Thursday, April 18, 2024
HomeGujaratRajkotશું કોંગ્રેસમાંથી ભાજપમાં કુદેલા દિનેશ ચોવટીયા અને શૈક્ષણિક સંસ્થા ધોળકીયા ખેલ કરી...

શું કોંગ્રેસમાંથી ભાજપમાં કુદેલા દિનેશ ચોવટીયા અને શૈક્ષણિક સંસ્થા ધોળકીયા ખેલ કરી રહ્યા છે?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News : રાજકોટમાં શિક્ષણના વેપારનો અને સરકારની નિરસતા સાથે જ ઘાલમેલનો અચરજ પમાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સંસ્થાના ક્લાર્કમાંથી કરોડપતિ બની ગયેલા પૂર્વ કોંગ્રેસી અને હાલ ભાજપના નેતા દિનેશ ચોવટીયાનું (Dinesh Chovatia) નામ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સાથે જ રાજકોટમાં શિક્ષણ ક્ષેત્રે અનેક વખત વિવાદમાં આવી ગયેલી ધોળકીયા સ્કૂલ (Dholakiya School)પણ આ વિવાદમાં ઘેરાઈ છે. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી અને લાંચ રૂશ્વત વિરોધી શાખાને ફરિયાદ આપવામાં આવતા મામલો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે હાલ કોંગ્રેસ અને ભાજપના કેટલાક નેતાજી મામલાને દબાવી ડૉ. દિનેશ ચોવટીયા અને ધોળકીયાની આબરું બચાવવા પ્રયત્નશીલ થયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તદઉપરાતં ડૉ. દિનેશ ચોવટીયા ધ્રોલની ગ્રાન્ટીનએડ કોલેજના કર્મચારી છે તે કોલેજના પ્રમુખ પદે મંત્રી રાઘવજી પટેલ કાર્યરત છે અને ડૉ. દિનેશ ચોવટીયા વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. આ સ્થિતીમાં અનેક સવાલો પેદા થઈ રહ્યા છે જેનો કોયડો તપાસ દ્વારા જ ઉકેલી શકાય તેમ છે.

શિક્ષણના નામે છેતરપિંડી ?

રાજનેતાઓ અને શિક્ષણ માફિયાઓ વચ્ચે સાંઠગાંઠના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. પરંતુ રાજકોટમાં રાજનેતા અને શિક્ષણના વેપારનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેની તપાસ થાય તો કેટલાયના તપેલા ચઢી શકે છે. આ સમગ્ર મામલે NSUIના રોહિત રાજપૂતે જિલ્લા શિક્ષણ અધિકારી અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને ફરિયાદ કરતા રાજકીય આલમમાં દોડધામ મચી ગઈ છે. રાજપૂતે જિલ્લા શિક્ષણ અધિકારીને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, જામનગર રોડ પર ન્યારા ખાતે સ્થિતી આર.ડી. ગાર્ડી એજ્યુકેશન કેમ્પસમાં સંચાલકોએ બિલ્ડિંગ ભાડે આપી ‘ધોળકીયા સ્કૂલ’નું બોર્ડ લગાવી ગેરકાયદેસર શાળા શરૂ કરી દીધી છે. ભૂતિયા શાળાનો આક્ષેપ સાથે આ ફરિયાદમાં જણાવાયું છે કે, સરકારી ચોપડે ધોળકીયા બોર્ડિંગ સ્કૂલ અસ્તિત્વમાં જ નથી ત્યાં ગાર્ડી સ્કૂલને મંજૂરી મળે છે. પરંતુ ધોળકીયા સ્કૂલના સ્થળ પર લાગેલા બોર્ડ અને ગાર્ડી એજ્યુકેશન કેમ્પસના વીડિયોમાં આ ધોળકીયા સ્કૂલ હોય તેમ જણાય છે. આમ રાજપૂત દ્વારા વિદ્યાર્થી અને વાલીને ગેરમાર્ગે દોરવા લોભામણી જાહેરાતો કરી છેતરપિંડીનું મોટું કારસ્તાન ચાલાવતા ડૉ. દિનેશ ચોવટીયા અને કૃષ્ણકાંત ધોળકીયા વિરૂધ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં માગણી કરવામાં આવી છે.

