ભાવ 70 સેન્ટ આસપાસ પહોંચશે કે તુરંત વૈશ્વિક રૂ ખેડૂતો હેજિંગ વેચાણ કરવા બજારમાં દોડી આવશે
ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ આયાત 158 ટકા વિક્રમ વધીને 31 લાખ ગાંસડી થઇ
ઈબ્રાહીમ પટેલ : મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) :આઈસીઈ (ઇન્ટર કોન્ટિનેન્ટલ એક્સચેન્જ) ન્યુયોર્ક રોકડો માર્ચ રૂ વાયદો, જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી 64.65 સેન્ટ પ્રતિ પાઉન્ડ (454 ગ્રામ) આસપાસ સાંકડી વધઘટે અથડાતો રહ્યો છે, આ સૂચવે છે કે વાયદા અને ઓપશનમાં મેનેજ્ડ મની મેનેજરો તેમનો મંદીનો પથારો વધારી રહયા છે. 65 સેન્ટનું ભાવ લેવલ દાખવે છે કે ભાવ ખુબજ નીચા છે. ભાવ 70 સેન્ટ આસપાસ પહોંચશે કે તુરંત વૈશ્વિક રૂ ખેડૂતો હેજિંગ (સલામત) વેચાણ કરવા બજારમાં દોડી આવશે. અલબત્ત, બજારના ફંડામેન્ટલ્સ કહે છે કે આ લેવલે પહોંચવું એક મુશ્કેલ પડકાર છે. 70 સેન્ટનો ભાવ આવશે તો પણ બ્રાઝિલના ખેડૂતોને પાંચથી 7 સેન્ટ પ્રતિ પાઉન્ડનો મામૂલી નફાકારક બ્રેકઇવન ((ઉત્પાદન ખર્ચા સરભર થવા) ગણાશે.
અમેરિકન સંસ્થા વર્લ્ડ એગ્રિકલચરલ સપ્લાય એન્ડ ડિમાન્ડ એસ્ટીમેટ (વાસડે)એ જાગતિક રૂ ઉત્પાદનનો 2025-26નો સંગઠિત અહેવાલ રજુ કરતા કહ્યું કે, જાગતિક અનુમાન, અગાઉના અંદાજ કરતા સહેજ વધીને 1194.3 લાખ ગાંસડી (પ્રત્યેક 218 કિલો) આવશે. આ અનુમાનમાં એવો સંકેત આપવામાં આવ્યો હતો કે જગતના કેટલાંક વિસ્તારમાં ઉત્પાદકતા (યીલ્ડ) વૃદ્ધિ થવા સાથે માંગ વધારો પણ થશે. આ અહેવાલમાં કહેવાયું હતું કે આને લીધે સ્ટોક ટુ યુસેજ રેશિયો બદલાશે, જે યાર્ન અને કપડાના ભાવોમાં બદલાવ લાવશે, પરિણામે કાપડ ઉદ્યોગની મુશ્કેલી વધશે.
જગતમાં બીજા નંબરના સૌથી મોટા રૂ ઉત્પાદક દેશ ભારતમાં પાકમાં પોલ વધી હોવાથી, ભાવને ટેકો સાંપડે તેમ છે. અલબત્ત, વધુ પડતી આયાતને લીધે ભારતમાં ભાવ દબાણમાં આવી શકે છે. અમેરિકન નિકાસ વેચાણના ડૅટા કહે છે કે રૂ નિકાસ સોદા સ્વીકૃતિ, ગતવર્ષની તુલનાએ 14 ટકા ઘટીને 69.37 લાખ ગાંસડી થઈ છે. અમેરિકાની ધારણા કરતા આ સોદા 60 ટકા ઓછા છે, અને જો સરેરાશ વેચાણના આંકડા જોઈએ તો તે 79 ટકા ઓછા છે.
કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (સીએઆઈ)નો તાજો અંદાજ કહે છે કે તેલંગણા અને મહારષ્ટ્રમાં જેવા પશ્ચિમી રાજ્યોમાં ઉપજ ઉતારા વધતા 2025-26નું ઉત્પાદન અગાઉના અનુમાન 309.5 લાખ ગાંસડી (પ્રત્યેક 170 કિલો)થી વધીને 317 લાખ ગાંસડી આવશે. ભાયતીય કાપડ અને વસ્ત્રોની વિદેશી માંગ ઘટી હોઈ વપરાશ 2.9 ટકા ઘટીને 305 લાખ ગાંસડી અંદાજાયો છે. 29 ટકા ભારતીય કપડાનો આયાતકાર અમેરિકા, વાર્ષિક 38 અબજ ડોલરનું કાપડ ખરીદે છે. પણ ઓગસ્ટથી અમેરિકાએ આયાત જકાત બમણી કરીને 50 ટકા કરી નાખી છે.
સીઆઈએ કહે છે કે ભારત સરકારે ઓગસ્ટ 2025માં રૂ આયાત જકાત, 11 ટકા સામે શૂન્ય કરી નાખત વર્ષાનું વર્ષ આયાત ડિસેમ્બર ત્રિમાસિકમાં 158 ટકા વિક્રમ વધીને 31 લાખ ગાંસડી થઇ હતી. એસોસિયેશનનો અંદાજ છે કે 1 ઓક્ટોબરથી શરુ થયેલી વર્તમાન રૂ મોસમમાં આયાત 22 ટકા વધીને વિક્રમ 50 લાખ ગાંસડીએ પહોંચશે. ગતવર્ષે બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાથી 41 લાખ ગાંસડી વિક્રમ આયાત થઇ હતી.
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઈ)એ 19 જાન્યુઆરીથી 2025-26ની મોસમની રૂ પ્રાપ્તિ શરુ કરી દીધી છે. વેપારી અનુમાન મુજબ સીસીઆઇએ અત્યાર સુધીમાં 80 લાખ ગાંસડી રૂ પ્રાપ્તિ કરી લીધી છે, અને જુદાજુદા રાજ્યોમાં આ પ્રક્રિયા હજુ ચાલુ છે. ભારત સરકાર દ્વારા 31 ડિસેમ્બરથી આયાત જકાત રાહત પાછી ખેંચાઈ જવા સાથે, કપાસિયાના ભાવ વધતા અને સરકારી ખરીદી વધતા સ્થાનિક બજારોમાં રૂના ભાવને ટેકાના ભાવથી ઉપર જવા જગ્યા મળી છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








