નવજીવન ન્યૂઝ, આણંદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections Gujarat) જીતવા માટે ઉમેદવારો પ્રચારમાં જોરશોરથી લાગી ગયા છે. તમામ પક્ષો વધુ બેઠકો અંકે કરવા જોર લગાવી રહ્યાં છે. આ વખતે ભાજપના નેતાઓ રઘવાયા બન્યાં છે અને વિવાદાસ્પદ નિવેદનો કરતા જોવા મળે છે. આણંદ જિલ્લાના આંકલાવ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Dy CM Harsh Sanghavi) ની હાજરીમાં યોજાયેલી એક સભામાં સાંસદ મિતેશ પટેલ ઉર્ફે બકાભાઈએ ગ્રાન્ટના મુદ્દે વિવાદીત નિવેદન આપ્યું છે.
આણંદ જિલ્લાના આંકલાવ ખાતે યોજાયેલી ભાજપની સભામાં સાંસદ મિતેશ પટેલે વિવાદસ્પદ નિવેદન (MP Mitesh Patel Controversial statement) આપ્યું છે. મિતેશ પટેલે સભા મંચ પરથી ભાષણ આપતા કહ્યું કે, “કૉંગ્રેસને એક બેઠક પણ જીતવા દેવાની નથી, કૉંગ્રેસ જીતશે તો એને એક રૂપિયો પણ ગ્રાન્ટ નહીં આપીએ”. મિતેશ પટેલે ચૂંટણી પહેલાં મતદારોને ખુલ્લેઆમ આપેલી ધમકીને લઈને આંકલાવના સ્થાનિકોમાં ભારે રોષ છે. આ નિવેદનને લઈને રાજકીય વિવાદ પણ છંછેડાયો છે.
જોકે આવી તો ઘણી ઘટનાઓ બની છે જ્યાં જનતાને નેતાઓએ સંભળાવી દીધી હોય… હાલમાં જ હાથીજણ અમદાવાદ ખાતે પણ આવી જ એક ઘટના બની હતી. ભાજપના નેતા મૌલિક પટેલ સમર્થકો સાથે મત માગવા નીકળ્યા હતા અને ત્યાં એક વડીલ મહિલાએ તેમને સોસાયટીમાં આવતા રોક્યા હતા. તેમની સાથે અન્ય લોકો પણ જોડાયા હતા. જોકે લાજવાને બદલે ભાજપના નેતાઓ ગાજવા લાગ્યા હતા. એક સમર્થકે તો માજીને કહી દીધું હતું કે તમારા બાપાની સોસાયટી છે? અને હવે સાંસદ ખુદ આવી સીધી ધમકી આપી દે તે બધું ચૂંટણી પંચે જોવું રહ્યું. મતદારોને સીધા ગ્રાન્ટ અને તેમના કામો નહીં થાય તેવી ગર્ભીત ધમકી ચૂંટણી પંચે નજર અંદાજ કરીને છૂમંતર થવાને બદલે મતદારો નિર્ભયતાથી મતદાન કરી શકે તેની તકેદારી રાખવી જોઈએ. જોકે આ સલાહ આપતા લોકોને ચૂંટણી પંચનો હાલનો ઈતિહાસ પણ તપાસી લેવો જોઈએ.








