કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અઢાર વર્ષના રમેશબાબુ પ્રાગનાનંદાનું (Rameshbabu Praggnanandhaa) નામ અત્યારે દેશભરમાં ગાજી રહ્યું છે. વડા પ્રધાન પણ હાલમાં આ યુવાનને મળ્યા હતા અને તેની સાથે ગોષ્ઠિ કરી હતી. દેશભરમાંથી પ્રાગનાનંદા પર ચેસની રમતના કારણે અઢળક પ્રેમ વરસી રહ્યો છે. આમ તો દસ વર્ષથી પ્રાગનાનંદાએ ચેસની દુનિયામાં પોતાનું નામ સ્થાપિત કરી દીધું હતું, પંરતુ હાલમાં થયેલા ચેસ વર્લ્ડ કપમાં તે ફાઈનલ સુધી પહોંચ્યો અને નોર્વેના માગ્નુસ કાર્લસેન સામે તેનો પરાજય થયો. માગ્નુસ પાંચ-પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યો છે અને તેના નામે ચેસના અનેક ખ્યાતનામ ટાઇટલ છે. જોકે પ્રાગનાનંદાએ જે રીતે લડત આપી તે કાબિલેદાદ હતી. ભારતમાંથી પ્રાગનાનંદાની જેમ અનેક ચેમ્પિયન ચેસ પ્લેયર આવ્યા છે અને તેમાં સૌથી જાણીતું નામ વિશ્વનાથ આનંદનું (Viswanathan Anand) છે. હજુ પણ ચેસમાં ભારતનું નામ બુલંદી પર રહેવાનું છે અને તેનું કારણ છે ચેન્નઇમાં આવેલી ચેસની ક્લબો. અહીંયાથી સમયાંતરે આવી રહેલાં ગ્રાન્ડ માસ્ટરોથી (Indian chess grandmaster) ચેન્નઈની આ ક્લબો ‘ચેસ ફેક્ટરી’ના નામથી પણ ઓળખાય છે.
ચેસ દુનિયાભરમાં જાણીતી છે અને તે માઇન્ડ સ્પોર્ટ્સ છે. ઓછી ખર્ચાળ અને ટેબલ પર રમાતી આ રમત બે વ્યક્તિઓ રમે છે. જોકે તેમ છતાં તેને રમનારાં ઓછાં છે અને વ્યાવસાયિક રીતે ચેસને રમવી તો તે મોટો પડકાર છે. પ્રોફેશનલી રમવા માટે અનેક લોકો તેમાં લાખો ઇન્વેસ્ટ કરે છે. કોચિંગ કરે છે, ટુર્નામેન્ટની ફી ભરે છે અને સાથે સાથે પ્રવાસનો ખર્ચો પણ ઉપાડે છે. પરંતુ ચેસ માટે આટલી બધા પડકાર ઝીલવાનું પણ આપણા દેશમાં સર્વત્ર જોવા મળતું નથી. દક્ષિણ ભારતમાં ચેસનો ક્રેઝ વધુ છે અને તેમાં પણ તમિલનાડુમાં ચેસ પ્રત્યેનો પ્રેમ વધુ જોવા મળે છે અને એટલે જ અહીંયા 50 જેટલાં ટ્રેનિંગ સેન્ટર છે.
ભારતમાં ચેસનું નામ આવે ત્યારે અચૂક વિશ્વનાથ આનંદનું નામ લેવાય છે, કારણ કે તેઓ પાંચ વાર વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂક્યા છે અને ભારતના પ્રથમ ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ પણ વિશ્વનાથ આનંદને જ મળ્યો છે. જોકે તે અગાઉ પણ આંતરરાષ્ટ્રિય સ્તરે બે ભારતીયોએ ચેસમાં દેશનું નામ રોશન કર્યું હતું. એક હતા મુંબઈના રામચંદ્ર સપ્રે. 1955માં તેઓ પ્રથમ નેશનલ ચેમ્પિયન બન્યા હતા. જોકે આજે તેમના નામે જૂજ માહિતી ઉપલબ્ધ છે. બીજું નામ હતું મેન્યુઅલ એરોન. તેઓ પ્રથમ ઇન્ટરનેશનલ માસ્ટર કહેવાયા. ચેસની રમતમાં દેશમાં 1960થી લઈને 1980 સુધી એરોનનો દબદબો રહ્યો. એરોનનો જન્મ બર્મામાં થયો હતો, પરંતુ તેમનો ઉછેર તમિલનાડુમાં થયો અને અહીંયાના ચેસના માહોલથી તેઓ ઘડાયાં. તે પછી ભારતમાંથી જે નામ આવ્યું તેનો ડંકો દુનિયાભરમાં વાગ્યો અને તેમનું નામ વિશ્વનાથ આનંદ છે. વિશ્વનાથ આનંદ મૂળે તમિલનાડુના અને કિશોર વયે તેઓ ચેન્નઈમાં જ રહ્યા.
