નવજીવન ન્યૂઝ. જેતપુર: ફરીથી કોરોના માથું ઉંચકે તેવી દહેશત દેખાતા રાજ્ય અને કેન્દ્ર સરકારે તંત્રને સાબદું કર્યું છે. ત્યારે જેતપુરની સરકારી હોસ્પિટલમાં કંઈક અલગ જ દૃશ્યો જોવા મળ્યા હતા. જેતપુર સરકારી હોસ્પિટલમાં લાખોના ખર્ચે બનેલો વિશાળ ઓક્સિજન પ્લાન્ટ હાલ ધૂળ ખાતો જોવા મળી રહ્યો છે. જેથી કોરોનાની ભીતી દરમિયાન દર્દીઓની હાલતની ચિંતા વ્યક્ત કરતા નગરજનો તંત્ર પર રોષે ભરાયા છે.
તંત્રની તૈયારીની ચાડી ખાતો પ્લાન્ટ
કોરોનાની બીજી અને ત્રીજી લહેરમાં લોકો હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન માટે વલખા મારી રહ્યાં હતા. ત્યારે સરકારે આગ લાગે ત્યારે કુંવો ખોદે તેમ લાખોના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કર્યા હતા. આ પ્રકારે જેતપુરની સરકારી હોસ્પિટલમાં પણ લાખોના ખર્ચે પ્રતિ મિનિટ 250 લિટર ઓક્સિજન મલે તેવો પ્લાન્ટ બનાવ્યો હતો. પરંતુ આજે તે પ્લાન્ટની સ્થીતી આરોગ્ય તંત્રની તૈયારીની ચાડી ખાઈ રહ્યો છે.

શું કહે છે અધિક્ષક ?
દોઢ વર્ષ પૂર્વે બનાવવામાં આવેલો ઓક્સિજન પ્લાન્ટ હાલ ટેકનિકલ ખામીઓને કારણે બંધ પડ્યો છે. આ પ્લાન્ટને શરૂ કરવા માટે તો ઠીક પણ સાફ સફાઈ માટે પણ તંત્ર નિરસ હોય તેવી સ્થીતી જોવા મળે છે. જેથી લોકોમાં સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારીને કારણે રોષ જોવા મળ્યો હતો. આ બંધ પડેલા પ્લાન્ટ બાબતે અધિક્ષક નિકિતાબેન પડીયાએ મીડીયાને જણાવ્યું હતું કે, નેક વખત ઓક્સિજન પ્લાન્ટના ફ્લોમીટર બદલાવવા છતા પ્લાન્ટ ચાલુ નથી થતો. આ માટે ઉચ્ચકક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે. પણ હાલ સુધી ઓક્સિજન સપ્લાય બેડ સુધી પહોંચી શકી નથી. આ ટેકનિકલ ખામી છે અને તેના વિશે ઉપરી અધિકારીઓને પણ જણાવ્યું છે.’
પરંતુ હવે કોરોના કેસો ફરી આવશે તેવી ભિતી સર્જાઈ છે ત્યારે શોભાના ગાંઠિયા સમાન ઓક્સિજન પ્લાન્ટ ને વહેલી તકે શરૂ કરવો જરૂરી છે તેવી લોક માગણી ઉઠી છે.
(માહિતી: સુરેશ ભાલિયા. જેતપુર)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








