Saturday, August 22, 2026
HomeGujaratAhmedabadક્રિકેટમાં ચક દે ઇન્ડિયા : ચેમ્પિયન ટીમના એકેએક પ્લેયરનો પરિચય

ક્રિકેટમાં ચક દે ઇન્ડિયા : ચેમ્પિયન ટીમના એકેએક પ્લેયરનો પરિચય

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ : આશ્ચર્ય થાય પણ પુરુષ વર્લ્ડ કપના બે વર્ષ પહેલાં જ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ રમાઈ ચૂક્યો હતો. એ વર્ષ 1973નું હતું જ્યારે પ્રથમ મહિલા વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં રમાયો હતો. પ્રથમ મહિલા વર્લ્ડ કપમાં વિજેતા ઇંગ્લેન્ડની ટીમ રહી હતી. જોકે પછીથી પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપની જેમ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાની ટીમનો દબદબો રહ્યો છે. અત્યાર સુધી રમાયેલાં 13 વર્લ્ડ કપમાં સાત વાર ઑસ્ટ્રલિયાની ટીમ ચેમ્પિયન રહી છે. તે પછી બીજા ક્રમે ઇંગ્લેન્ડની ટીમ છે. ઇંગ્લેન્ડની મહિલા ટીમ ચાર વાર વર્લ્ડ ચેમ્પિયન રહી છે. ન્યૂઝિલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા એક-એક વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યાં છે. 2025નું વર્લ્ડ ચેમ્પિયન ઇન્ડિયન ક્રિકેટ ટીમ છે. પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનનારી વુમન ટીમ ઇન્ડિયામાં કોણે-કોણે મહત્ત્વની ભૂમિકા અદા કરી છે તેમનો અહીં વિસ્તૃત પરિચય આપ્યો છે. આ પરિચયની કેટલીક વિગત ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માંથી લીધી છે.

  1. હરમનપ્રિત કૌર : હરમનપ્રિત કૌર મહિલા ક્રિકેટ દુનિયાની ગ્રેટેસ્ટ પ્લેયરમાંથી એક છે. 2017માં હરમનપ્રિતે ઑસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપ સેમિફાઈનલમાં 171 રન ફટકારીને ઇતિહાસમાં નામ નોંધાવી દીધું હતું. પંજાબના મોગા શહેરમાંથી આવનારી 36 વર્ષીય હરમનપ્રિતે અનેક વાર ટીમ ઇન્ડિયાને મુશ્કેલ સમયમાંથી ઉગારી છે. 2018માં ટ્વેન્ટી20 વર્લ્ડ કપમાં સેન્ચુરી ફટકારનારી તે પ્રથમ મહિલા બેટર બની હતી. મોવામાં સ્થાનિક છોકરાઓ સાથે ક્રિકેટ રમીને હરમનપ્રિત અહીં સુધી પહોંચી છે. તે પછીની તેની તાલીમ કોચ કમલદિશ સિંઘ સોધીના માર્ગદર્શનમાં થઈ હતી. સ્થાનિક મેચોમાં હરમનપ્રિત બોય્સ સામેની મેચમાં પણ જબરજસ્ત પ્રદર્શન કરવા માટે જાણીતી બની. તેમણે 2016માં ફટકારેલી એક સિક્સથી ઑસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકિપર-બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટ પણ પ્રભાવિત થયો હતો. મિડલ ઑર્ડરમાં બેટિંગમાં તે ભારતીય ટીમનું મજબૂત પાસું છે.
  2. સ્મૃતિ મંધાના : મહારાષ્ટ્રના સાંગલીમાં ક્રિકેટઘેલા પરિવારમાં જન્મેલી સ્મૃતિ મંધાના ક્રિકેટ શીખવા માંડી તે તેના ભાઈ શ્રવણના કારણે. શ્રવણ મહારાષ્ટ્ર રાજ્ય વતી અન્ડર-16ના લેવલે રમતો હતો. 2013માં ટીમ ઇન્ડિયા વતી રમવાનું શરૂ કર્યું ત્યારે સ્મૃતિની ઉંમર માત્ર 16 વર્ષની હતી. ઑપનિંગ બેટ્સમેન તરીકે કાઢું કાઢનાર સ્મૃતિએ અનેક વખત ઓપનિંગ બેટિંગ કરીને સારી શરૂઆત આપી છે. તે વનડે ક્રિકેટની નંબર વન બેટર રહી ચૂકી છે. 2022માં તે વાઇસ કેપ્ટન તરીકે જવાબદારી નિભાવી રહી છે. હજુ પણ સ્મૃતિ પાસે ઘણું ક્રિકેટ બાકી છે. સૌથી વધુ વન ડે સદી ફટાકનારી મહિલા બેટર તરીકે તે માત્ર હવે એક સદી જ પાછળ છે.