- Advertisement -

બેઠો પગાર ખાય છે ડૉ. દિનેશ ચોવટીયા?

સાથે જ રોહિત રાજપૂતે બીજી ફરિયાદ મદદમનીશ નિયામક લાંચ રૂશ્વત વિરોધી ખાતાને કરી છે. જેમાં તેમણે ડૉ. દિનેશ ચોવટીયા નોકરી પર હાજર રહ્યા વગર જ લાખો રૂપિયાનો સરકારી પગાર ઓળવી જતા હોવાનો આરોપ કર્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ડૉ. દિનેશ ચોવટીયા વર્ષ 1992થી જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા ખાતે આવેલી શ્રીમતી સી.આર. ગાર્ડી આર્ટસ એન્ડ કોમર્સ ગ્રાન્ટેડ કોલેજમાં વર્ગ 3ના કર્મચારી તરકે કર્મચારી છે. પરંતુ તેઓ છેલ્લા 15 વર્ષથી આ સંસ્થામાં નોકરી પર હાજર રહ્યા વિના જ સરકારી પગાર મેળવી રહ્યા છે. સાથે જ રાજપૂતે આરોપ કર્યો છે કે વર્ગ 3નો કર્મચારી નોકરી પર હાજર નહીં રહેવા છતાં કરોડો રૂપિયાની મિલ્કત કરેવી રીતે પેદા કરી શકે તે ગંભીર તપાસનો વિષય છે. આમ સરકારી કર્મચારી તરીકે આવક કરતા વધારે સંપત્તી મામલે પણ તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.

ચોવટીયા મંત્રી રાઘવજી પટેલની ખૂબ નજીક

અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. દિનેશ ચોવટીયા ભાજપના મંત્રી રાઘવજી પટેલના નજીકના સગા હોવાનું કહેવાય છે. સાથે જ ડૉ. દિનેશ ચોવટીયા વર્ષ 2017માં રાજકોટની વિધાનસભા બેઠક નંબર 70 પરથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા છે, ઉપરાંત કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે. હાલ તાજેતરમાં જ તેઓ ભાજપનો ખેસ ધારણ કરી સત્તાધારી પક્ષ ભાજપમાં સામેલ થયા હોવાની વિગતો પણ સાંપડી રહી છે. ત્યારે તેમના પર માત્ર કાગળ પર નોકરી કરવી, લાખો રૂપિયાનો પગાર લઈ સરકારી તિજોરીમાં ખાડો પાડવો અને ગેરકાયદેસર મિલકતના આક્ષેપો લાગ્યા છે તો તેની તપાસ થશે કે કેમ તે યક્ષ પ્રશ્ન છે.

ચોવટીયાએ ચૂંટણીમાં કરોડોની સંપત્તિ બતાવી!

મહત્વની વાત છે કે, myneta.inના અહેવાલ અનુસાર ડૉ. દિનેશ ચોવટીયાએ વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણી સમયે રૂપિયા 3,07,54,321ની મિલકત અને 58,42,571.50 રૂપિયાનું કરજ જાહેર કર્યું હતું.

- Advertisement -

જિલ્લા શિક્ષણ અધિકારીએ આપી ચોંકાવનારી માહિતી

આર.ડી. ગાર્ડી એજ્યુકેશન કેમ્પસ, ન્યારા ખાતે ધોળકીયા બોર્ડિંગ સ્કૂલ ચાલતી હોવાના આરોપ મામલે રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) સાથે વાત કરતા તેમણે ચોંકાવનારી માહિતી આપી હતી. DEO એ જણાવ્યું હતું કે, ‘જો કોઈ પણ શાળાના વહિવટમાં ફેરફાર કરવો હોય તો કાયદેસર રીતે ટ્રાન્ફર માટે અરજી કરવી પડે. સરકાર ટ્રાન્સફરની અરીજી પર મંજૂરીની મહોર મારે ત્યારબાદ જ ફેરફાર કરી શકાય. આ મામલે અમે બંને પક્ષને નોટિસ મોકલી ખુલાસો માગ્યો છે. પરંતુ હાલ તો આર.ડી. ગાર્ડી દ્વારા ધોળકીયા સ્કૂલના સ્ટાફની મદદ લેતા હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. તેમજ આ શાળાની મંજૂરી ગાર્ડી સ્કૂલના નામે જ છે જો ત્યાં અન્ય સ્કૂલ ચાલે તો તે ગેરકાયદેસર છે.’

શું કહે છે ડૉ. દિનેશ ચોવટીયા?

આ બાબતે અમે ડૉ. દિનેશ ચોવટીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે,’આર.ડી. ગાર્ડી કેમ્પસમાં ધોળકીયા બોર્ડિંગ સ્કૂલ જ નથી આવેલી, માત્ર અમારે ત્યાં શાળા-કોલેજના અભ્યાસ બાદ કોચિંગ ચલાવીએ છીએ તેમાં ધોળકીયાની મદદ મેળવી રહ્યા છીએ. આમ અમે કોઈને મેનેજમેન્ટ સોંપ્યું જ નથી માટે કોઈ કાયદેસરની પ્રક્રિયા કરવાની થતી જ નથી. ‘ નવજીવનના પત્રકારે જ્યારે સવાલ કર્યો કે તમે ધ્રોલ સ્થિત શ્રીમતિ એસ.એચ. એન્ડ સી.આર. ગાર્ડીમાં ક્યારથી ક્લાર્ક તરીકે નોકરી કરો છો? ત્યારે ચોવટીયાએ વણ પુછ્યો જવાબ આપતા કહ્યું હતું કે ‘મારી જેમ કોલેજનો કર્મચારી હોય તે ચૂંટણી લડી શકે છે. હું વર્ષ 1992થી ધ્રોલ ગ્રાન્ટેડ કોલેજ ખાતે ક્લાર્ક તરીકે નોકરી કરું છું અને રોજ નોકરી કરવા માટે પણ જઉં છું.’

ધોળકીયાનું શું કહેવું છે?

ઉપરાંત અમે ધોળકીયા સ્કૂલનો પક્ષ જાણવા માટે કૃષ્ણકાંત ધોળકીયાનો સંપર્ક કર્યો હતો પરંતુ તેઓ દ્વારા ફોન રિસિવ નહીં કરવામાં આવતા તેમનો પક્ષ જાણી શકાયો નથી. પરંતુ સુત્રો જણાવે છે કે, ધોળકીયા દ્વારા ગોંડલ નજીક બોર્ડિંગ સ્કૂલ બનાવવામાં આવી છે ત્યાં વિદ્યાર્થીઓને આકર્ષવા માટે તેઓ ગાર્ડી એજ્યુકેશન કેમ્પસ ખાતે તેમના શિક્ષકો અને સ્ટાફને મોકલે છે. જે પેટે તેઓ કેટલીક રકમ પણ ગાર્ડી પાસેથી મેળવે છે.

- Advertisement -

તપાસ થાય તો આ ખુલાસા થાય

આમ એન.એસ.યુ.આઈ.ના રાહિત રાજપૂતના ગંભિર આરોપ પર જો તપાસ કરવામાં આવે તો કેટલાક ઘટસ્ફોટ થઈ શકે છે. જેમાં ડૉ. દિનેશ ચોવટીયા ખરેખર નોકરી કરે છે કે બેઠો પગાર મેળવે છે? વર્ગ 3નો કર્મચારી કેવી રીતે પૈસાદાર બની જાય અને નેતા બની જાય? ચોવટીયા ચૂંટણી લડવા માટે કાયદેસર રીતે સક્ષમ ગણાય કે કેમ? ઉપરાંત ધોળકીયા અને ચોવટીયા વચ્ચે શાળા મામલે શું વહિવટ ચાલે છે? આવી વિગતો ઉજાગર થઈ શકે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular