નવજીવન ન્યૂઝ.ભાવનગર: ભાવનગર સહિત સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) શૈલેષ ખાંભલાના ત્રિપલ મર્ડર કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ પૂર્ણ કરી દીધો છે. પોતાની જ પત્ની અને બે માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારી જમીનમાં દાટી દેનાર હેવાન પિતા વિરુદ્ધ પોલીસે નિયત સમયમર્યાદા પહેલાં જ મજબૂત પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. આ ચાર્જશીટમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તપાસનીશ એજન્સીએ શૈલેષની વનકર્મી પ્રેમિકાનું પણ નિવેદન નોંધ્યું છે.
85 દિવસમાં તપાસ પૂર્ણ: 1500 પુરાવા રજૂ કરાયા
સામાન્ય રીતે પોલીસ પાસે ચાર્જશીટ રજૂ કરવા માટે 90 દિવસનો સમય હોય છે, પરંતુ આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)એ માત્ર 85 દિવસમાં જ તપાસ પૂર્ણ કરી લીધી છે. પોલીસે કોર્ટમાં રજૂ કરેલી 1500 પાનાની ચાર્જશીટમાં 1500 જેટલા સજ્જડ દસ્તાવેજી પુરાવાઓ સામેલ છે. જેમાં FSL રિપોર્ટ, CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોનો સમાવેશ થાય છે.
પ્રેમિકા સહિત 90 લોકોના નિવેદન લેવાયા
આ કેસમાં શૈલેષ ખાંભલાના પ્રેમ પ્રકરણની ચર્ચાએ જોર પકડ્યું હતું. ચાર્જશીટ મુજબ, પોલીસે કુલ 90 લોકોના નિવેદનો નોંધ્યા છે. જેમાં પંચો, પોલીસ સ્ટાફ અને ફોરેસ્ટના કર્મચારીઓ સામેલ છે. સૌથી મહત્વનું એ છે કે CrPC કલમ 164 મુજબ મેજિસ્ટ્રેટ રૂબરૂ 3 ફોરેસ્ટ ઓફિસર અને શૈલેષની મહિલા વનકર્મી મિત્ર (પ્રેમિકા)નું પણ નિવેદન લેવામાં આવ્યું છે, જે કેસમાં મહત્વનો પુરાવો સાબિત થઈ શકે છે.
હત્યા કરીને નાટક કર્યું હતું
આ કેસની વિગત એવી છે કે, આરોપી શૈલેષ ખાંભલાએ ત્રણ મહિના પહેલા પત્ની નયનાબેન, દીકરી પ્રુથા અને પુત્ર ભવ્યની હત્યા કરી સરકારી ક્વાર્ટરની પાછળ ખાડો ખોદીને દાટી દીધા હતા. ત્યારબાદ 7 નવેમ્બરે તેણે જાતે જ પોલીસ સ્ટેશન જઈને પરિવાર ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસ તપાસ અને CDR રિપોર્ટમાં ભાંડો ફૂટી ગયો હતો.
ફાંસીના માંચડે ચડાવવા સ્પેશિયલ PPની માંગ
SIT અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ આ કેસને ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણીને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે સરકાર પાસે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (PP)ની નિમણૂક કરવાની માંગ કરી છે. પ્રત્યક્ષ સાક્ષી ન હોવા છતાં, પોલીસે સંજોગોવશાત્ પુરાવાઓની મજબૂત કડીઓ જોડીને શૈલેષ ખાંભલા ફરતે ગાળિયો મજબૂત કર્યો છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








