Wednesday, July 8, 2026
HomeGujaratGandhinagarગાંધીનગરની જ્ઞાન લાઇવ એકેડમીના સંચાલક સામે ગંભીર આક્ષેપ, વિદ્યાર્થીએ 3 લાખ મહેનતાણું...

ગાંધીનગરની જ્ઞાન લાઇવ એકેડમીના સંચાલક સામે ગંભીર આક્ષેપ, વિદ્યાર્થીએ 3 લાખ મહેનતાણું માંગતા ધમકીનો આરોપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગાંધીનગર સહિત ગુજરાતભરમાં શિક્ષણ ક્ષેત્રે જાણીતી ઓનલાઇન એકેડમી જ્ઞાન લાઇવના સંચાલક ચેતન પટેલ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. એકેડમીમાં ફ્રીલાન્સ તરીકે કામ કરતા એક વિદ્યાર્થીએ પોતાના બાકી મહેનતાણાના રૂ. 3.05 લાખની માંગણી કરતા સંચાલકે જાહેરમાં અપમાનિત કરી રૂમમાં પૂરીને માર મારવાની ધમકી આપ્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલે ઇન્ફોસિટી પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામના રહેવાસી અને હાલમાં ગાંધીનગરના સેક્ટર-4 વિસ્તારમાં રહેતા મુકેશ પાલાભાઈ મકવાણા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સાથે વિવિધ સંસ્થાઓ માટે ટેસ્ટ પેપર અને પુસ્તકો તૈયાર કરીને ગુજરાન ચલાવે છે. આશરે એક વર્ષ પહેલા તેઓ કુડાસણ સ્થિત જ્ઞાન લાઇવ એકેડમી સાથે જોડાયા હતા.

- Advertisement -

જ્યાં તેમણે પોલીસ ભરતી અને GPSC પરીક્ષાઓ માટે ટેસ્ટ પેપર તૈયાર કરવાનું કામ શરૂ કર્યું હતું. ફરિયાદ મુજબ, કામ દરમિયાન સંસ્થા તરફથી વારંવાર અપમાનજનક વર્તન કરવામાં આવતું હોવાથી તેમણે આશરે આઠ મહિના બાદ કામ છોડી દીધું હતું. તે સમય સુધી તેમનું કુલ રૂ. 3.50 લાખ જેટલું મહેનતાણું બાકી હતું. જેમાંથી સંસ્થા દ્વારા માત્ર રૂ. 45,000 ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના રૂ. 3.05 લાખ માટે વારંવાર માંગણી કરવા છતાં સંચાલકો ચેતન પટેલ અને તરલ પટેલ માત્ર મુદ્દતો આપીને સમય પસાર કરતા હોવાનો આરોપ છે.

ફરિયાદ મુજબ, ગત 2 માર્ચના રોજ મુકેશ મકવાણા બાકી રકમ અંગે વાત કરવા માટે સંસ્થાની ઓફિસે પહોંચ્યા હતા. તે સમયે ચેતન પટેલે તેમને જોઈને ગુસ્સે થઈ ‘તું મને મેસેજ કેમ કર્યા કરે છે’ કહી બોલાચાલી શરૂ કરી હતી. આરોપ છે કે સંચાલકે જાહેરમાં ઉંચા અવાજે બોલીને તેમનું અપમાન કર્યું હતું.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ચેતન પટેલે મુકેશનો હાથ પકડીને બળજબરીથી લિફ્ટ તરફ ખેંચ્યા હતા અને ‘ઓફિસમાં ચાલ, તને પૈસા ચૂકવી આપું છું’ કહી રૂમમાં પૂરી દેવાની તેમજ માર મારવાની ધમકી આપી હતી. આ ઘટનાથી ગભરાઈ ગયેલા મુકેશે પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો.

- Advertisement -

આ મામલે ઇન્ફોસિટી પોલીસે ચેતન પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. નાયબ પોલીસ અધિક્ષક ડી.ટી. ગોહિલ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ જાણીતી ઓનલાઇન એકેડમીના સંચાલનની કાર્યપદ્ધતિ અંગે પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular