નવજીવન ન્યૂઝ. શ્રીનગર: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની(Rahul Gandhi) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) પર રોકાઈ ગઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પગપાળા ભારત યાત્રા હાલ કાશ્મીરના બનિહાલ ખાતે પહોંચી છે. ત્યારે હવે ભારત જોડો યાત્રા સ્થગિત થઈ હોવાના સમાચાર કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટ કરી આપ્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ભારત જોડો યાત્રાને એટલા માટે રોકી દેવાઈ છે કારણ કે તેમને યોગ્ય સુરક્ષા નથી આપવામાં આવી અને સુરક્ષા વગર યાત્રા જોખમી છે. આ મામલે હાલ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પત્રકારોને સંબોધીત કરી માહિતી આપી રહ્યા છે.

કોંગ્રેસના રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધી 3570 કિલોમીટરની ભારત જોડો પદ યાત્રા પર છે. હાલ આ યાત્રા તેના અંતિમ પડાવ એટલે કે કાશ્મીરમાં પહોંચી ગઈ છે અને બસ થોડા જ કિલોમીટર બાકી રહ્યા છે. ત્યારે સુરક્ષા દળને હટાવી લેવાયા હોય સુરક્ષાને ધ્યાને રાખી યાત્રા સ્થગિત કરી દેવાઈ હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે કોંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રામાં સુરક્ષામાં ગંભીર ક્ષતી થઈ છે. વેણુગોપાલે દાવો કર્યો હતો કે, ભારત જોડો યાત્રા ડી-એરિયામાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ સુરક્ષા જવાનોને હટાવી લેવાયા છે. વેણુગોપાલે વધુંમાં જણાવ્યું હતું કે, આ આદેશ આપ્યો કોણે ? અને આગળ હવે આ પ્રકારની ઘટના ન બને તે માટે યોગ્ય પગલા લેવામાં આવે.
રાહુલ ગાંધીએ આ બાબતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ટનલ બાદ પોલીસનું આયોજન પડી ભાંગ્યુ હતું અને તેઓ ટનલ બાદ ક્યાંક જતા રહ્યા અને જોવા મળ્યા ન હતા. ત્યારે મારા સુરક્ષા જવાનોએ મને જોખમ ટાળવા માટે યાત્રા રોકી દેવા જણાવ્યું હતું. હું નથી જાણતો કે આવું કેમ થયું અને કોણે કરાવ્યું પણ આવું હવે ફરી ન થાય તે જરૂરી છે.
આ મામલે જયરામ રમેશે પત્રકારોને જણાવ્યું હતું કે, અમે ત્રણ દિવસ સુધી કાશ્મીરમાં છીએ અને 29 તારીખે શ્રીનગરમાં રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ છે. તેમજ લાલ ચોકમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર રાહુલ ગાંધી ત્રિરંગો ફરકાવશે. અને અહીં ભારત જોડો યાત્રા પૂર્ણ થશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796