  3. જેમિહા રોડ્રિજ્સ : સેમિફાઈનલમાં 127 રનની ઇનિંગ્સ રમ્યા બાદ જેમિહાનું નામ ઇતિહાસમાં દર્જ થઈ ચૂક્યું છે. 2017-18માં જ્યારે જેમિહાને ‘બીસીસીઆઈ’ દ્વારા સ્થાનિક કક્ષાના એવોર્ડ મળ્યો ત્યારે તે લાઇમલાઇટમાં આવી. રોડ્રિજ્સ તેની પ્રથમ ઇન્ટરનેશનલ મેચ ઓસ્ટ્રેલિયા સામે 17 વર્ષની વયે રમી હતી. જોકે તે પછી તેનું સ્થાન ટીમમાં નિશ્ચિત રહેતું નહોતું. ઓપનિંગથી લઈને મિડલ ઓર્ડર સુધી તેનો ક્રમ બદલાતો રહ્યો. આ રીતે ક્રિકેટ મેદાન પર જેમિહા ઘડાઈ અને માનસિક રીતે મજબૂતી મેળવી. આ વર્લ્ડ કપમાં તેને ઇંગ્લેન્ડ સામેની મેચમાં લેવાઈ નહોતી, જોકે તે પછીની ઓસ્ટ્રેલિયાની મેચમાં મેચ વિનિંગ ઇનિંગ રમીને તેણે પોતાનું સ્થાન ટીમ ઇન્ડિયામાં કાયમી બનાવ્યું છે.
  4. પ્રતિકા રાવલ : દિલ્હીની આ 25 વર્ષીય છોકરીને તેના પિતા રોહતક માર્ગ પરના જીમખાના પર ટ્રેઇનિંગ માટે લઈ જતા હતા. આજે પ્રતિકા ત્યાં ટ્રઇન થતી 30 છોકરીઓની પ્રેરણા બની છે. પ્રતિકાએ પણ પોતે એવાં પ્રણ લીધા છે કે તે તેનાં એક બાળકને એથ્લેટીક માટે તૈયાર કરશે. પ્રતિકા બાસ્કેટ બોલ પ્લેયર હતી, પરંતુ નવ વર્ષની ઉંમરે તેના પિતાએ નક્કી કર્યું કે હવે તે ક્રિકેટમાં આગળ વધશે. 10 અને 12 ધોરણમાં નેવું ટકાથી વધુ માર્ક્સ લાવનારી પ્રતિકા અભ્યાસમાં પણ હોનહાર છે. તેણે સાઇકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. મહિલા વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રતિકા 1000 રન બનાવવાની સૌથી ઝડપી બેટર છે.
  5. શેફાલી શર્મા : શેફાલીએ દસ વર્ષની ઉંમરે પોતાના વાળ એટલાં નાનાં કરાવી દીધા હતા કે તેને કોઈ છોકરી તરીકે ઓળખ્યા વિના તેનાં મોટા ભાઈના સ્થાને તે સ્કૂલ ટીમ વતી ક્રિકેટ રમી શકે. શેફાલી આ રીતે ક્રિકેટ રમી અને તે ટુર્નામેન્ટમાં તે પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બની હતી. શેફાલી સચિન તેન્ડુલકરની ચાહક છે અને તેણે માત્ર 15 વર્ષની ઉંમરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અડધી સદી ફટકારી હતી. અન્ડર-19 ટ્વેન્ટી20 વર્લ્ડ કપમાં તેણે ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી કરી હતી. તેની વર્લ્ડ કપ ટીમમાં જગ્યા બની નહોતી જોકે પ્રતિકા રાવલની ઇન્જરીએ તેને ટીમમાં પ્રવેશ અપાવ્યો. વુમન ટેસ્ટ ક્રિકેટમાં ભારત વતી તે માત્ર બીજી બેટર છે જેણે ડબલ સેન્ચૂરી ફટકારી છે.
  6. સ્નેહ રાણા : ટીમ ઇન્ડિયાની આ સભ્ય સતત ટીમની અંદર બહાર થતી રહી છે. તેણે ટીમ ઇન્ડિયામાં 2014માં પ્રવેશ મેળવ્યો હતો અને તે 2016માં ટીમની બહાર હતી. તે પછી અંદાજે પાંચ વર્ષ તેને પાછાં ટીમમાં ફરતા વીતી ગયાં. તેનાં પિતા હંમેશા તેને ક્રિકેટર બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા, પણ તેનાં પિતાના મૃત્યુ પછી જ તેને ટીમમાં સ્થાન મળ્યું. બાળપણથી અનેક રમતો રમતાં મોટી થયેલી સ્નેહા ‘ગુજરાત જાયન્ટ્સ’ની કેપ્ટન હતી. જોકે 2024ના સિઝનમાં તેને કોઈ ટીમમાં સ્થાન ન મળ્યું. તે પછી ‘રાજસ્થાન રોયલ્સ’ દ્વારા તેને તક મળી અને ઓલરાઉન્ડર તરીકેનું પર્ફોમન્સ તેને ફરી ટીમ ઇન્ડિયામાં સ્થાન અપાવ્યું. આઠમાં ક્રમાંકે 80 રન ફટકારીને તેણે ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાને હારથી દૂર રાખી હતી.
  7. દિપ્તી શર્મા : દિપ્તીની ક્રિકેટની સફર થ્રો નાંખવાથી શરૂ થઈ હતી. નાની વયે તે પોતાના ભાઈ સાથે જતી અને થ્રો કરતી હતી. તેનો થ્રો બુલેટ જેવો છે અને તેથી પૂર્વ ક્રિકેટર હેમલતા કલાની નજર તેની પર ગઈ. હેમલતા કલાએ પોતાની કોર્પોરેટ જોબ છોડીને દિપ્તીને ટ્રેઇન કરી છે. દિપ્તીને હેમલતાએ ફાસ્ટ બોલર તરીકે ટ્રેઇન કરવાના બદલે સ્પિનર તરીકે ટ્રેઇન કરી. આ રીતે તેની સફર શરૂ થઈ અને હવે તે વિકેટ લેવામાં માત્ર ઝુલન ગોસ્વામીથી પાછળ રહી છે. તેની વિકેટની સંખ્યા 150 સુધી પહોંચી છે. શરૂઆતના સમયમાં ઓપનિંગ કરતી દિપ્તી હવે લોઅર ઓર્ડમાં બેટીંગ કરવા આવે છે. 2107માં દિપ્તીએ આયર્લેન્ડ સામે વન ડે ક્રિકેટની ગ્રેટ ઇનિંગ રમીને 188 રન ફટકાર્યા હતા.
  8. રેણુકા સિંઘ ઠાકુર : રેણુકા ત્રણ વર્ષની હતી જ્યારે તેના પિતાનું અવસાન થયું. રેણુકાની કેળવણીમાં તેની માતા અને ભાઈએ યોગદાન આપ્યું છે. 2021માં જ્યારે તેની પ્રથમ વાર ટીમ ઇન્ડિયા માટે પસંદગી થઈ ત્યારે તેણે પોતાના પિતાના ક્રિકેટ પ્રેમ વિશે વાત કરી હતી. તેના પિતા વિનોદ કાંબલીના ચાહક હતા અને તેથી રેણુકાના ભાઈનું નામ વિનોદ રાખ્યું હતું. રેણુકાએ ધર્મશાલાના એકેડમીમાં ફીટનેસ પર કામ કર્યું. રેણુકા સ્વિંગ બોલિંગ કરવામાં માહેર છે અને તેની બોલિંગની સ્પેસ એટલી છે કે તે બેટર સામે દરેક બોલ સાથે પડકાર ફેંકે છે. 2022ના કોમનવેલ્થ ગેમ્સમાં રેણુકા લિડિંગ વિકેટ ટેકર હતી.