મુંબઈમાં સુનિલ ગાવાસ્કર અને સચિન તેન્ડુલકરના કારણે વર્ષો સુધી ભારતીય ક્રિકેટ ટીમમાં મુંબઈથી બેટ્સમેન આવતાં રહ્યા. આજે પણ રોહિત શર્મા અને અંજિક્ય રાહણે મુંબઈથી જ છે. મુંબઈમાં એ પ્રકારની જ ટ્રેનિંગ આપવામાં આવતી કે ત્યાંથી દિગ્ગજ બેટ્સમેન આવે. પુલેલા ગોપિચંદના કારણે બેડમિન્ટન માટે હૈદરાબાદમાં ખ્યાતનામ બન્યું. આજે બેડમિન્ટનની વર્લ્ડ ક્લાસ ટ્રેનિંગ લેવી હોય તો હૈદરાબાદ દેશનું સેન્ટર છે. હરિયાણા એ રીતે કુશ્તી માટેનું કેન્દ્ર છે. આમ, વર્ષો સુધી કોઈ એક સ્પોર્ટ્સના આકર્ષણથી જે-તે જગ્યાએ તેનો એક માહોલ બને છે અને પછી ત્યાંથી તે રમતના વર્લ્ડક્લાસ પ્લેયર મળે છે. ચેન્નઈ એ રીતે ચેસનો ગઢ બન્યું છે.
તમિલનાડુ ચેસનું કેન્દ્ર બન્યું તેમાં ઘણાં રાજકીય આગેવાનોએ પણ મદદ કરી છે અને એ રીતે પેઢી દર પેઢી ચેસનો અહીંયા વિકાસ થયો છે. જયલલિતા મુખ્યમંત્રી હતા ત્યારે શાળામાં ચેસ રમવાનું ફરજિયાત કરાવ્યું હતું અને એમ. કે. સ્ટાલિન જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે તમિલનાડુમાં ચેસ ઓલિમ્પિયાડ યોજી. સો વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતમાં ઓલિમ્પિયાડ યોજાઈ હતી. ઉપરાંત તે વર્ષે સ્ટાલિને શાળાઓમાં ચેસને પ્રોત્સાહન આપવા માટે એક કરોડ રૂપિયા ફાળવ્યા હતા.
ચેસ રમતમાં વિશ્વ સ્તરે રમી શકાય તેવું વિઝન દાખવાનારા પણ ચેન્નઈમાં અનેક છે. જેમ કે, મેન્યુઅલ એરોન જેમણે તાલ ચેસ ક્લબની સ્થાપના 1972માં કરી હતી. ચેન્નઈના સોવિયત કલ્ચરલ સેન્ટર ખાતે ચાલતા આ ક્લબમાંથી વિશ્વનાથ આનંદ તૈયાર થયા છે અને માત્ર આનંદ જ નહીં, બલકે હાલમાં ભારતમાં 83 ગ્રાન્ડમાસ્ટર છે, તેમાંથી 29 તમિલનાડુથી આવે છે અને તેમાંથી પણ 15 માત્ર ચેન્નઈની વેલમ્મલ વિદ્યાલય નામની શાળામાંથી અને તમિલનાડુમાંથી હંમેશા સારાં પ્લેયર્સ આવે છે તે આંકડાથી તો જાણી શકાય પણ હાલમાંય જેઓ ચેસ સાથે જોડાયેલાં છે તેમનું પણ માનવું છે કે, તમિલનાડુમાંથી એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્લેયર્સ આવે છે. મહારાષ્ટ્રના ગ્રાન્ડમાસ્ટર પ્રવિણ થિપસેનું કહેવું છે કે, દેશના અન્ય ભાગોમાં જે ચેસ ટુર્નામેન્ટ થાય છે તેના કરતાં તમિલનાડુમાં થતી ટુર્નામેન્ટમાં ચેસની રમત વધુ ટફ હોય છે અને એવું નથી કે ચેન્નઈ જેવાં મોટા શહેરમાં જ અહીં ટુર્નામેન્ટ થાય છે, બલકે કોઇમ્બતૂર, ઇરોડ અને સાલેમ જેવાં નાનાં શહેરોમાં પણ ચેસની ટુર્નામેન્ટ થાય છે. 1978માં તમિલનાડુના ત્રિચી ખાતે ભારતની પ્રથમ ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ચેસના રમત પ્રત્યે દેશભરમાં એવો ટ્રેન્ડ જોવા મળે છે કે, મહદંશે મધ્યમવર્ગના લોકોનું તેના પ્રત્યે આકર્ષણ છે. જ્યારે તમિલનાડુમાં મજદૂર વર્ગના પરિવારમાં પણ ચેસ રમાય છે. આ જ કારણે ભારતની પ્રથમ મહિલા ગ્રાન્ડમાસ્ટર સુબ્બારામન વિજયાલક્ષ્મી પણ તમિલનાડુથી છે અને ઇન્ટરનેશનલ મેચમાં આર્બિટરની ભૂમિકા ભજવતા વેંકટચલમ કામેશ્વરન પણ તમિલનાડુથી છે.
