27, 2026
HomeGujaratકાવાદાવા કરવામાં ગુજરાત પોલીસના તોલે ન આવે કોઈ, ક્રાઈમ બ્રાન્ચની ગુપ્ત માહિતી...

કાવાદાવા કરવામાં ગુજરાત પોલીસના તોલે ન આવે કોઈ, ક્રાઈમ બ્રાન્ચની ગુપ્ત માહિતી ખુદ અધિકારીએ લીક કરી | શતરંજ-41

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-41, નવજીવન ન્યૂઝ): કાવાદાવા કરવામાં ગુજરાત પોલીસની તથા ઇન્દ્રસિંહ જાડેજાની તોલે આવે તેવું કોઈ ન હતું. નિઝામ અને રામને હુબલી જતાં ઉપાડવાનું કામ ક્રાઇમ-બ્રાન્ચને સોંપવા પાછળનું પણ તેમનું એક ગણિત હતું. હવે તેઓ જે કરવા જઈ રહ્યા હતા, તે અત્યંત ગંભીર રમત હતી. જેના કારણે આવનાર દિવસોમાં ગુજરાતના રાજકારણમાં મોટું તોફાન આવવાનું હતું. હમણાં સુધી તેમણે ગુજરાતમાં જે કંઈ કામ કર્યાં તેમાં બધું જ તેમની ઇચ્છા-પ્લાનિંગ પ્રમાણે થતું. તેના કારણે તેમનો કૉન્ફિડન્સ ખૂબ જ ઊંચો ગયો હતો. નિઝામનો ભાઈ નૂરુ હજી તેની ભાભી રૂપાને શોધવા માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યો હતો. પણ રૂપાનો કોઈ પત્તો લાગતો નહોતો. નિઝામની ડેડ બૉડી લઈ ગયા પછી એક વાર નૂરુ જયપુરના ગૅંગ્સ્ટર ઇમ્તિયાઝ સાથે એટીએસની ઑફિસમાં આવ્યો હતો. ઇમ્તિયાઝ અને ઇન્દ્રસિંહ જાડેજાનો જૂનો સંબંધ હતો, તે સંબંધના નાતે જ ઇમ્તિયાઝ નૂરુને લઈ આવ્યો હતો. નૂરુની વિનંતી એટલી જ હતી કે તેના ભાઈ નિઝામનું જે કંઈ થયું તેનું કારણ તે એક ગુનેગાર હતો, પણ તેની ભાભી રૂપાને તેનાં ગુનાઇત કામો સાથે કોઈ નિસબત ન હતી, છતાં તેનો પત્તો કેમ લાગતો નથી? સોલાપુર સુધી તો રૂપા નિઝામ સાથે જ હતી પણ પછી ક્યાં ગઈ હતી, તેની કોઈ ભાળ મળતી ન હતી! ત્યારે ઇન્દ્રસિંહે ખાતરી આપી હતી કે, હાલમાં તેમની પાસે રૂપા અંગે કોઈ માહિતી નથી, જો મળશે તો તે કામમાં તે જરૂર મદદરૂપ થશે.

ઇન્દ્રસિંહને લાગ્યું કે હવે પત્તાં ઊતરવાનો યોગ્ય સમય છે. તેમણે ઇમ્તિયાઝને ગુજરાત એટીએસની ઑફિસમાં એકલા આવવાની સૂચના આપી હતી. એટલે જ ઇમ્તિયાઝ એકલો આવ્યો હતો. આજે ઇન્દ્રસિંહ તેની સાથે બહુ સારી રીતે વાત કરી રહ્યા હતા. તે ઇન્દ્રસિંહ સામે હાથ જોડીને ઊભો રહ્યો. તરત ઇન્દ્રસિંહે તેને બેસવાની સૂચના આપી. તેના માટે ચા મગાવી. ઇમ્તિયાઝને આ બધું બહુ વિચિત્ર લાગી રહ્યું હતું. અગાઉ ગુજરાતના બે ગુનામાં તે પકડાયો ત્યારે ઇન્દ્રસિંહે જ તેને ખૂબ માર્યો હતો. તે જ અધિકારી તેને સામે બેસાડી ચા પિવડાવી રહ્યા હતા! જોકે ઇમ્તિયાઝને વાત બહુ જલદી સમજાઈ ગઈ. ઇન્દ્રસિંહે મૂળ વાત ઉપર આવતાં કહ્યું, “દેખ ઇમ્તિયાઝ, મૈંને બહુત ગુનેગારોં કો મારા હૈ; લેકિન તુઝે માલૂમ હૈ, મેરે કુછ ઉસૂલ હૈં, મૈં બે-ગુનાહો ઓર ઓરતોં પે હાથ નહીં ડાલતા, કુછ મહિને પહલે તૂ નૂરુ કો લેકે આયા થા, તબ સે મેરે દિમાગ મેં ચલતા થા કે રૂપા કહા ગઈ હોંગી. રાત કો મુઝે નીંદ ભી નહીં આતી થી. મૈંને અપને સૉર્સ કો કામ પે લગાયા થા. વહાં સે કુછ ઇન્ફર્મેશન મિલી વો તુઝે દે રહા હૂં, એક દોસ્ત સમજ કે યે બાત તેરે ઔર મેરે બીચમેં રહે, નૂરુ કો બતાના કિ સીધા સુપ્રીમ કોર્ટ ચલા જાય. રૂપા કહાં હૈ પતા લગ જાયેગા.”

