પ્રશાંત દયાળ (વડોદરા): વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડમાં ઓએસીસ સંસ્થાની એક યુવતી પર થયેલા દુષ્કર્મની ફરિયાદ બાદ સમગ્ર ઘટનાને છુપાવવાના આરોપસર વડોદરા પોલીસે ઓએસીસ સંસ્થાના વડા સંજીવ શાહ, ટ્રસ્ટી પ્રીતિ શાહ અને મેન્ટર વૈષ્ણવી ટાપરિયા સામે ગુનો નોંધ્યો છે. યુવતીએ વેક્સિન ગ્રાઉન્ડમાં પોતાની સાથે બનેલી ઘટનાની જાણકારી સંસ્થાને આપવા છતા સંસ્થાએ તે વાત છુપાવી હતી અને પોલીસ તપાસમાં પણ સહકાર નહીં આપતા હોવાથી વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંગના આદેશ બાદ એસીપી ડી એસ ચૌહાણે ગુનો નોંધ્યો છે.
ઓએસીસ સંસ્થામાં કામ કરતી યુવતી ઉપર દિવાળીના દિવસોમાં દુષ્કર્મ થાય છે, આ ઘટનાની પ્રથમ જાણકારી બસ ડ્રાઈવર, સંસ્થાના મેન્ટર વૈષ્ણવી ટાપરિયાને આપે છે અને વૈષ્ણવી તેને સંસ્થામાં લઈને પાછી ફરે છે. વૈષ્ણવી ઈજાગ્રસ્ત યુવતીના ફોટોગ્રાફ્સ અને તેની માહિતી ઓએસીસના સંસ્થાપક સંજીવ શાહ અને ટ્રસ્ટી પ્રીતિ શાહને મોકલાવે છે. છતાં તેમણે આ મામલે પોલીસ ફરિયાદ કરી નહીં. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસ કમિશનર શમશેર સિંગ દ્વારા આ તપાસ એસીપી ડી એસ ચૌહાણને સોંપવામાં આવી હતી.
એસીપી ડી એસ ચૌહાણની તપાસમાં સ્પષ્ટ થયું કે, આ બનાવ અંગે સંજીવ, પ્રીતિ અને વૈષ્ણવી જાણતા હોવા છતાં તેમણે આ ઘટનાને ગુપ્ત રાખી હતી. જો તેમણે સમયસર આ બાબત પોલીસ સામે સ્પષ્ટ કરી હોત તો સંભવ હતું કે યુવતીની આત્મહત્યાને અટકાવી શકાઈ હોત. પોલીસ દ્વારા તપાસ દરમિયાન આપવામાં આવેલી નોટિસનો પણ સંસ્થા દ્વારા સમયસર જવાબ આપવામાં આવતો નહોતો. પોલીસ તપાસમાં પણ સંસ્થા અનેક માહિતી છૂપાવતી હોવાનું ફલિત થતાં કમિશનરના આદેશ બાદ ત્રણેય જવાબદારો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