ધ પ્રિન્ટ નામના ન્યૂઝ પોર્ટલ પર તમિલનાડુમાં ચેસના ક્રેઝ અંગે પ્રકાશિત થયેલાં એક અહેવાલમાં લખ્યું છે કે, અહીંયા 28 વર્ષની ઘરકામ કરતી કે. ગાયત્રી પોતાના દીકરા વિષ્ણુવર્ધનને ચેસનું કોચિંગ કરાવે છે અને આ કોચિંગ કરાવવા બદલ તેને ગૌરવ પણ છે. ગાયત્રીને પોતાને ચેસ વિશે ઝાઝો ખ્યાલ નથી, પણ તેના દીકરો ચેસ રમતો હોય ત્યારે તેને તે વધુ ખુશ લાગે છે. ગાયત્રી તેના દીકરાને કોચિંગ માટે બેઝિક લેવલના કોર્સ માટે વર્ષના રૂપિયા બારસો આપી રહી છે. જોકે ચેસમાં ઘણો સમય આપ્યા છતાં એટલું વળતર નથી મળતું તે વાસ્તવિકતા પણ અહીંના લોકોને ખબર છે. ચેસના માર્ગદર્શક વાસુદેવન કહે છે કે જે બાળકો ચેસ પ્રત્યે લગાવ રાખે છે તેમને માતા-પિતા પૂરેપૂરો સપોર્ટ કરે છે. પણ સૌ જાણે છે કે, આ રમત ક્રિકેટ જેવી નથી, જ્યાં તમે માત્ર એક આઈપીએલ રમીને પણ કરોડો કમાઈ શકો છો. જ્યારે ચેસમાં એ સપનું જોજનું દૂર છે.
ગ્રાન્ડમાસ્ટર ગુકેશ ડી. પણ તમિલનાડુના છે. તેઓ ત્રીજા ક્રમાંકના સૌથી યુવાન ગ્રાન્ડમાસ્ટર છે. હાલમાં તેમનું વર્લ્ડ રેકિંગ નંબર આઠ દર્શાવે છે. ગુકેશ ડી.એ ચેસ રમવાનું શરૂ કર્યું ત્યારે તે માત્ર ખુશી માટે હતું. પરંતુ તેના માતા-પિતાને લાગ્યું કે તેને પ્રોફેશનલી ચેસ રમાડવી જોઈએ અને માત્ર સાડા છ વર્ષે તેને ચેસના ટ્રેનિંગ સેન્ટરમાં મૂકવામાં આવ્યો.
આઝાદી મળ્યા બાદ તુરંત ચેસની રમત અહીંયા જાણીતી બની તે અહીંયા સ્થપાયેલી મદ્રાસ ચેસ ક્લબ દ્વારા. જોકે દેશની આ સૌથી જૂની ક્લબ નથી, તે શ્રેય કલકત્તાની ચેસ ક્લબને જાય છે. જોકે અહીંયાય ચેસને ટકાવી રાખવા માટેનો સંઘર્ષ છે. જેમ કે, તાલ ક્લબ 1991માં રશિયા તૂટ્યું ત્યારે તેના ભંડોળના પ્રશ્નો ઊભા થયા. તે પછી આ સેન્ટરને રશિયન કલ્ચરલ સેન્ટર એવું નામ આપવામાં આવ્યું. પરંતુ ભંડોળ ન આવ્યું અને તાલ ક્લબ બંધ થઈ. તે સિવાય ચેસને પ્રોફેશનલી રમવું ખૂબ મુશ્કેલ છે કારણ કે તેમાં ગ્રાન્ડમાસ્ટરના ટાઇટલ સુધી પહોંચવા ઓછામાં ઓછા પંદર વર્ષનો સમય આપવો પડે છે. ઉપરાંત, તેમાં અંદાજે ખર્ચ 75 લાખ થાય છે. એક વાર તમે ગ્રાન્ડમાસ્ટર બની ગયા છતાં તમારો સંઘર્ષ અટકતો નથી. અન્ય સ્પોર્ટસની તુલનામાં ચેસમાં વળતરના નામે કશુંય નથી. એક વાર તમે ચેસની દુનિયામાં બહાર નીકળ્યા પછી તમારા માટે નાણાં કમાવવાનું કોઈ સાધન રહેતું નથી. જોકે આવાં અનેક પડકારો હોવા છતાં તમિલનાડુમાં લાખો બાળકો ચેસ રમીને આનંદ મેળવી રહ્યા છે અને તેમાં કારકિર્દી બનાવવા પણ ઉત્સુક છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796