શહેરની શાળાઓને નિશાન બનાવવાનો સિલસિલો યથાવત, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન સર્ચ ઓપરેશન શરૂ
નવજીવન ન્યૂઝ.વડોદરા, શુક્રવાર: વડોદરા શહેરમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે શુક્રવારે શહેરના હરણી વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત સિગ્નસ સ્કૂલને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી જવા પામી છે. ધમકીના પગલે પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને શાળા પરિસરમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સાથે સઘન તપાસ અભિયાન હાથ ધર્યું છે.
ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે સિગ્નસ સ્કૂલના સત્તાધીશોને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરવામાં આવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાળા સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
પોલીસ તંત્ર દોડતું થયું જાણ થતાની સાથે જ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો તાત્કાલિક ધોરણે સ્કૂલ ખાતે પહોંચી ગઈ હતી. સુરક્ષાને પ્રાથમિકતા આપતા, પોલીસે તાત્કાલિક તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે સ્કૂલમાંથી બહાર કાઢી તેમના વાલીઓને સોંપવાની વ્યવસ્થા કરી હતી. આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
સમગ્ર પરિસરમાં સઘન ચેકિંગ હાલમાં, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સમગ્ર સ્કૂલ પરિસર, ક્લાસરૂમ અને આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને અત્યાધુનિક સાધનો તથા ડોગ સ્ક્વોડની મદદથી બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ શાળાઓને આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે. આ વારંવાર બનતી ઘટનાઓને કારણે વાલીઓમાં ચિંતાનો માહોલ છે અને સુરક્ષા એજન્સીઓ પણ વધુ સતર્ક બની છે.