- Advertisement -

ઇમ્તિયાઝ માટે ઇન્દ્રસિંહનું આ સ્વરૂપ નવું હતું. તેને લાગ્યું કે જે ઑફિસર રાક્ષસ કરતાં ખરાબ હતો, તે કેટલો માનવતાવાદી છે! ઇન્દ્રસિંહે તેને કાગળ ઉપર લખેલી એક નોંધ આપી, જેમાં લખ્યું હતું ‘૨૦ નવેમ્બર, ચૌધરી ટ્રાવેલર, સોલાપુર બસ નંબર એમએચ ૦૯ ૨૩૫૬. ટિકિટ નંબર ૧-૨.  — ઇમ્તિયાઝ કાગળ જોતો જ રહ્યો. તેને લાગ્યું કે આ કાગળનો ટુકડો નથી. આ લૉટરી છે. તે તરત જવા માટે ઊભો થયો. ઇન્દ્રસિંહે તેને રોકતાં બે સૂચના યાદ અપાવી, જેમાં : પોતાનું નામ જાહેર કરે નહીં અને સીધી સુપ્રીમ કોર્ટમાં જ અરજી કરવી. ઇન્દ્રસિંહ જાણતો હતો કે તીર નિશાન ઉપર જ વાગ્યું છે. એક અઠવાડિયા પછી સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ કાઢી, નિઝામની પત્ની રૂપાને કોર્ટ સામે હાજર કરવા ફરમાન કર્યું હતું. જેને કોર્ટની ભાષામાં હેબિયસ પિટિશન કહેવાય. નૂરુએ પોતાની પિટિશનમાં ઉલ્લેખ કર્યો હતો કે, તેનો ભાઈ અને ભાભી સોલાપુરની ચૌધરી ટ્રાવેલ્સમાં હુબલી જઈ રહ્યા હતા, ત્યારે ગુજરાત પોલીસ દ્વારા તેમનું અપહરણ કરી નિઝામની હત્યા કરી નાખી અને રૂપા હજી ગાયબ છે.

આ સમાચાર આવતાં ક્રાઇમ-બ્રાન્ચમાં સન્નાટો થઈ ગયો હતો. કારણ કે એસીપી દિનેશ નાયરની આગેવાની હેઠળ ઇન્સ્પેક્ટર વિનય તોમર અને મહેશ રાવની ટીમ સોલાપુર ગઈ હતી તે વાત તેમની ટીમ સિવાય કોઈને ખબર ન હતી. તો પછી નૂરુ સુધી કેવી રીતે માહિતી પહોંચી? નાયરે જ્યારે મહેશ અને વિનયને સુપ્રીમ કોર્ટની નોટિસની વાત કરી ત્યારે તેમને જાણે કોઈ ફેર પડતો નથી, તેવું લાગ્યું, કારણ કે આ પ્રકારના કેસ તો તેમની ઉપર અગાઉ થઈ ચૂક્યા હતા અને તેમને કંઈ થતું નથી તેની તેમને ખબર હતી. નાયર ડિસ્ટર્બ હતા. બપોરે ડીસીપી વછરાજાની ઑફિસમાં આવ્યા ત્યારે તેમની સામે પણ તેમણે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. વછરાજાની હસવા લાગ્યા અને તેમણે કહ્યું, “નાયર, યે આપકા પહેલા ઑપરેશન થા. મેરી કૅરિયર મેં મૈંને ૧૬ ઐસે બડે ઑપરેશન કિયે હૈં. ઉસમેં સે ૯ કે લિયે કેસે હુઆ ઔર દેખો મૈં તુમ્હારે સામને હૂં. ચિંતા મત કરો, સુપ્રીમ કોર્ટ કે જજ થોડી તપાસ કરને આયેંગે?! હમારે હી અફસર તપાસ કરેંગે. મામલા ખતમ હો જાયેગા.” આ સાંભળી નાયરને રાહત થઈ.

