નવજીવન ન્યૂઝ. દાહોદઃ ગુજરાતમાં આવેલો દાહોદ (Dahod) જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદને અડીને આવેલો છે. જ્યાંથી અવાર-નવાર ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો (Liquor Smuggling in Gujarat) પ્રયત્ન કરવામાં આવતો હોય છે. ત્યારે દાહોદમાં બુટલેગર (Bootlegger) બેફામ બન્યા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બુટલેગરને કાયદાની કોઈ બીક જ ન હોય તે પ્રકારે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. બુટલેગર અને તેની ટોળકી દ્વારા તીર-કામઠા સહિતના હથિયારો વડે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. જોકે પોલીસે પણ સ્વ બચાવમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર, દાહોદના દેવગઠબારિયા તાલુકામાં સાગટાળા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ નાઈટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે, મધ્યપ્રદેશના બુટલેગર કુતરીયા નાયક, દિલીપ નાયક અને રાજુ તોમર સહિતના બુટલેગરો પોતાની મોટરસાયકલ પર નાડાતોડથી આમલીઝોઝ થઈ કાલીયાકુવા તરફ જવાના રોડ પરથી દારૂનો જથ્થો લઈને પસાર થવાના છે અને એક બાઈક તેમની આગળ રહીને પાયલોટિંગ કરી રહી છે. માહિતીના આધારે સાગટાળા પોલીસની ટીમ કાલીયાકુવા ગામે વોચમાં ગોઠવાઈ ગઈ હતી.
આ દરમિયાન રાત્રીના 1 વાગ્યાની આસપાસ એક બાઈક પર બે લોકો બેસીને આવતા પોલીસે તેમને અટકાવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોઈને બાઈક સવાર પરત પાછા ફરી ગયા હતા. થોડીવાર બાદ 10 જેટલી બાઈક પોલીસ પાસે આવી પહોંચી હતી અને પોલીસ પર પથ્થરમારો કરવા લાગ્યા હતા. સાથે જ બુટલેગર્સે તીર-કામઠા, ધારીયા, લાકડીઓ અને પાઈપો જેવા હથિયારો લઈને પોલીસ પર હુમલો કરી દીધો હતો. બુટલેગર અને તેમની ટોળકીઓ બુમો પાડીને કહેતા હતા કે, આજે તો પોલીસને જીવતી જવા દેવાની નથી, ગમે તે થાય દારૂ તો લઈને જઈશું કહીને પોલીસની વાન પર પથ્થરમારો કરીને તીર ચલાવ્યા હતા. જોકે મામલો બીચકતા પોલીસે સ્વ બચાવ માટે એક રાઉન્ડ ફાયરિંગ કરીને બુટલેગરને સરેન્ડર કરવા જણાવ્યું હતું, તેમ છતાં બુટલેગર્સ દ્વારા હુમલો કરવામાં આવતા પોલીસ દ્વારા બીજા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બુટલેગર્સે રાત્રીના અંધારાનો લાભ લઈને પોલીસના વાહને આગ ચાંપી હતી અને ફરાર થઈ ગયા હતા.
દાહોદમાં બુટલેગર્સ દ્વારા પોલીસ ઉપર જીવલેણ હુમલો થતાં જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોઇને પોલીસે અલગ-અલગ ટીમ બનાવી બુટલગર્સને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર ઘટનાને પગલે પંચમહાલ રેન્જ આઈ. જી. મયુર કોરડીયા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સમગ્ર મામલે બુટલેગર્સ વિરુદ્ધ IPC 307, 353, 186, 427, 435, 440, 143, 144, 147, 148, 149 સહિતની અન્ય કલમ અંતર્ગત ફરિયાદ સાગટાળા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