  9. ઉમા ચેત્રી : ધોનીની ચાહક ઉમા તે પછીથી હરમનપ્રિત કૌરને આદર્શ માનતી હતી. ધોનીને રમતાં જોઈને તેણે વિકેટકિપિંગ શીખ્યુ. અને હવે તે પોતાનાં અન્ય એક આદર્શ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરી રહી છે. નોર્થ-ઇસ્ટમાંથી માત્ર ઉમા ચેત્રી એક જ પ્લેયર છે – જે ભારત વતી 2025ના વર્લ્ડ કપમાં રમતી હતી. તેને રિઝર્વ પ્લેયર તરીકે લેવામાં આવી હતી, પરંતુ તે પછી યસ્તિકા ભાટીયાની ઇન્જરીના કારણે તેનો સમાવેશ થયો. વર્લ્ડ કપમાં વિકેટકિપર તરીકે પ્રથમ પસંદગી રીચા ઘોષ હતી, જોકે બાંગ્લાદેશ સામે ઉમા ચેત્રીનું પદાર્પણ થયું હતું. નોર્થ-ઇસ્ટમાંથી તે ટીમ ઇન્ડિયામાં રમનારી તે પ્રથમ ક્રિકેટર છે.
  10. ક્રાંતિ ગૌડ : ‘ટ્રાઇબલ સ્ટાર’ તરીકે ઓળખાતી ક્રાંતિ મધ્ય પ્રદેશના ઘુવારાથી આવે છે. તેની ઉંમર 22ની છે અને તેણે ક્રિકેટ રમવા માટે પોતાના જિલ્લાથી અઢી કલાકનો રસ્તો કાપવો પડતો હતો. પૂર્વ પોલીસ કોન્સ્ટેબલની દિકરી ક્રાંતિ પહેલાં વહેલાં સ્થાનિક સ્તરે ટેનિસ બોલથી રમવા લાગી હતી. આદિવાસી પરિવારમાંથી આવતી ક્રાંતિ છ ભાઈ-બહેનોમાંથી એક છે. તેણે સ્થાનિક સ્તરે બેટર તરીકે ખૂબ ખ્યાતિ મેળવી તે પછી તે કોચ રાજીવ બિલથરે પાસે ટ્રેઇનિંગ લેવા પહોંચી. ક્રાંતિ ક્રિકેટ રમી શકે તે માટે તેની માતાના દાગીના પણ વેચવા પડ્યાં હતાં. આશ્ચર્યની વાત તો એ છે કે તેના પરિવાર અને પાડોશીઓએ તેને રમવા પિચ બનાવવા પૈસા એકઠાં કર્યા હતાં. આજે ક્રાંતિ ટીમ ઇન્ડિયાની સ્ટાર ફાસ્ટ બોલર છે.
  11. હરલીન દેઓલ : વુમન્સ ક્રિકેટમાં ટોપ ઓર્ડર બેટર તરીકે ખ્યાતિ મેળવનારી હરલીન દેઓલ મોહાલીની છે અને તેનામાં ક્રિકેટર તરીકેના ગુણ જોઈને પરિવાર તેને ધર્મશાલાની એકેડેમીમાં મોકલી હતી. ટ્વેન્ટી20 ક્રિકેટમાં ધમાકેદાર એન્ટ્રી બાદ તેને 2019માં વન ડે રમવા અર્થે ‘બીસીસીઆઈ’નું તેડું આવ્યું હતું. જોકે પહેલાં વહેલાં તેનું સ્થાન જમાવવા મશક્કત કરવી પડી હતી. હરલીન ટોપ ઓર્ડર બેટર સાથે અદ્ભુત ફિલ્ડર પણ છે. તેણે ઇંગ્લેન્ડ સામેની મેચમાં પકડેલો કેચ આજે પણ યૂટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર વારંવાર જોવાય છે.
  12. અરુંધતી રેડી : 2018માં ટેન્ટી20માં ડેબ્યુ કરનારી અરુંધતીને વન ડે ક્રિકેટના પદાર્પણ માટે સાત વર્ષ વાટ જોવી પડી હતી. આખરે જ્યારે તેને તક મળી ત્યારે દક્ષિણ આફ્રિકા સામે તેણે અડધી સદી ફટકારી. હૈદરાબાદથી સ્થાનિક ક્રિકેટ રમનારી અરુંધતી તેના એથ્લેટિક્સ ગુણ માટે જાણીતી છે. ધોનીને આદર્શ માનનારી અરુંધતી ફાસ્ટ બોલિંગ તો કરે જ છે, પરંતુ સાથે સાથે તેણે બેટર તરીકે પણ નામના મેળવી છે. હવે તેની ઓળખ ઓલરાઉન્ડર તરીકેની સ્થાપિત થઈ ચૂકી છે.
