નવજીવન ન્યૂઝ. દાંતા: આજે બનાસકાંઠાના દાંતા તાલુકાના જોધસર પ્રાથમિક શાળાના શિક્ષકનો દારૂ પીધેલી હાલતમાં હોવાના વિડીયો વાયરલ થયો હતો. શાળામાં જ દારૂ પી ગોથા ખાતા શિક્ષક અવાર-નવાર આવું કૃત્ય કરતા હોવાનું લોકોનો આક્ષેપ હતો. ત્યારે હવે વિડીયો વાયરલ થતા સફાળા જાગેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરી હતી.
સમગ્ર ઘટના એવી હતી કે, દાંતાની જોધસર પ્રાથમિક શાળામાં શિક્ષક દારૂ પીધેલી હાલતમાં હોવાનો વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. બાદમાં જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ અને પ્રાથમિક શિક્ષણાધિકારી સફાળા જાગ્યા હતા. મળતી વિગતો મુજબ વાયરલ વિડીયોમાં નજરે પડતા શિક્ષકનું નામ બંબુડીયા જોવનાભાઈ ભુરાભાઈ છે. વિડીયો વાયરલ થયા બાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એ સોંપેલા તપાસના અહેવાલ અને ગ્રામજનોના નિવેદનના આધારે આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરી હતી. તેમણે આદેશ કરતા જોવનાભાઈ બંબુડીયાને તાત્કાલીક ફરજ મોકૂફ કરવા જણાવ્યું હતું. સાથે જ જોવનાભાઈ વિરૂધ્ધ કેફી પદાર્થનું સેવન કરી નૈતિક અધઃપતનનો ગુનો આચર્યા તેમજ સેવા શિસ્ત અને અપીલના નિયમ-1997નો ભંગ કરવા બદલ કાર્યવાહી કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સાથે જ આદેશમાં જણાવાયું છે કે, બંબુડીયા જોવનાભાઈ ભુરાભાઈ મુખ્ય શિક્ષખ જોધસર પ્રાથમિક શાળા, દાંતાને ફરજ મોકૂફ કરી હેડ ક્વાર્ટર ડાભી પ્રાથમિક શાળા, સુઈગામ ખાતે નક્કી કરવામાં આવે છે. સાથે જ શિક્ષક જોવનાભાઈને હેડ ક્વાર્ટર છોડતા પહેલા સબંધિત અધિકારીની પૂર્વ મંજૂરી મેળવવાનો ઉલ્લેખ પણ આ આદેશમાં કરવામાં આવ્યો છે.