સુપ્રીમ કોર્ટની નોટિસ આવતાં, મંત્રી અમર ઠાકોર પણ થોડા ચિંતામાં હતા. કારણ કે ફરી એક કેસમાં જવાબ આપવાનો! અખબારોમાં સમાચાર આવશે, જેના કારણે મુખ્યમંત્રી નારાજ થશે — આવું બધું તો થવાનું જ હતું, એટલે તેમણે તેનો રસ્તો શોધવા માટે ઇન્દ્રસિંહની પોતાની ઑફિસે આવી જવાની સૂચના આપી હતી. ઇન્દ્રસિંહ જ્યારે સચિવાલયમાં મંત્રીની ચેમ્બરમાં ગયા ત્યારે મંત્રી એકલા જ હતા. ઇન્દ્રસિંહ તેમને સલામ કરી તેમની સામે બેઠા, કે તરત જ અમર ઠાકોરે સુપ્રીમ કોર્ટની નોટિસ તેમની સામે મૂકી. ઇન્દ્રસિંહ પહેલી વખત વાંચી રહ્યા હોય તેમ તેની ઉપર નજર કરવા લાગ્યા, પછી નિસાસો નાખતાં કહ્યું, “સાહેબ, આ ક્રાઇમવાળાના દરેક કામમાં કંઈ લોચા હોય છે.” તેમનો ઇશારો વછરાજાની સામે હતો. મંત્રી ઠાકોરે નારાજ થતાં કહ્યું : “જુઓ જાડેજા, હમણાં કોઈની કૉમ્પિટિશન ઉપર ચર્ચા કરવાની જરૂર નથી. હવે આ કેસમાં શું થઈ શકે તેની વાત કરો. આવતા અઠવાડિયે, જવાબ ફાઈલ કરવાનો છે.” ઇન્દ્રસિંહે કહ્યું, “સર, ચિંતા ના કરો. હું મૅનેજ કરી લઉં છું. તમે ડીજીપી સાહેબને સૂચના આપી દો કે કેસ સીઆઇડી ક્રાઇમને સોંપી દો. આમ પણ સીઆઇડી ક્રાઇમવાળા આરામ સિવાય કંઈ કરતા નથી, બધા નબળાઓ ત્યાં ભર્યા છે.”

- Advertisement -

મંત્રી અમર ઠાકોરે ફોન ઉપાડી ડાઇરેક્ટર જનરલ ઑફ પોલીસ રામકિશોર ચૌબે સાથે વાત કરાવવાની સૂચના આપી. ડીજીપી તેમના કહ્યાગરા અધિકારી હતા. ૨૦૦૨નાં તોફાનો થયાં, ત્યારે તેમનું સૌથી મોટું અચીવમેન્ટ હતું કે, જ્યારે શહેર ભડકે બળતું હતું ત્યારે તેઓ ત્રણ દિવસ પોતાની કમિશનરની ચેમ્બરમાં બેસી રહ્યા હતા. જોકે તેમને તોફાન રોકવા માટે સરકારે કયા પ્રકારનું સ્ટૅન્ડ લેવું જોઈએ તેવી સલાહ મુખ્યમંત્રી સાહેબે આપી હતી. પણ જ્યારે તોફાનોની તપાસ કરતા તપાસ પંચ સામે તેમને જુબાની આપવાની આવી ત્યારે તેમણે મુખ્યમંત્રીને પોલીસ-કમિશનર તરીકે કોઈ સલાહ આપી હોવાનો ઇનકાર કરી, સીએમનો બચાવ પણ કર્યો હતો, જેના ઇનામ રૂપે જ તેમને ડીજીપી બનાવવામાં આવ્યા હતા. તોફાનો પહેલાં તેમને જે લોકો મળતા તેઓ તેમના વખાણ કરતા — તેમની પ્રામાણિકતાના, સારા માણસ હોવાના અને શ્રેષ્ઠ અધિકારી હોવાના. પરંતુ ૨૦૦૨ના તોફાનો વખતે તેમણે પોતાની તમામ સારી ક્વૉલિટી બાજુ ઉપર મૂકી દીધી હતી, કારણ કે તેમને હવે પછી મળનારી ડીજીપીની ખુરશી નજરે પડતી હતી.

