ઓકટોબર આરંભે કોપર વાયદા સામે હાજરમાં ઊંધા બદલા ટન દીઠ ૨૨૪ ડોલરની ઉંચાઈએ પહોચી ગયા
મોટીકોપર ખાણોમાં અકસ્માત સર્જાયા પરિણામે ૨૦૨૬મા રીફાઈન્ડ કોપરની અછત મોઢું ફાડીને ઉભી છે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): સોના ચાંદીની હારોહાર કોપર (તાંબુ)માં આવેલી તેજીમાં વધુ નાણાકીય હવા ભરવાનું કામ, વાયદામાં પાછાં ફરેલા ફંડ મેનેજરોએ કર્યું છે. સુક્ષ્મ અને અતિસુક્ષ્મ ફંડામેન્ટલ દ્રાયવરો બન્ને, તાંબાની તેજીના હવે વાહક બન્યા છે. પુરવઠાનાં સ્થળાંતરે એવું મિશ્રણ તૈયાર કર્યું, જેમાં રોકાણકારોને તાંબાના વેપારમાં તત્કાળ દાખલ થવાની સમજ આપી. ગતસપ્તાહે લંડન મેટલ એક્સચેન્જમાં કોપરે હેડલાઈન બનાવી, અને ઓલટાઈમ હાઈ ભાવ ટન દીઠ ૧૧,૨૦૦ ડોલર છપાઈ ગયો. શુક્રવારે એલએમઈ ત્રિમાસિક વાયદો ૧૦,૮૯૫ ડોલર બંધ રહ્યો. આ પ્રક્રિયામાં તેજીવાળાઓએ ઓગસ્ટમાં તેમના ઉભા ઓળિયા ૫૫,૩૨૫ કોન્ટ્રેક્ટ હતા તે વધારીને ૮૭,૧૫૨ કોન્ટ્રેક્ટની ઉંચાઈએ લઇ ગયા. કોપર પ્રાઈસને ઉંચે લઇ જવાનું મિશ્રણ આમ પણ એલએમઇના આંતરરાષ્ટ્રીય ભાવ સામે સીએમઈ (ન્યુયોર્ક)માં બોલાતા પ્રીમીયમે તૈયાર કર્યું જ હતું તેમાં કોપર પરની અમેરિકન ટેરીફએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું.
મંદીવાળાઓએ સમાંતર રીતે પોતાની પોઝીશન ખંખેરવાનું શરુ કરતા, પરિણામ એ આવ્યું કે રોકાણકારોએ તેમની તેજીની પોઝીશન ૧૦ લાખ ટન કરતા વધુ ઝડપથી વધારી મૂકી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પએ લીબરેશન ડે નિમિત્તે આડેધડ ટેરીફનું વાવાઝોડું સર્જી દીધા પછી, એલએમઈ પર તેજીના ઓળિયા માર્ચ ૨૦૨૫ પછીની નવી ઉંચાઈએ પહોચી ગયા. સ્વાભાવિક છે કે એલએમઈ ખાતે ફંડોના નાણા ધરખમ રીતે પાછા ફર્યા. તેવુજ સીએમઈ વાયદામાં પણ થયું. પણ અમેરિકન સટ-ડાઉન જાહેર થવાને કારણે સાપ્તાહિક કમીટમેન્ટનાં આંકડા ખાસ જોવા મળ્યા નથી. ભાવ વધતા આવ્યા તેમ તેમ સીએમઈ કોન્ટ્રેક્ટમાં ઉભા ઓળિયા ચાર મહિનાની ઉંચાઈએ પહોચી ગયા હતા. આ સૂચવે છે કે વધુ રોકાણકારો કોપરની તેજીની વહેતી ગંગામાં હાથ ધોવા, બજારમાં આવ્યા. એલએમઈ પર મંદીવાળા રોકાણકારોના ડબ્બા તો એપ્રિલથી ડુલ થઇ ગયા હતા.