  13. રીચા ઘોષ : રીચા ઘોષ હંમેશાથી બિગ હિટર તરીકે રમતી આવી છે. આ માટે સૌથી વધુ પ્રોત્સાહન તેનાં પિતા માનાબેન્દ્ર ઘોષે આપ્યું છે. તે હંમેશા રિચાને સિક્સ અને ફોર મારવાની પ્રેક્ટિસ કરાવતા હતા. તેનાં પિતાને એવું હતું કે તે ટેબલ ટેનિસમાં પોતાની કારકિર્દી ઘડે, પરંતુ રીચાએ ક્રિકેટને પસંદ કર્યું. રીચાનાં ક્રિકેટના સપના માટે તેનાં પિતાએ સિલિગુરીમાં બિઝનેસ બંધ કર્યો અને તેઓ કોલકતા આવ્યા. આમ તો તેણે ક્રિકેટના ત્રણેય ક્ષેત્રોમાં મહારત હાંસલ કરી છે, જોકે આખરે તેણે વિકેટકિપિંગ પસંદ કર્યું. ટીમ ઇન્ડિયાની તે મજબૂત પ્લેયર છે.
  14. શ્રી ચરની : શ્રી ચરની માત્ર ત્રણ વર્ષની હતી ત્યારે તેના હાથમાં પ્લાસ્ટિકનું બેટ આવ્યું અને તે તેના મામા સાથે ક્રિકેટ રમતી હતી. શ્રી ચરની દસમા ધોરણમાં હતી ત્યારે તેના કોચ તેને ‘સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા’માં ટ્રેઇનિંગ માટે લઈ ગયા. અહીંયા તેને જોઈને પૂર્વ બોલર એમ.એસ.કે. પ્રસાદે શ્રી ચરનીને ક્રિકેટ રમવા માટે સૂચન કર્યું હતું. અને એ રીતે શ્રી ચરનીનું ક્રિકેટમાં પદાર્પણ થયું. તે પોતાના ડેબ્યુ સિરીઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝ રહી હતી.
  15. રાધા યાદવ : મુંબઈમાં જન્મેલી રાધા યાદવ વડોદરા વતી સ્થાનિક ક્રિકેટ રમતી થઈ અને તે ગુજરાતમાંથી પ્રથમ ક્રિકેટર બની જે ટીમ ઇન્ડિયામાં પસંદગી પામી છે. રાધા ટીમ ઇન્ડિયાની બેસ્ટ ફિલ્ડર છે અને ટ્વેન્ટી20ની લાંબા સમયથી સ્પેશિયાલિસ્ટ રહી છે. 2021માં તેનું વન ડે ક્રિકેટમાં પદાર્પણ થયું પરંતુ તે પછી લાંબા સમય સુધી ટીમ બહાર રહેવાનું થયું. 2024માં ફરી તક મળી. કોચ પ્રફુલ નાયકે 2012માં પહેલી વાર રાધાની પ્રતિભા જોઈ. રાધાનો પરિવાર ખૂબ ગરીબ છે અને તેનો પરિવાર શાકભાજી વેચવાનું કામ કરતો હતો. ટ્વેન્ટી20માં તેણે ઓલરાઉન્ડર તરીકે ખૂબ ખ્યાતિ મેળવી છે.
  16. અમરજોત કૌર : નાની ઉંમરે જ્યારે અમરજોત કૌરને તેના હમઉમ્ર બાળકો ક્રિકેટ રમવા માટે ઇનકાર કરતા ત્યારે તેની ફરિયાદ અમરજોત પિતાને કરતી હતી. અમરજોત પાસે ત્યારે બેટ નહોતું. તેના પિતાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ પોતે જ પોતાના દુકાને ગયા અને દિકરી માટે બેટ બનાવીને લઈ આવ્યા. અમરજોતના પિતા ભુપિન્દર ખુદ કારપેન્ટરનું કામ કરતા હતા. ટવેન્ટી20ના પદાર્પણમાં જ તે પ્લેયર ઓફ ધ મેચ બની હતી, જોકે ઇન્જરીએ તેની પાસેથી ઘણું ક્રિકેટ છીનવી લીધું. 25 વર્ષીય અમરજોત કૌર ફાસ્ટ બોલર તો છે જ, પણ તે સારી બેટર પણ છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular