નવજીવન ન્યૂઝ, વડોદરા : વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનના ઉપરના ભાગનું સ્ટ્રક્ચર ધરાશાયી (Vadodara Central Bus Station Accident) થઈ જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. જ્યારે એક ઘાયલ થયો છે. 114 કરોડના ખર્ચે બનેલા આ બસ સ્ટેશનનું તત્કાલીન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ઉદ્ઘાટન કર્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે આ દુર્ઘટના બનતા રાજ્યભરમાં આ ઘટના ચર્ચાનો મુદ્દો બન્યો છે. ઉલ્લેખનીય છે કે એક બાજુ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારોના આજે નામોની જાહેરાત થઈ રહી હતી અને ક્યાંક ખુશી ગમનો માહોલ હતો ત્યાં આવી ઘટના બની છે.

વડોદરા શહેર (Vadodara City) ના મુખ્ય બસ સ્ટેશન ખાતે દૈનિક 2200 બસની આવ-જા રહે છે. જ્યારે 70 હજારથી વધુ મુસાફરો બસમાં પ્રવાસ કરે છે. બસ સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર માટે બનાવવામાં આવેલા બિલ્ડિંગની દિવાલને પીઓપી જેવા મટિરીયલ દ્વારા ડેકોરેટિવ કરાયું હતું. આજે તેનો ઉપરનો ભાગ અચાનક પડી જતાં અમદાવાદના ચાંદખેડામાં રહેતા નરસિંહભાઈ ગોવિંદભાઈ દવેને ગંભીર ઈજા થતાં તેમનુ સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવી છે.
આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ પર તિખા શબ્દોનો પ્રહાર પણ કરવામાં આવ્યો હતો.
એસટી બસોની અવર-જવરથી ધમધમતા મુખ્ય બસ સ્ટેશન (Main Bus Station) માં અકસ્માત સર્જાતા વિસ્તારને કાર્ડન કરી દેવાયો હતો. GSRTC ને આ મામલાની જાણ કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસે બસોના ડાયવર્ઝન આપવાના તેમજ કેટલાંક સમય માટે સ્ટેશન બંધ કરી દેવાતા જનમહેલ પાછળનો રસ્તો ખુલ્લો કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક પોલીસે FSL ની મદદથી સેમ્પલ મેળવ્યા છે. આ સ્થળને સેનિટાઇઝ કરી સેમ્પલિંગ થઈ ગયા બાદ ફાયર બ્રિગેડ અને અન્ય એજન્સીની મદદથી કાટમાળ ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસે હાલ અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.








