નવજીવન ન્યૂઝ.ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટેની વરણી હવે માત્ર ઔપચારિકતા નથી રહી, પરંતુ રાજકીય જંગમાં ફેરવાઈ ગઈ છે. સામાન્ય રીતે આ પદ માટે બિનહરીફ વરણીની પરંપરા જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ આમને-સામને આવી ગયા છે. ભાજપ દ્વારા પૂર્ણેશ મોદીનું નામ જાહેર કરાયું છે, તો સામા પક્ષે કોંગ્રેસે પણ વરિષ્ઠ ધારાસભ્ય શૈલેષ પરમારને મેદાનમાં ઉતારતા ચૂંટણી યોજવી અનિવાર્ય બની છે.
બિનહરીફ નહીં, હવે જામશે જંગ
આજે બપોરે 12 વાગ્યે વિધાનસભા સચિવાલય ખાતે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે. સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવશે. તેમની સાથે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી ઋષિકેશ પટેલ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. ભાજપે વ્હીપ અને સંખ્યાબળના જોરે જીત નિશ્ચિત કરી લીધી છે, પરંતુ કોંગ્રેસના નિર્ણયે રાજકીય ગરમાવો વધારી દીધો છે.
સંખ્યાબળ ભાજપ પાસે, પણ કોંગ્રેસ મેદાન નહિ છોડે
વિધાનસભામાં ભાજપ પાસે પ્રચંડ બહુમતી છે, એટલે પૂર્ણેશ મોદીનો વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. છતાં, કોંગ્રેસે શૈલેષ પરમારને ઉમેદવાર બનાવીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ સહેલાઈથી રસ્તો નહીં આપે. કોંગ્રેસની આ રણનીતિને ‘પ્રતિકાત્મક લડત’ તરીકે જોવામાં આવી રહી છે. વિપક્ષ એ સાબિત કરવા માંગે છે કે ગૃહમાં તેઓ સરકારને દરેક મોરચે પડકારશે.
આગળ શું થશે?
બંને પક્ષો દ્વારા ફોર્મ ભર્યા બાદ હવે ગૃહમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ નવા ઉપાધ્યક્ષની સત્તાવાર ઘોષણા થશે. ઉલ્લેખનીય છે કે, ઉપાધ્યક્ષનું પદ બંધારણીય રીતે ખૂબ મહત્વનું છે. અધ્યક્ષની ગેરહાજરીમાં ગૃહનું સંચાલન અને શિસ્ત જાળવવાની જવાબદારી ઉપાધ્યક્ષના શિરે હોય છે. પૂર્ણેશ મોદી સંગઠન અને સરકારનો બહોળો અનુભવ ધરાવે છે, જે હવે તેમને આ નવા હોદ્દા પર કામ લાગશે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








