ઉર્વીશ પટેલ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ):છેલ્લા ઘણા વર્ષોથી સરકારી નોકરી દરમિયાન પોતાને પડેલી મુશ્કેલીઓ સામે સતત લડીને ભ્રષ્ટાચારના ઠેકેદારોને પાણી ભરતા કરી દેનાર પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવને આખરે કશું ન ચાલ્યું તો નોકરીમાંથી મુક્ત કરી દેવાયા હતા. હાઈકોર્ટમાં પણ તેઓ આ સામે લડ્યા અને આખરે કોર્ટ પરનો લોકોનો વિશ્વાસ મજબૂત થયો જેમાં ચિંતન વૈષ્ણવને ફરી નોકરી પર લેવાની હવે સરકારને ફરજ પડશે. આ ચુકાદા પછી ચિંતન વૈષ્ણવે કેટલીક વાત વીડિયો મારફતે કરી છે.
ચિંતન વૈષ્ણવે વીડિયોમાં કહ્યું કે, ચિંતન વૈષ્ણવ Vs ગુજરાત સ્ટેટ, માર્ચ 2019થી લડાઈ ચાલુ હતી, મામલતદાર તરીકે મને કારણ વગર પદ પરથી ઉતારી દેવામાં આવ્યો હતો અને હમણા જ 4 એપ્રીલ 2022એ હાઈકોર્ટે મારી તરફે ચુકાદો આપ્યો હતો. આ ચુકાદો એ માત્ર મારો જ નથી, જીત મારી પોતાની અંગત જીત નથી. આ ચુકાદા ઉપર કેટલાય નવી ભરતીના યુવાન મહેસુલી કર્મચારીઓ સહિત અન્ય સરકારી કર્મચારીઓના મોરલ ઉપર ચુકાદો આવ્યો છે. આ જીત પછી મને 1500થી વધુ અભિનંદન મળ્યા છે. મેં સોશિયલ મીડિયા થકી મારા શુભેચ્છકોને જાણ કરી હતી જેમાં પણ ઘણી શુભેચ્છાઓ મળી જેને જોઈ પણ શક્યો નથી, પણ કેટલાક મેસેજ કેટલીક કોમેન્ટ્સ પર મારી નજર પડી. ખરેખર ઘણા કર્મચારીઓમાં મેં જોયું ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. સરકારમાં કામ કરતાં ઘણા કર્મચારીઓ છે જેમને સારું કામ કરવું છે પણ ડગલેને પગલે તેમને મુશકેલીઓનો સામનો કરવો પડે છે.
તેમણે કહ્યું કે, 32 પાનાનો આ ચુકાદો દરેકે પોતાની પાસે એક પીડીએફ તરીકે સેવ રાખવા જેવો છે. પ્રોબેશન પીરિયડમાં જો 2 વર્ષનો હોય તો મારી ઉપર કોઈ ફરિયાદ હોય તો વધુમાં વધુ બે વર્ષ સુધી આ અજમાયશી પીરિયડ સરકાર વધારી શકે અને તેમાં પણ સરકારે કારણો આપવા પડે. મને એવા કેટલાક અધિકારીઓનો પનારો પડ્યો હતો જેમણે નાનકડી બાબતને મોટું સ્વરૂપ આપ્યું હતું. તેમ છત્તાં કોઈને તક મળી ગઈ અને મારો પ્રોબેશન પીરિયડ કોઈપણ કાગળ કે કારણ વગર પેપર પર વધાર્યો નહીં, લેખિત ઓર્ડર આપ્યો નહીં, ન કાયમી નિમણૂંકનો ઓર્ડર આપ્યો. મને પ્રમોશન પણ બંધ કવર કર્યું, મારી બેચના બધાને મળ્યું પરંતુ મને મળ્યું નહીં. આવા ઘણા કારણોથી મને પ્રમોશન મળ્યું નહીં અને 2019ના માર્ચ મહિનામાં મને નોકરીમાંથી કાઢી મુકાયો, મારી પર કોઈ ખાતાકીય તપાસ નહીં, કોઈ ચાર્જશીટ નહીં, અને નબળી કામગીરી છે મારી અને વર્તણૂંક સારી નથી તેવું બોગસ કારણ આપી મને ફરજમાંથી મુક્ત કરી દેવાયો આ આખી ઘટના હતી, વિગતે મારા વિશે જાણવું હોય કે મારી આઠ વર્ષની કામગીરી મામલતદાર તરીકેની, જે સત્તા હતી તેથી મેં ખુબ ખુબ લોકોના કામો કર્યા હતા.
મારા જેવા માથા ફરેલા કેટલાક એવા અધિકારીઓ પણ હોય છે જે સમાજમાં બદલાવ, વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા, પૈસા નહીં પણ આત્મસંતોષ મેળવવા કોલેજ કાળથી અભ્યાસ કરતાં હોય છે તેવા અધિકારીઓને પીઠબળ પુરું પાડવું જોઈએ, આવા મહેસૂલ વિભાગમાં કેટલાક અધિકારીઓ હતા જેમને આવી કામગારી પસંદ ન્હોતી જેમના હું નામ લેવા માગતો નથી. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે હું અગાઉ કરેલી કામગીરી કરતાં પણ વિશેષ આગામી સમયમાં મળેલી તક વખતે કરીશ, તેમણે હાલ જેવા છે તેવા જ રહેશે તેવી સ્પષ્ટતા પણ કરી છે. કોર્ટના હુકમ આધારે હવે ત્રણ વર્ષનો પગાર સરકારે ચુકવવો પડશે, તે લાખો રૂપિયામાં છે, મારા હકનો રૂપિયો છે અને તે હું લઈને રહીશ પરંતુ શું આ સરકારની તિજોરીને નુકસાન નથી? કે કોઈ અધિકારીને કામ કરાવ્યા વગર પૈસો ચુકવવો પડે. વગર વિચાર્યે પોતાનો ઈગો પોષવા મને કાઢી નાખનાર એ એધિકારીની કામગીરી નબળી કહેવાય કે મારી? આવો અહીં વીડિયોમાં તેમના શબ્દોમાં જ સાંભળીએ તેમણે શું કહ્યું.








