નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: 2002માં ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં (Gujarat Riots 2002) એક એવી પણ ઘટના બની હતી, જે ઘટનાની પીડિત મહિલા આજે પણ ન્યાય માટે લડી રહી છે. બિલ્કિસ બાનો (Bilkis Bano) સહિત ત્રણ મહિલાઓ પર થયેલા સામૂહિક દુષ્કર્મનો કેસ બહુ ચર્ચિત હતો. આજે પણ તેના પડઘા સંભળાય છે. દોષિત તમામ 11 લોકોને મહારાષ્ટ્રની કોર્ટે આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. જો કે ગયા વર્ષે ગુજરાત સરકારે તમામ દોષિતોને સજા માફી આપી જેલમુક્ત કર્યા હતા. સરકારે દોષિતોને માફી આપવા મામલે બિલ્કિસ બાનો સુપ્રિમ કોર્ટ (Supreme Court) પહોંચી હતી. ત્યારે સુપ્રિમ કોર્ટે તમામ દોષિતોની સજા માફીને રદ કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફેબ્રુઆરી 2002માં ગુજરાતમાં કોમી રમખાણ શરૂ થયા. આ કોમી રમખાણોમાં 3 માર્ચે બિલ્કિસ બાનો અને તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં બિલ્કિસ બાનો સહિત ત્રણ મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું. તેમજ બિલ્કિસ બાનો પરિવારના 7 સભ્યોની હત્યા કરવામાં આવી હતી તથા અન્ય 6 જેટલા સભ્યો ગુમ થયા હતા. આ મામલે પહેલા તો પોલીસે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આનાકાની કરી હતી, પણ બાદમાં આરોપીઓ સામે મુંબઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી અને તમામ 11 આરોપીઓ સામે મુંબઈ કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. કોર્ટે તમામ આરોપીઓને બિલ્કિસ બાનો કેસમાં સામૂહિક દુષ્કર્મ કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા. તેમજ તમામને આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે તમામ દોષિતો કોર્ટે ફટકારેલી સજા સામે મુંબઈ હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે પણ નીચલી કોર્ટે આપેલા ચુકાદાને બહાલી આપી હતી.
આ કેસ અંગે સુપ્રીમ કોર્ટે 2019 માં પીડિત બિલ્કિસ બાનોને 50 લાખનું વળતર તથા નોકરી અને ઘર આપવાનો ગુજરાત સરકારને આદેશ કર્યો હતો. પણ ગયા વર્ષે એટલે કે 2022માં ગુજરાત સરકારે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે તમામ 11 દોષિતોને સજા માફી આપવાનો નિર્ણય કર્યો હતો. ગયા વર્ષે 11 દોષિતો ગોધરાની જેલ પરથી મુક્ત થયા હતા. દોષિતોની સજા માફીના સરકારના નિર્ણય સામે બિલ્કિસ બાનોએ સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. બિલ્કિસ બાનોની રજૂઆત હતી કે આ પ્રકારના ગુનેગારોને ગુજરાત સરકાર માફી કેવી રીતે આપી શકે?
જો કે સુપ્રિમ કોર્ટે બિલ્કિસ બાનોની અરજી પર સુનાવણી કરી ચુકાદો અનામત રાખ્યો હતો અને આજે સુપ્રિમ કોર્ટે બિલ્કિસ બાનો કેસના દોષિતોને સમય પહેલા છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણય પર ટીપ્પણી કરતાં કહ્યું કે, ગુજરાત સરકાર પાસે દોષિતોને સજા માફી આપવાનો કોઈ અધિકાર નથી. જસ્ટીસ નાગરતના અને જસ્ટીસ ઉજ્જવલ ભૂઈયાની બેચે કહ્યું કે, દોષિતો સામે મહારાષ્ટ્રમાં કેસ ચલાવવામાં આવ્યો છે. ત્યારે સજા માફી અંગેનો નિર્ણય ગુજરાત સરકાર લઈ શકે નહીં. અને આમ પણ ઘટના અને ક્રૂરતા વિષે વાત કરવાનો કોઈ મતલબ નથી. આ તો મહિલાના સન્માનની વાત છે એમ પણ સુપ્રિમ કોર્ટની ખંડપીઠે કહ્યું. આ સાથે સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકારના સજા માફીના નિર્ણયને રદ કરવાનો હુકમ કર્યો. તેમજ તમામ 11 દોષિતોને જેલહવાલે કરવાનો પણ આદેશ કર્યો હતો.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








