પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): સામાન્ય માણસ પોતાની મહેતનની એક એક પાઈ બેન્કમાં જમા કરાવે ત્યારે માને છે કે તેના નાણા સલામત છે, પરંતુ સાયબર ફ્રોડના યુગમાં ગુનેગાર એટલો ચાલાક થઈ ગયો છે કે, બેન્કના ગ્રાહકને ઓટીપી મોકલ્યા વગર તેમના ખાતામાંથી નાણા કાઢી લે છે. આવી જ ઘટના અમદાવાદના સ્ટેડિયમ રોડ ઉપર આવેલી કોટક મહિન્દ્રા બેન્કના ખાતેદારો સાથે ઘટી છે. રવિવારની સાંજે અચાનક બેન્કના ખાતેદારોને મેસેજ આવવા લાગ્યો કે તેમના ખાતામાંથી મુંબઈના એટીએમમાંથી રોકડ ઉપાડવામાં આવી છે. આ મામલે વિવિધ ગ્રાહકોએ નેશનલ સાયબર સેલમાં ફરિયાદ આપી છે. જ્યારે કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા પોતાની ક્રાઈમ પ્રીવેન્શન ટીમને એલર્ટ કરી છે.
નવરંગપુરામાં રહેતા હિમાંશુ પંચાલ નામના ગ્રાહકને રવિવારે સાંજે બેન્ક તરફથી મેસેજ મળ્યો કે તેમનું કોટક મહિન્દ્રા બેન્કના ખાતામાં અલગ અલગ રકમ ઉપાડવામાં આવી છે, મુંબઈના ગોરેગાંવના એટીએમમાંથી થોડીક મિનિટમાં અંતરે 32 હજાર ઉપાડી લેવામાં આવ્યા હતા, હિમાંશુ પંચાલને ધ્રાસકો પડયો કે પોતાનું એટીમ ડેબીટ કાર્ડ તો પોતાની પાસે છે, તો કઈરીતે તેમના ખાતામાંથી મુંબઈથી પૈસા ઉપડ્યા છે? કોણે ઉપાડ્યા હશે? તેમણે તરત બેન્કને જાણ કરી પોતાનું કાર્ડ બ્લોક કરાવ્યું અને નેશનલ સાયબર સેલમાં ફોન કરી જાણ કરતા તેમની ફરિયાદ નોંધી નવરંગપુરા પોલીસને મોકલી આપવામાં આવી હતી.
સોમવારે જ્યારે હિમાંશુ પંચાલ સ્ટેડિયમ રોડ ઉપર આવેલી કોટક મહિન્દ્રા બેન્કની બ્રાન્ચમાં પહોંચ્યા ત્યારે તેમના જેવા ભોગ બનેલા અડધો ડઝન કરતા વધુ ગ્રાહકો ઊભા હતા. તેમના બેન્ક એકાઉન્ટમાંથી પણ આ પ્રકારે મુંબઈના એટીએમમાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા. આ મામલે તેમણે બેન્ક મેનેજરને રજૂઆત કરી સંબંધીત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી હતી. ભોગ બનેલા કોટક મહિન્દ્રા બેન્કના ખાતેદારો એક સરખી મોડેસ ઓપરેન્ડીથી ભોગ બન્યા છે. ગ્રાહકો સાથે થયેલી વાતચીત પ્રમાણે સ્ટેડીયમ બ્રાન્ચની બહાર આવેલા કોટક મહિન્દ્રા બેન્કના એટીએમમાં જે ગ્રાહકે તા 8-9 જુના રોજ વ્યવહાર કર્યો તેમની સાથે આ છેતરપીંડી થઈ છે તેથી એવી આશંકા છે કે કોટક મહિન્દ્રા બેન્કના એટીએમમાં જ કોઈ ગેંગ દ્વારા એવી વ્યવસ્થા ગોઠવી કે એટીએમનો ઉપયોગ કરનારના કાર્ડ કલોન થાય અને પાસવર્ડ પણ તેમની પાસે આવી જાય, જો કે ખરી હકિકત ત્યારે જ બહાર આવશે જયારે સાયબર સેલ આરોપીઓ સુધી પહોંચે.
અત્રે ઉલ્લેખનિય છે કે એક મહિલા માસીક ત્રીસ હજારની નોકરી કરે છે, તેનો પગાર જમા થયો તેની સાથે જ મહિલાના ખાતામાંથી ત્રીસ હજાર રૂપિયા મુંબઈથી ઉપડી ગયા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











