ટ્રેડરોનું માનવું છે કે સપ્લાયમાં હાલ કોઈ ખાંચરો પાડવાની સંભાવના નથી
વધતાં ક્રૂડ ઓઇલ ભાવ કરન્સી બજારમાં રૂપિયા પર વધુ નીચે જવાનું દબાણ સર્જાશે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ):ઈઝરાયેલ હમાસ વચ્ચેના યુદ્ધે ક્રૂડ ઓઇલને (Crude Oil) નવી ઊંચાઈએ પહોંચાડી દીધું છે, આને લીધે સમગ્ર કોમોડિટી બજારમાં ચિંતાની લાગણી પ્રસરી છે. શુક્રવારે એકજ દિવસમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ડિસેમ્બર વાયદો ૫.૭ ટકા વધીને ૯૦.૮૯ ડોલર પ્રતિ બેરલની ઊંચાઈએ પહોંચી, સોમવારે ૯૧.૦૮ ડોલર થઈ ૯૧ ડોલર મુકાયો હતો. વેસ્ટ ટેક્સાસ ઇન્ટર મીડિયેટ (ડબલ્યુટીઆઈ) વાયદો પણ ૫.૯ ટકા ઝંપ કરી ૮૭.૬૯ ડોલર મુકાયો હતો. સપ્ટેમ્બર સુધીમાં પૂરા થયેલા ત્રિમાસિકમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ૩૦ ટકાનો ઉછાળો આવ્યો છે આવી ઘટના બે દાયકામાં પહેલી વખત બની છે. ભાવ ૧૦૦ ડોલર નજીક સરકી રહ્યા છે એ જોતાં વર્તમાન ત્રિકાસિકમાં શું થશે, તે અત્યારે કહેવું મુશ્કેલ છે.
સાક્ષો બેન્કના કોમોડિટી સ્ટ્રેટેજિસ્ટ ઓલે હેન્સન કહે છે કે ભાવમાં કોઈ સ્થિરતા આવે તે પહેલા પરિસ્થિતિ વધુ ખરાબ થવાની અને ભાવને સરળતાથી કોઈ છાપરું મળવાનું નથી. ઈઝરાયેલએ ૧૦ લાખ લોકોને ગાઝા છોડી દેવાનો આદેશ કર્યો છે, ત્યારે કોઈના મગજમાં મંદીના સોદા કાંડારવાનું કે પકડી રાખવાનું ગોઠતું નથી. મહાયુધ્ધ થવાની દંડૂભી વાગવા લાગી છે. ગત સપ્તાહે ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે, પણ ટ્રેડરોનું માનવું છે કે સપ્લાયમાં હાલ કોઈ ખાંચરો પાડવાની સંભાવના નથી.
સપ્ટેમ્બર અંતમાં સાઉદી અરેબિયા અને રશિયાએ ૨૦૨૩ના વર્ષાયન્ટ સુધી ઉત્પાદન કાપની જાહેરાત કરી ત્યાર પછી ભાવ ૯૭ ડોલરની ઊંચાઈએ ગયા હતા, પણ હાલ તેનાથી ઘણા નીચા છે. પણ ગુરુવારે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (ઈએઆઈ) કહ્યું હતું કે આખા જગતના સીબોર્ન વેપાર પર કબજો ધરાવતા અને ૩૩ ટકા ક્રૂડ ઓઇલ પૂરું પાડતા, મિડલ ઇસ્ટમાં યુદ્ધનો પ્રસાર વધવાની શક્યતા જોતાં, જ્યાં સુધી વર્તમાન કટોકટી પૂરી નહીં થાય ત્યાં સુધી ભાવ આ જ પ્રકારે વધતાં રહેશે.
અલબત્ત, જુદો સૂર આલાપતા જેપીમોર્ગનના એનાલિસ્ટ કહે છે કે ઈઝરાયેલ યુધ્ધથી ઉત્પાદનને કોઈ માઠી અસર થવાની નહીં હોવાથી, અહીથી વર્ષાન્ત સુધીમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટી તેજી જોવા મળે તેવી કોઈ સંભાવના નથી. હા એ જરૂર કહી શકાય કે બધાનું ધ્યાન અત્યારે ઈરાન ઉપર કેન્દ્રિત થયું છે. ઇરાનના વિદેશ પ્રધાન હુસેન અમીરઅબ્દુલ્લાહીન એ ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે જો ઇઝરાયેલ ગાઝા પર મોટાપાયે હુમલાઓ કરવાનું ચાલુ રાખશે તો શક્ય છે કે લેબેનોન સ્થિત ઈરાન સમર્થક હિઝબુલ્લા જેવા અન્ય ત્રાસવાદી જૂથોને આ યુધ્ધમાં કૂદી પડતાં વાર નહીં લાગે.
દરમિયાન મધ્ય પૂર્વના દેશોમાંથી ક્યાંય પણ યુધ્ધની સ્થિતિ સર્જાય તો પુરવઠા સલામતી જોખમમાં મુકાય તેમ છે, જો ઈરાન જેવા ઉત્પાદક દેશને આ યુધ્ધમાં પ્રવેશવાની ફરજ પડે તો તેની ખૂબ ઊંડા પ્રત્યાઘાત જાગતિક ઓઇલ બજારમાં પાડવાની સંભાવના વધી જશે. આવા પ્રત્યાઘાત હકારાત્મક નહીં જ હોય. જો યુદ્ધ વધુ પ્રદેશમાં પ્રસારિત થાય તો ભાવને ૧૦૦ ડોલરની ઉપર મોકલી દેતા વાર નહિ લાગે.
આંતરરાષ્ટ્રીય બજારમાં વધતાં ભાવ, આ જ પ્રકારે ઓકટોબર ડિસેમ્બર ત્રિમાસિકમાં પણ વધતાં રહેશે તો, ભારતમાં ચાલુ ખાતાની ખાધ (કરંટ એકાઉન્ટ ડેફિસિટ) ખૂબ વધી શકે છે, જે કરન્સી બજારમાં રૂપિયા પર વધુ નીચે જવાનું દબાણ સર્જાશે. ઈઝરાયેલ હમાસ યુદ્ધએ ક્રૂડ ઓઇલના ભાવમાં નવી અનિશ્ચિતતા સર્જી છે, પરિણામે વૈશ્વિક અર્થતંત્રોની વિકાસ યાત્રા પાટેથી ઉતરી જવાનો ભય છે. ભારત તેની કૂલ આવશ્યક્તાના ૮૫ ટકા આયાત કરે છે, આથી જાગતિક બજારમાં કોઈ પણ ભાવ વધારો થાય, તેનાથી ભારતનું આયાત બિલ આપોઆપ વધવાનું. નબળો રૂપિયો પણ આયાત બિલમાં વધારો કરે છે કારણ કે ડોલર ખરીદવા વધુ રૂપિયા આપવા પડતાં હોય છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