વર્તમાન તેજીના મોમેન્ટમ આધારિત સોદા કરતા મંદીવાળા ફંડોને તેમના મંદીના ઓળિયા પાછા ખેંચવાની ફરજ પડી. એલએમઈ સેટલ્મેન્ટ ગોડાઉન ખાતે સ્ટોક તળિયે ગયાના અહેવાલે પણ મંદીવાળાને બજારમાંથી ખસકી જવાની ફરજ પાડી. ઓકટોબરમાં મહિનાના આરંભે કોપર વાયદા સામેના ઊંધા બદલા (વાયદા સામે હાજર પ્રીમીયમ) ટન દીઠ ૨૨૪ ડોલરે પહોચી જતા, મંદીવાળા ફંડોએ એ જ સમયે બજારમાંથી સાઈડ લાઈન વાજબી માન્યું હતું. અલબત્ત, ત્યાર પછી સીધો બદલો ૨૪ (વાયદા સામે હાજર ડિસ્કાઉન્ટ) ડોલર થયો હતો, જે ઓગસ્ટમાં એક સમયે ૯૦ ડોલર હતો.
ઇન્ટરનેશનલ કોપર સ્ટડી ગ્રુપ કહે છે કે કોપરની માંગનું ભાવી ઉજ્જવળ છે, ત્યારે પુરવઠો ભેગો કરવાનું કામ પડકારજનક છે. આ વર્ષે અનેક કોપર ખાણોમાં અકસ્માત સર્જાયાના અહેવાલ આવ્યા છે, પરિણામે ૨૦૨૬મા રીફાઈન્ડ કોપરની અછત મોઢું ફાડીને ઉભી છે. માર્ચમાં શરુ થયેલા જકાત યુદ્ધ પછી તો, અમેરિકામાં આયાત થતા રીફાઈન્ડ કોપર પર પણ આયાત જકાતનો મુદ્દો મોટાપાયે ચગ્યો, સામાન્ય અને ખાસ પ્રકારની કોપર આયાત જકાતનો ભયંકર ચક્રવાત આવ્યો હતો. વિશ્વના સૌથી મોટા કોપર વપરાશકાર ચીન અને અમેરિકા વચ્ચે જકાત મુદ્દે મોટા મોટા ખેલ પાડવામાં આવ્યા. ટ્રમ્પ અને શિ-જીન્પિંગ વચ્ચે જકાતનાં મુદ્દે માંડ અર્ધસમાધાન થયું છે, આ ઘટના પણ હવે ભાવ પર અસર પાડશે.
જકાત યુદ્ધનો આત્મા ગણાતા અમેરિકાના સીએમઈ કોપર વાયદામાં રોકાણકારો પોતાની પોઝીશન બદલવા લાગ્યા, ત્યારે ઓગસ્ટમાં ભાવ સંકળાઈને દાયકાના તળિયે ગયો હતો. રોકાણકારોએ આ લાલ ધાતુમાંથી હાથ ખેંચી લીધા તે દરમિયાન કામકાજ અને ઉભા ઓળિયા બન્ને તળિયે બેસી ગયા હતા. આ તબક્કે જાગતિક હાજર સપ્લાય ચેઈનમાં ગાબડા પડતા, એલએમઈ કોપરમાં કામકાજ વૃદ્ધિ થઇ હતી, પણ ભાવ વધવા લાગતા કોપરની ઓદ્યોગિક પ્રવૃત્તિ ધીમી પાડવા લાગી, પરિણામે ફંડોએ વાયદાના કામકાજમાંથી હાથ ખેંચી લેવાનું શરુ કર્યું. પણ ઓગસ્ટ આવતા સુધીમાં વિશ્વની મોટી ખાણોમાં ઉત્પાદન નીચે જવા લાગતા ચિત્ર બદલાઈ ગયું અને ભાવની અપવર્ડ મોમેન્ટમ પાછી શરુ થઇ ગઈ.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