ડીજીપી ચૌબે લાઇન ઉપર આવતાં, ઠાકોરે આદેશના સ્વરમાં કહ્યું, “ચૌબે, પેલો નિઝામ અને તેની બૈરીવાળો કેસ છે, તે સીઆઇડી ક્રાઇમને સોંપી દો અને જરા ધ્યાન રાખતા રહેજો. કોઈ ગરબડ થાય નહીં. સુપ્રીમમાં તમારે જવાબ ફાઈલ કરવાનો છે.” ફોન કટ થયો, ઠાકોરે ઊભા થતાં કહ્યું, “જાડેજા, બાકી બધું બરાબર છે. પેલા કિરણ ત્રિવેદી કેસ ઉપર પણ નજર રાખજો.” જાડેજાએ ખંધું હસતાં કહ્યું, “સાહેબ, કિરણ ત્રિવેદીનું ચૅપ્ટર ઓવર થઈ ગયું. હવે તમને કોઈ રંજાડશે નહીં.” ઠાકોરના ચહેરા ઉપર પણ એક પ્રકારની નિરાંત હતી. ઇન્દ્રસિંહ જાડેજા સચિવાલયની બહાર નીકળી રહ્યા હતા, ત્યારે તેમના ચહેરા ઉપર એક પ્રકારની ખુશી હતી. બધું જ તેમની યોજના પ્રમાણે આગળ વધી રહ્યું હોવાનો વિશ્વાસ હતો.

ડીજીપી ચૌબે તરત મંત્રીના આદેશ પ્રમાણે સીઆઇડી ક્રાઇમ-બ્રાન્ચના ડીઆઇજી રાજુ દવેને પોતાની ચેમ્બરમાં બોલાવી નિઝામની પત્નીની હેબિયેસ કેસની વાત કરી તેમને કહ્યું : “કોઈ સારા ઑફિસરને કેસ સોંપજો. એક અઠવાડિયામાં સુપ્રીમમાં ઍફિડેવિટ ફાઈલ કરવાની છે.” રાજુ દવેએ તરત કહ્યું, “સારા ઑફિસર ક્યાં છે? એક તો સોલાપુર જવાનું છે અને બીજું સુપ્રીમમાં જવાબ આપવાનો છે. જેને અંગ્રેજી આવડતું હોય તેવો જ ઑફિસર જોઈએ.” ડીજીપીએ તરત તેનો હલ બતાવતાં કહ્યું, “તમારી પાસે પેલા પરમાર છે ને કાયદે-આઝમ!” દવે વિચાર કરવા લાગ્યા, ત્યાં તેમને યાદ આવ્યું હોય તેમ બોલ્યાં : “ઇન્સ્પેક્ટર વિનોદ પરમાર! હા, બરાબર. તેને અંગ્રેજી આવડે છે અને માથા ઉપર પ્રમોશન પણ છે. એટલે કંટ્રોલમાં રહેશે.” ચૌબેને પણ દવેની વાત સાચી લાગી. તેમણે પણ પરમારને કેસ સોંપી દેવાની સૂચના આપી. ડીઆઇજી રાજુ દવે પોતાની ઑફિસમાં પહોંચતાં તેમણે છેલ્લાં પાંચ વર્ષથી કામ વગર પડી રહેલા પોલીસ-ઇન્સ્પેક્ટર વિનોદ પરમારને બોલાવી નિઝામ કેસની બ્રીફ આપી અને તેની ફાઈલ તેમના હાથમાં મૂકતાં કહ્યું, “મને લાગે છે કે આજે તમે કેસ વાંચી લો અને બને તો આજે જ રાતે સોલાપુર જવા રવાના થાવ. આપણી પાસે ટાઇમ ઓછો છે, કારણ કે સુપ્રીમને જવાબ આપવાનો છે.” તે જ રાતે વિનોદ પરમાર પોતાના એક કૉન્સ્ટેબલ સાથે સોલાપુર જવા રવાના થયા હતા.

- Advertisement -

(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular