નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના શહેરકોટડા નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થાય તે પહેલા જ એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં નવા બની રહેલા શહેરકોટડા પોલીસ સ્ટેશન (Shaherkotda) ના દરવાજાએ બાળકોનો ભોગ લીધો છે. દરવાજો અચાનક જ સાથે પાસે રમી રહેલા બાળકો પર પટકાતા બાળકોના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. જે ઘટનામાં એક બાળકે ઘટના સ્થળે જ દમ તોડી (Kid Died) દીધો હતો જ્યારે એક બાળક હાલ ગંભીર ઘાયલ હોય સારવાર હેઠળ છે. હાલ આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
કેવી રીતે તૂટી પડ્યો દરવાજો
અમદાવાદ શહેરના કાલુપુર બ્રિજ નજીક એક નવું શહેરકોટડા પોલીસ સ્ટેશન નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે પોલીસ સ્ટેશનનો ઝાંપો અચાનક જ તૂટી નીચે પટકાયો હતો. આ દુર્ઘટના સમયે નજીકમાં રમી રહેલા બાળકો પર દરવાજો પટકાતા બાળકો ગંભીર ઘાયલ થયા હતા. જેમાં એક બાળકના તો ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. જ્યારે બીજા બાળકને ગંભીર ઘાયલ હાલતમાં સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ શહેરકોટડા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી બનાવનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.
સ્થાનીક લોકો રોષે ભરાયા
ઉલ્લેખનીય છે કે, હાલ નવનિર્મિત શહેરકોટડા પોલીસ સ્ટેશન લગભગ તૈયાર છે અને લોકાર્પણની રાહ જોવાઈ રહી છે. ત્યારે આખરી ઓપ અને દરવાજો લગાવવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ આ દરમિયાન જ દરવાજો અચાનક ધરાશાયી થતા નજીકમાં રમી રહેલા બાળકો પર પડ્યો હતો. જેમાં 7 વર્ષનો ફરહાન ઘાંચી ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો જ્યારે 8 વર્ષનો અસદ નિશાર શેખ ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે. આ મામલે બાળકોના પરિવાર અને સ્થાનીક લોકોએ પોલીસ વિભાગ અને કોન્ટ્રાક્ટર સામે રોષ ઠાલવ્યો હતો. દરમિયાન લોકોના ટોળા એકત્રિત થઈ જતા પોલીસ સાથે લોકોની સામાન્ય બોલાચાલીના દૃષ્યો પણ જોવા મળ્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








